અમેરિકન ફેડે 2023માં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરતાં સોનામાં કડાકો

18 June, 2021 12:06 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડના નિર્ણયને પગલે ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધતાં સોનામાં ઝડપી અઢી ટકાનો ઘટાડો

ગોલ્ડ

અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૨૩માં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત અને ઇન્ફલેશન પ્રોજેકશન ૨૦૨૧ અને ૨૦૨૨ માટે ઊંચું મૂકતાં સોનામાં ચારેબાજુથી વેચવાનીનો દોર ચાલુ થયો હતો જેને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનામાં છેલ્લા પાંચ મહિનાનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૪૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૮૭૩ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહો 
ફેડરલ રિઝર્વે ૨૦૨૩ના અંત પહેલાં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરતાં સોનામાં છેલ્લા પાંચ મહિનાનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. ફેડની મીટિંગ બાદ વર્લ્ડ માર્કેટમાં સોનું અઢી ટકા ઘટ્યું હતું. ફેડની જાહેરાતને પગલે ડૉલર પણ બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો અને અમેરિકન ટ્રેઝરી બૉન્ડનું યીલ્ડ પણ વધીને ૧.૫૭ ટકા થયું હતું. અમેરિકાના વીકલી જૉબલેસ ક્લેઇમ ડેટા સતત સાતમા સપ્તાહે ઘટવાની ધારણા મુકાતાં સોનામાં વેચવાલી વધી હતી. સોનું ઘટતાં તમામ પ્રેસિયસ મેટલમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ પૂરી થયા બાદ ૧૮માંથી ૧૧ મેમ્બર્સે ૨૦૨૩ના અંત સુધીમાં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયને સમંતિ આપી હતી જેનો સીધો મતલબ એ છે કે ફેડ હવે ધારણાથી વહેલો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો નિર્ણય લેશે. ફેડે ૨૦૨૧માં ઇન્ફ્લેશનનો ટાર્ગેટ વધારીને ૩.૪ ટકા મૂક્યો હતો જે માર્ચની મીટિંગમાં ૨.૪ ટકા મૂક્યો હતો જ્યારે ૨૦૨૨માં ઇન્ફ્લેશન વધીને ૨.૧ ટકા રહેવાનું પ્રોજેક્શન મૂક્યું હતું જે માર્ચમાં બે ટકા જ મૂક્યું હતું. આમ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ વધતાં ઇન્ટરેસ્ટ રેટને લાંબા સમય સુધી નીચા રાખવા મુશ્કેલ છે. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૧માં સાત ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું જે માર્ચમાં ૬.૫ ટકા હતું. અનએમ્પ્લોયમેન્ટ ૨૦૨૧માં ૪.૫ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું. ફેડરલ રિઝર્વે પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ૦થી ૦.૨૫ ટકા વચ્ચે જાળવી રાખ્યો હતો તેમ જ દર મહિને ૧૨૦ અબજ ડૉલરનું બૉન્ડ બાઇંગ પણ જાળવી રાખ્યું હતું. યુરો એરિયાનું ઇન્ફ્લેશન મે મહિનામાં વધીને અઢી વર્ષની ઊંચાઈએ બે ટકાએ પહોંચ્યું હતું જ્યારે યુરો એરિયામાં કન્સ્ટ્રકશન આઉટપુટ એપ્રિલમાં ૪૨.૩ ટકા વધ્યું હતું જે માર્ચમાં ૨૦ ટકા વધ્યું હતું, કન્સ્ટ્રકશન આઉટપુટના ડેટા જ્યારથી એટલે કે ૧૯૯૬થી મૂકવાના ચાલુ થયા ત્યાર બાદનો આ સૌથી મોટો ઉછાળો હતો. ચીનમાં નવાં મકાનોના ભાવમાં મેમાં ૪.૯ ટકાનો વધારો થયો હતો જે વધારો સતત પાંચમા મહિને થયો હતો તેમ જ નવા મકાનોના ભાવ ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ફેડના ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાના નિર્ણયને પગલે સોનું ગગડ્યું હતું.   

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની પહેલ કરતાં હવે સમગ્ર વિશ્વ ફેડની રાહે આગળ વધશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા અત્યાર સુધી ફેડની જેમ જ ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં નહીં આવે અને બૉન્ડ બાઇંગ પોગ્રામ લાંબો સમય ચાલુ રખાશે તેવું વારંવાર કહેવાતું આવ્યું છે પણ ફેડના નિર્ણય બાદ હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનો ટોન પણ બદલશે. બૅન્ક ઑફ ઇગ્લૅન્ડ દ્વારા અગાઉથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શક્યતાની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. કોરોના વૅક્સિનેશન ઝડપથી આગળ વધી રહ્યું હોઈ હવે વર્લ્ડમાં ચાર-પાંચ દેશો સિવાય તમામ દેશોમાં સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે. ખાસ કરીને યુરોપિયન દેશો અને નોર્થ અમેરિકન દેશોમાં નવા કેસ ઝડપથી ઘટી રહ્યા છે. આમ ઇકૉનૉમિક રિકવરી અને ઇન્ફ્લેશનના વધારાને કારણે હવે અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કો ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે પગલાં લેવાનું ચાલુ કરશે જે સોનાના ભાવને ઘટાડશે. ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ હોઈ ડૉલર સહિત તમામ કરન્સીની મજબૂતી વધશે. સોનામાં શૉર્ટ ટર્મથી મીડિયમ ટર્મ પણ હવે તેજીના ચાન્સીસ નબળા પડી રહ્યા છે જ્યારે લૉન્ગ ટર્મ સોનામાં મોટી મંદી જોવા મળી શકે છે.

business news