કૉમોડિટી વાયદામાં એપ્રિલ મહિનાથી સર્કિટ લિમિટના નિયમ બદલાશે

15 January, 2021 02:22 PM IST  |  Mumbai | Mumbai correspondent

કૉમોડિટી વાયદામાં એપ્રિલ મહિનાથી સર્કિટ લિમિટના નિયમ બદલાશે

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વાયદાબજારમાં નવા નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી ડેઇલી પ્રાઇસ લિમિટ એટલે કે સર્કિટ લિમિટના નિયમોમાં ફેરફાર કરવાની સેબીએ જાહેરાત કરી છે. સેબી દ્વારા જાહેર કરવામાં આવેલા એક પરિપત્ર પ્રમાણે હવેથી નૉન ઍગ્રી કૉમોડિટીમાં ૯ ટકા અને ઍગ્રી કૉમોડિટીમાં ૬ ટકાની સર્કિટ લિમિટ રહેશે. જોકે કેટલીક કૉમોડિટીમાં ચાર ટકાની લિમિટ જળવાઈ રહેશે.
સેબીએ પરિપત્રમાં જણાવ્યું છે કે ઍગ્રી કૉમોડિટીમાં ત્રણ કૅટેગરી મુજબ સર્કિટ લિમિટ લાગુ પડશે, જેમાં બ્રૉડ અને નેરો કોમોડિટી માટે પહેલાં ચાર ટકા અને ત્યાર બાદ બીજી બે ટકા મળીને કુલ ૬ ટકાની ડેઇલી પ્રાઇસ લિમિટ રહેશે. જો આનાથી વધુ વધ-ઘટ થશે તો ટ્રેડિંગ બંધ થઈ જશે. જ્યારે સેન્સિટિવ કૉમોડિટી માટે ત્રણ ટકા અને એક ટકાનો સ્લૅબ મળીને કુલ ચાર ટકાની સર્કિટ લિમિટ રહેશે. એક્સચેન્જ દ્વારા સમયાંતરે આ ત્રણેય કૅટેગરીની કૉમોડિટીની યાદી જાહેર કરવામાં આવે છે.
જ્યારે નૉન ઍગ્રિકલ્ચરલ કૉમોડિટી માટે જેમ્સ અને સ્ટોનના વાયદાને બાદ કરતાં તમામ એટલે કે એનર્જી, મેટલ્સ, સોના-ચાંદી, ક્રૂડ તેલ સહિતની કૉમોડિટીમાં પહેલી લિમિટ ૬ ટકા અને પછી ત્રણ ટકા મળીને કુલ ૯ ટકાની સર્કિટ લિમિટ લાગુ પડશે. જ્યારે જેમ્સ અને સ્ટોન સેક્ટરની કૉમોડિટી માટે આ લિમિટ ત્રણ ટકા અને ત્રણ ટકા મળીને કુલ ૬ ટકાની રહેશે. કૉમોડિટી વાયદાબજારમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને સેબીની કૉમોડિટી કમિટી દ્વારા આ વિશેના ફેરફાર કર્યા છે અને આ તમામ ફેરફારનો અમલ પહેલી એપ્રિલ ૨૦૨૧થી તમામ કકૉમોડિટી એક્સચેન્જોએ કરવાનો રહેશે.

business news