ક્રૂડતેલની તેજીનું ભાવિ : ઓપેકની ભૂમિકા નિર્ણાયક

29 April, 2019 11:58 AM IST  |  મુંબઈ | કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

ક્રૂડતેલની તેજીનું ભાવિ : ઓપેકની ભૂમિકા નિર્ણાયક

ક્રૂડતેલ

ક્રૂડતેલના ભાવ છેલ્લા બે મહિનાથી વધી રહ્યા છે. ગયા સપ્તાહે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ છ મહિનાની ઊંચાઈએ ૭૫ ડૉલર થયા હતા. ૨૦૧૮ના છેલ્લા ક્વૉર્ટરમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ એક તબક્કે ૮૦ ડૉલરની સપાટીને વટાવી ગયા હતા. આજના આધુનિક યુગમાં વાહનોનો વપરાશ સતત વધી રહ્યો હોઈ ક્રૂડતેલના ભાવ દરેકના જીવનને અસર કરી રહ્યા છે. ભારતનો ઇકૉનૉમિક ગ્રોથ વધવા સાથે પેટ્રોલ-ડીઝલની ઇમ્પોર્ટ પણ સતત વધી રહી છે. વલ્ર્ડની માર્કેટમાં ક્રૂડતેલના ભાવ વધે ત્યારે ભારતની ઇકૉનૉમીને તેની સીધી અવળી અસર પડી રહી છે, કારણ કે મોંઘું ક્રૂડતેલ ખરીદ્યા બાદ ભારત સરકારે વધુ નાણાં ખરીદવા પડી રહ્યાં છે. ક્રૂડતેલની તેજીની અસર ભારતીય સ્ટૉક માર્કેટ અને રૂપિયાની તેજી-મંદી પર પડી રહી છે. ક્રૂડતેલના ભાવ વધે ત્યારે સ્ટૉક માર્કેટની તેજીને બ્રેક લાગે છે અને રૂપિયો ગગડવા લાગે છે, કારણ કે ભારતીય ઇમ્પોર્ટરોને ક્રૂડતેલની ખરીદી માટે વધુ ડૉલર ખર્ચવા પડે છે. ભારતીય રૂપિયો હાલ ઘટીને ૭૦ સપાટીને ઓળંગી ગયો છે.

ક્રૂડતેલની સપ્લાયમાં ઘટાડો

અમેરિકામાં ઓબામા સરકારે ૨૦૧૫માં વર્ષો અગાઉ લાદેલો ઈરાન પરનો આર્થિક પ્રતિબંધ દૂર કર્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ઓબામા સરકારનો ઈરાન પરનો આર્થિક પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય રદ કરીને નવેસરથી ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદી દીધો હતો. ગયા વર્ષે આ પ્રતિબંધ લાદતી વખતે ટ્રમ્પે વિશ્વના ઈરાન પાસેથી ક્રૂડ ખરીદનારા દેશોને છ મહિનાની મુદત આપીને જણાવ્યું હતું કે છ મહિનામાં દરેક દેશોએ ઈરાન પાસેથી ક્રૂડતેલ તથા અન્ય ચીજો ખરીદવાનું બંધ કરવું. આ છ મહિનાની મુદત તા. બીજી મેના રોજ પૂરી થાય છે અને ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશને હવે વધુ મુદત આપવાનો ઇનકાર કરીને દરેક દેશોને ઈરાન પાસેથી ક્રૂડતેલ ખરીદવાનું બંધ કરવાની ધમકી આપી છે. જે દેશો અમેરિકાની ધમકીનો સ્વીકાર નહીં કરે એમની પર અમેરિકા આર્થિક પ્રતિબંધ લાદી દેશે. ઈરાન પાસેથી સૌથી વધુ ક્રૂડતેલ ચીન, તુર્કી અને ભારત ખરીદી કરી રહ્યાં છે. ચીન અને તુર્કીએ અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પણ ભારતે હજુ કોઈ જવાબ આપ્યો નથી. આ ઉપરાંત ગ્રીસ, ઇટલી, તાઇવાન, જપાન અને સાઉથ કોરિયા પણ ઈરાન પાસેથી ક્રૂડતેલ ખરીદી કરી રહ્યાં છે. જપાને અમેરિકાના નિર્ણયનો વિરોધ કર્યો નથી, પણ અન્ય દેશોએ વિરોધ કર્યો હતો.

