મકાઈની બે વર્ષ બાદ ફરી આયાત : જંગી આયાતનો અંદાજ

02 March, 2019 09:18 AM IST  |  | મયૂર મહેતા

મકાઈની બે વર્ષ બાદ ફરી આયાત : જંગી આયાતનો અંદાજ

મકાઈ

કૉમોડિટી કરન્ટ 

દેશમાં મકાઈની વધતી અછત અને ઑલટાઇમ ઊંચા ભાવને ધ્યાનમાં રાખીને સ્ટ્રાર્ચ અને પૉલ્ટ્રી સેક્ટર સાથે સંકળાયેલા આયાતકારોએ બે વર્ષ બાદ પ્રથમ વાર મકાઈના આયાતવેપારો કર્યા છે. આ વેપારો સાથે સંકળાયેલા ટ્રેડરોનું કહેવું છે કે ‘સરકારના ડ્યુટી ફ્રી ક્વૉટા હેઠળ ડ્યુટી ફ્રી મકાઈના કુલ એક લાખ ટનના વેપારો થયા છે. વપરાશકારોએ જૂના લાઇસન્સને આધારે ઍડ્વાન્સ ઑથોરાઇઝેશન સ્કીમ હેઠળ આ વેપારો કર્યા છે. સામાન્ય રીતે દેશમાં મકાઈ ઉપર ૬૦ ટકાની આયાત-ડ્યુટી લાગે છે.’

આ સોદા સાથે સંકળાયેલા ટ્રેડરો કહે છે કે ‘પહેલી કન્સાઇનમેન્ટ ૫૮,૮૧૭ ટનની યુક્રેનથી પીળી મકાઈની ગયા સપ્તાહે આવી છે જેના સોદા સરેરાશ ૨૦૫ ડૉલર પ્રતિ ટનના ભાવથી થયા છે, જ્યારે બીજું એક ૫૦ હજાર ટનનું શિપ યુક્રેનથી આવી રહ્યું છે જે પણ આગામી થોડા દિવસોમાં જ આવશે.’

દેશમાં મકાઈના ભાવ વધીને ૨૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા જે હાલમાં ઘટીને ૨૧૦૦ રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. ટ્રેડરોના મતે મકાઈના ભાવમાં હજી પણ વધુ ઘટાડો થાય એવી સંભાવના છે. મકાઈના આયાતવેપારો આગામી દિવસોમાં વધે એવી પણ સંભાવનાઓ ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : ઍર ઇન્ડિયાની લોન્સ ટ્રાન્સફર કરવા SPVની રચનાને કૅબિનેટની મંજૂરી

સિંગાપોર ખાતે ગ્રેઇનની એક કૉન્ફરન્સમાં ઍનૅલિસ્ટોએ જણાવ્યું હતું કે ‘દેશમાં મકાઈની આયાત ચાલુ વર્ષે પાંચથી ૧૦ લાખ ટન વચ્ચે થાય એવી ધારણા છે. પૉલ્ટ્રી સેક્ટરની માગ વધી છે અને ઘરઆંગણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેને પગલે આયાતવેપારો વધ્યા છે.’

news