અમેરિકન ફેડની મીટિંગ અગાઉ ડૉલર સુધરતાં સોનામાં વેચવાલીથી ભાવ એક સપ્તાહના તળિયે

15 June, 2021 12:19 PM IST  |  Mumbai | Mayur Mehta

બીટકૉઇનમાં ફરી તેજીની આગેકૂચ, રવિવારે નવ ટકા ભાવ ઊછળતાં સોનાના ઇન્વેસ્ટરો બીટકૉઇન લેવા દોડ્યા

ગોલ્ડ

અમેરિકન ફેડની ચાલુ સપ્તાહે યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની તેમ જ મન્થ્લી બૉન્ડ બાઇંગમાં ઘટાડો થવાની ચર્ચા શરૂ થવાની શક્યતાએ ડૉલર કરન્સી બાસ્કેટમાં સુધર્યો હતો. ડૉલર સુધરતાં સોના સહિત તમામ પ્રેસિયસ મેટલમાં વેચવાલી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૮૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૭૯૯ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહો 
અમેરિકન ફેડની ૧૫-૧૬ જૂને યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો અને બૉન્ડ બાઇંગમાં ઘટાડો ક્યારે કરાશે? તે વિશે ચર્ચા થવાની સંભાવનાએ ડૉલર સુધરીને એક સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો અને સોનું ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. વળી બીટકૉઇનમાં મંદીનાં વાદળો થોડાં વિખેરાયાં હતાં અને બીટકૉઇનના ભાવમાં રવિવારે એક જ દિવસમાં ૯ ટકાનો ઉછાળો થઈ ભાવ ૩૯,૫૦૦ ડૉલર પહોંચતાં ઇન્વેસ્ટરો સોનું વેચીને બીટકૉઇન ખરીદવા દોડ્યા હતા તેના કારણે સોનાના ભાવ ઘટ્યા હતા. અમેરિકાના સ્પેક્યુલેટર્સ અને હેજર્સે ગત સપ્તાહે સોનામાં તેજીના ઓળિયા ઘટાડ્યા હતા તેની અસરે પણ સોનામાં નવેસરથી વેચવાલી જોવા મળી હતી. સોનું ઘટતાં ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમના ભાવ પણ વર્લ્ડ માર્કેટમાં ઘટ્યા હતા. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ એપ્રિલમાં ૦.૮ ટકા વધ્યું હતું જે માર્ચમાં ૦.૪ ટકા વધ્યું હતું. બ્રિટનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોઈ તેમ જ બ્રિટન અને યુરોપિયન યુનિયનના અધિકારીઓ વચ્ચે પોસ્ટ બ્રેક્ઝિટ પ્રોબ્લેમનું નિવારણ કરવામાં નિષ્ફળતાં મળી હોઈ બ્રિટિશ પાઉન્ડ કરન્સી બાસ્કેટમાં ગગડ્યો હતો. બ્રિટન અને યુરો એરિયાના અધિકારીઓ વચ્ચે બ્રેક્ઝિટ ડીલ પછી બન્ને દેશો વચ્ચે અનેક સમસ્યાઓ ઊભી થશે તેના નિવારણ માટે શ્રેણીબંધ મીટિંગો યોજાઈ ચૂકી છે પણ તેનું હજી સુધી કોઈ નિરાકરણ થયું ન હોઈ બન્ને વચ્ચે તનાવ વધી રહ્યો છે. ભારતીય હોલસેલ ઇન્ફ્લેશન સાડા ત્રેવિસ વર્ષની ઊંચાઈએ મેમાં ૧૨.૯૪ ટકાએ પહોંચ્યો હતો જે માર્ચમાં ૧૦.૪૯ ટકા રહ્યો હતો, પણ માર્કેટની ધારણા ૧૩.૦૭ ટકા કરતાં ઇન્ફ્લેશન થોડો ઓછો આવ્યો હતો. જપાનનું ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ એપ્રિલમાં ૨.૯ ટકા વધ્યું હતું જે માર્ચમાં એક ટકા વધ્યું હતું. ઇકૉનૉમિક ઇન્ડિકેટરો સ્ટ્રોગ હોઈ સોનામાં ઘટાડાના સંકેત મળી રહ્યા હતા. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ગત સપ્તાહે અમેરિકન કન્ઝ્યુમર્સ પ્રાઇસમાં મોટો વધારો થયો હોવા છતાં પૉલિસીમેકરો ઇન્ફ્લેશનના વધારાને ટેમ્પરરી બતાવી રહ્યા હોઈ સોનામાં મંદીનાં કારણોની અસર જોવા મળી રહી નથી. અમેરિકન ઇન્ફ્લેશન બાબતે અમેરિકાના પૉલિસીમેકરો હજી કોઈ પગલાં લેવાના મૂડમાં ન હોઈ ટ્રેઝરી યીલ્ડ ઘટીને ત્રણ સપ્તાહના તળિયે ૧.૪૬ ટકા થયા હોઈ સોનામાં ખરીદીનું આકર્ષણ હજી સાવ ખતમ થયું નથી. વળી રોઇટર્સના ટેક્નિકલ એનલિસ્ટો પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી સોનાના ભાવ વર્લ્ડ માર્કેટમાં ૧૮૪૦થી ૧૮૪૫ ડૉલરની ઉપર છે ત્યાં સુધી સોનામાં મોટી મંદી થવાની શક્યતા નથી. છેલ્લા દોઢ મહિનાથી અમેરિકાના અનેક ફેડ ઑફિસરો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની અને બૉન્ડ બાઇંગ ઘટાડવા બાબતે વિચારણા ચાલુ કરવા સૂચન કરી રહ્યા છે. વળી અગાઉની ફેડની મીટિંગમાં પણ કેટલાક મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની ચર્ચા શરૂ કરવાની તરફેણ કરી હતી. હવે ચાલુ સપ્તાહે ફેડની મીટિંગ હોઈ સોનાના ભાવની દિશા નક્કી થશે. બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગ પણ ચાલુ સપ્તાહે છે. ઉપરાંત અમેરિકા અને ચીનના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને રીટેલ સેલ્સના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે જે સોના-ચાંદીની માર્કેટ માટે મહત્ત્વના છે. જો ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાના કે બૉન્ડ બાઇંગ ઘટાડવાનો સંકેત આવશે તો સોનામાં ઝડપી પીછેહઠ જોવા મળશે તે નક્કી છે. 

business news