અમેરિકાએ ઈરાનની ક્રૂડતેલ સપ્લાય બંધ કરવાની ધમકી આપી તેની સામે ઈરાને હોમુઝ કૅનાલ બંધ કરવાની ધમકી આપી હતી. સાઉદી અરેબિયા રોજનું ૧૧૧ લાખ બેરલ ક્રૂડતેલનું ઉત્પાદન કરે છે, જેમાંનું મોટા ભાગનું ક્રૂડતેલ વિશ્વને હોમુઝ નહેર મારફતે મળે છે. આ નહેર બંધ થતાં યુરોપના અનેક દેશોને મળતી ક્રૂડતેલ સપ્લાય ઓછી થાય કે બંધ થઈ જવાનો ડર છે. અમેરિકાના પ્રતિબંધને કારણે હાલ ઈરાન રોજનું ૩૯.૯૦ લાખ બેરલ ક્રૂડતેલનું ઉત્પાદન કરે છે, તેની સપ્લાય વિશ્વને મળતી બંધ થવાનો અંદાજ છે. વિશ્વના ક્રૂડતેલ ઉત્પાદનમાં ઈરાનનો હિસ્સો પાંચ ટકા છે. વેનેઝુએલા રોજનું ૨૨.૭૬ લાખ બેરલ અને લિબિયા રોજનું ૧૨ લાખ બેરલ ક્રૂડતેલનું ઉત્પાદન કરે છે. વેનેઝુએલા પર પણ અમેરિકાએ આર્થિક પ્રતિબંધ લાદી દીધો હોઈ વેનેઝુએલાની પણ સપ્લાય ધીમે ધીમે ઓછી થઈ રહી છે. લિબિયા આંતકવાદ સામે ઝઝૂમતું હોઈ ત્યાં ક્રૂડતેલના કૂવાઓ બંધ થવા લાગ્યા છે અને લિબિયાની સપ્લાય ધીમે ધીમે ઘટી રહી છે. હાલ ટ્રમ્પના આક્રમક નિર્ણયને પગલે વિશ્વને રોજનું ૭૦થી ૭૫ લાખ બેરલ ક્રૂડતેલ મળતું બંધ થઈ શકે છે. વિશ્વમાં રોજનું ૮૦૬ લાખ બેરલ ક્રૂડતેલનું ઉત્પાદન થાય છે તેમાંથી ૭૦થી ૭૫ લાખ બેરલ ક્રૂડતેલ મળતું બંધ થાય તો વિશ્વના અનેક દેશોમાં ક્રૂડતેલની અછત ઊભી થઈ શકે છે.

અમેરિકાનું ઉત્પાદન

અમેરિકા હાલ રોજનું ૧૨૨ લાખ બેરલ ક્રૂડતેલનું ઉત્પાદન કરે છે, જે આરલટાઇમ હાઈ છે, પણ લેટેસ્ટ રિપોર્ટ અનુસાર વીતેલા સપ્તાહ દરમ્યાન ક્રૂડતેલનું ડ્રિલિંગ કરતી રિગ્સની સંખ્યામાં ૨૦નો ઘટાડો થયો છે. કેનેડામાં પણ ઑઇલ રિગ્સની સંખ્યા વીતેલા સપ્તાહ દરમ્યાન ૧૪ ઘટી છે. અમેરિકામાં ઑઇલ રિગસની સંખ્યા છેલ્લાં બે સપ્તાહથી સતત અને ઝડપથી ઘટી રહી હોઈ ટૂંકા ગાળામાં તેની અસર અમેરિકાના ક્રૂડતેલ ઉત્પાદન પર પડશે. સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાનું ક્રૂડતેલ ઉત્પાદન જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૯માં ૧૭ ટકા વધ્યું હતું, પણ ડ્રિલિંગ રિગ્સની સંખ્યા ઘટતાં હવે એપ્રિલ-જૂનમાં અમેરિકાનું ક્રૂડતેલ ઉત્પાદન ૧૫ ટકા જ વધશે, જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરમાં નવ ટકા અને ઑક્ટોબર-ડિસેમ્બરમાં સાત ટકા જ વધશે. આમ, એક તરફ વલ્ર્ડની સપ્લાય ઘટશે અને અમેરિકાનો ઉત્પાદન વધારો પણ ધીમો પડતાં ક્રૂડતેલની અછત વધશે.

