પાંચ મહિનાના નીચલા સ્તરે પટકાયા પછી ક્રૂડ ઑઇલના ભાવમાં મજબૂતી

07 June, 2019 12:31 PM IST  |  મુંબઈ | કૉમોડિટી ન્યૂઝ

પાંચ મહિનાના નીચલા સ્તરે પટકાયા પછી ક્રૂડ ઑઇલના ભાવમાં મજબૂતી

ક્રૂડ ઑઇલ

બુધવારે સાંજે ક્રૂડ ઑઇલના ભાવ પાંચ મહિનાની નીચી સપાટીએ પટકાયા પછી મજબૂત જણાઈ રહ્યા છે. જોકે બજારને હજી પણ નબળી માગનો ડર છે એટલે લાંબી તેજીનો અવકાશ જણાતો નથી. દરમ્યાન રશિયા અને સાઉદી અરબ વચ્ચે ભાવસપાટી અંગે મતભેદ હોવાની વાતો પણ બહાર આવી છે.

લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડ ઑઇલ વાયદો ૬૧.૨૩ ડૉલર પ્રતિ બૅરલ છે છે જે ૬૦ સેન્ટનો વધારો સૂચવે છે, જ્યારે નાઇમેક્સ ઉપર ટેક્સસ ક્વૉલિટીનો વાયદો ૧૮ સેન્ટ વધીને ૫૧.૮૬ ડૉલર છે. બ્રેન્ટ વાયદો ગઈ કાલે ૫૯.૪૫ અને ટેક્સસ ૫૦.૬૦ની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આજના વધારા પછી પણ ક્રૂડ ઑઇલના ભાવ છેલ્લી ઊંચાઈએથી ૨૦ ટકા જેટલા ઘટેલા છે જે ટેãક્નકલ ચાર્ટની દૃષ્ટિએ મંદી સૂચવે છે. ભારતમાં ક્રૂડ તેલ જૂન કૉન્ટ્રૅક્ટ બૅરલદીઠ ૩૬૦૬ ખૂલી, ઉપરમાં ર૩૬૨૭ અને નીચામાં ૩૫૮૦ બોલાઈ પ્રથમ સત્રના અંતે બે રૂપિયા વધીને ૩૬૧૦ રૂપિયા બંધ રહ્યો હતો.

અમેરિકાનો વધતો પુરવઠો ચિંતાજનક

૩૧ મે સુધીમાં અમેરિકામાં ક્રૂડ ઑઇલનું ઉત્પાદન દૈનિક ૧૨૪ લાખ બૅરલ થયું છે જે એક વર્ષમાં દૈનિક ૧૬.૩૦ લાખ બૅરલનો વધારો સૂચવે છે. બીજી બાજુ અમેરિકામાં હાથ ઉપર ક્રૂડ ઑઇલનો સ્ટૉક એક જ સપ્તાહમાં ૬૮ લાખ બૅરલ વધી ૪૮૩૨.૬ લાખ બૅરલ નોંધાયો છે જે જુલાઈ ૨૦૧૭ પછી સૌથી વધુ છે. અમેરિકા જ નહીં, કઝાકિસ્તાનમાં ઉત્પાદન ૪ લાખ બૅરલ વધ્યું છે.

બીજી બાજુ અમેરિકા અને ચીનના ટ્રેડ-વૉરને કારણે આર્થિક મંદી આવશે, ક્રૂડ ઑઇલની માગ ઘટશે એવી વાત ચાલી રહી છે ત્યારે અમેરિકામાં ઉત્પાદન અને સ્ટૉક બન્ને ક્રૂડ ઑઇલની બજાર માટે ચિંતાજનક છે. મૉર્ગન સ્ટૅન્લીએ વૈશ્વિક ક્રૂડ ઑઇલની માગ ૧૨ લાખ બૅરલને બદલે હવે ૧૦ લાખ બૅરલ પ્રતિદિન વધશે એવી આગાહી કરી છે અને બ્રેન્ટ ક્રૂડ ઑઇલના ભાવ ૭૫થી ૮૦ ડૉલરને બદલે ૬૫થી ૭૦ ડૉલર રહેશે એવો અંદાજ મૂક્યો છે.

રશિયા ઓપેકમાં મતભેદ?

દુનિયામાં ક્રૂડ ઑઇલનું સૌથી મોટું ઉત્પાદન કરતા સાઉદી અરબ અને રશિયા વચ્ચે ભાવસપાટી અંગે મતભેદ બહાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે ભાવ વિશે સાઉદી અરબ સાથે પોતે સહમત નથી. અગાઉની માહિતી અનુસાર રશિયા ક્રૂડ ઑઇલના ભાવ ૬૦થી ૬૫ ડૉલરની સરેરાશ વચ્ચે રહે તો સંતુક્ટ છે, જ્યારે ગલ્ફના દેશને એનાથી વધારે ભાવસપાટીની ઇચ્છા છે. ૨૦૧૭થી ઓપેક અને રશિયા દર ૬ મહિને બેઠક કરી બજારમાં માગ અને પુરવઠો જાળવી રાખી ક્રૂડ ઑઇલના ભાવ ઘટતા અટકાવી રહ્યા છે. બજારમાં ક્રૂડ ઑઇલની માગ કરતાં પુરવઠો વધારે હોવાથી ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. સાઉદી અરબની આગેવાની હેઠળ રશિયા પણ ઉત્પાદન ઘટાડીને ભાવને ટેકો આપે છે.

આ પણ વાંચો : મુંબઈ: ATM ચાર્જિસની લૂંટ બંધ થઈ શકે છે

જોકે પુતિને જણાવ્યું હતું કે પોતે ભલે ભાવ વિશે સહમત ન હોય, પણ ઓપેકનાં દરેક રાષ્ટ્રો સાથે આગામી દિવસોમાં બેઠક કરી સંયુક્ત નિર્ણય લેવામાં આવશે જેમાં ઉત્પાદન ઘટાડવું કે નહીં એ વિશેનો નિર્ણય લેવાશે.

business news