ક્રૂડતેલની ડિમાન્ડ વધશે

અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધ વકરતાં વિશ્વમાં આર્થિક મંદીનો ભય એક મહિના અગાઉ વધ્યો હતો, પણ અમેરિકા અને ચીનના ઇકૉનૉમિક ડેટા ધારણા કરતાં સારા આવતાં હવે આર્થિક મંદીનો ભય ઓછો થયો છે, આથી ક્રૂડતેલનો વપરાશ અગાઉની ધારણા કરતાં હવે વધશે. અમેરિકાની સૌથી મોટી સિટી બૅન્કે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ના આરંભે વિશ્વનો ક્રૂડતેલ વપરાશ ચાલુ વર્ષે અગાઉના વર્ષની સરખામણીમાં રોજનો ૧૨.૬ લાખ બેરલ જ વધવાનો અંદાજ હતો, પણ હવે આર્થિક મંદીનો ભય ઓછો થતાં ક્રૂડતેલનો વપરાશ ચાલુ વર્ષે અગાઉના વર્ષથી ૧૪.૫ લાખ બેરલ રોજનો વધશે. ચીનની ક્રૂડતેલ ઇમ્પોર્ટ ૨૦૧૯થી સતત વધી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા ડેટામાં જાન્યુઆરીથી માર્ચના ચીનની ક્રૂડતેલની ઇમ્પોર્ટના ૮.૨ ટકાનો વધારો ગયા વર્ષથી થયો છે. અમેરિકાની ક્રૂડતેલ ઇમ્પોર્ટ પણ વીતેલા સપ્તાહ દરમ્યાન વધીને રોજની ૭૧.૪૯ લાખ બેરલ થઈ હતી, જે અગાઉના સપ્તાહે રોજની ૫૯.૯૨ લાખ બેરલ જ હતી. અમેરિકાના ફસ્ર્ટ કવૉર્ટરનો ગ્રોથરેટ બધાની ધારણાથી વિપરીત એકદમ બુલિશ ૩.૨ ટકા આવતાં અમેરિકાની ક્રૂડતેલ ઇમ્પોર્ટ વધુ વધશે.

ઓપેકનું સ્ટૅન્ડ હવે મહત્વનું

ડોનલ્ડ ટ્રમ્પે ક્રૂડતેલના ભાવ વધતાં ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)ના મેમ્બરોને ક્રૂડતેલનું ઉત્પાદન વધારવા અપીલ કરી છે. ઓપેક અને રશિયા સહિતના સાથી દેશોએ ૨૦૧૯ના આરંભથી જૂન સુધી રોજના ૧૨ લાખ બેરલ ક્રૂડતેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો. ઈરાન, વેનેઝુએલા અને લિબિયાની સપ્લાયમાં કાપ આવ્યા બાદ ઓપેક મેમ્બરો અને રશિયા તેમની સ્પેર કૅપેસિટીનો ઉપયોગ કરીને ક્રૂડતેલનું ઉત્પાદન વધારશે કે કેમ? તેની પર ક્રૂડતેલની તેજીનો આધાર રહેશે.

આ પણ વાંચો : રોકાણમાં ડાઇવર્સિફિકેશન ઘણું જ મહત્વનું પરિબળ છે

ભારતની સ્થિતિ કફોડી બનશે

ભારત હાલ મોટા ભાગની ક્રૂડતેલની ઇમ્પોર્ટ ઈરાનથી કરી રહ્યું છે. ઈરાનથી ક્રૂડતેલની ઇમ્પોર્ટ બંધ થયા બાદ ભારતને અન્ય દેશોથી મોંઘું ક્રૂડતેલ ઇમ્પોર્ટ કરવું પડશે અને ક્રૂડતેલની હેરફેર માટે કદાચ ટ્રાન્સર્પોટેશન ખર્ચ પણ વધારે ભોગવવો પડશે. આવી કપરી સ્થિતિમાં પેટ્રોલિયમ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા પડશે. દિલ્હીમાં નવી સરકાર રચાયા બાદ પેટ્રોલિયમ કંપનીઓ પર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર નિયંત્રણ લાદવાનું દબાણ નહીં હોય, આથી આમપ્રજાએ આવનારા દિવસોમાં મોંઘું પેટ્રોલ-ડીઝલ વાપરવા માટે પણ તૈયાર રહેવું પડશે.

news