અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાના સપોર્ટથી ડૉલર-ટ્રેઝરી બૉન્ડ સુધરતાં સોના-ચાંદીમાં ઘટાડો

13 May, 2021 12:15 PM IST  |  Mumbai | Mayur Mehta

બ્રિટનના ઇકૉનૉમિક ગ્રોથમાં સતત છઠ્ઠા ક્વૉર્ટરમાં ઘટાડો થતાં પાઉન્ડ ઘટતાં ડૉલરને સપોર્ટ મળ્યો

ગોલ્ડ

અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા અને ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ સુધરતાં ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધર્યા હતા. બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ સતત છઠ્ઠા ક્વૉર્ટરમાં સુધરતાં કરન્સી બાસ્કેટમાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. ડૉલર અને ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ બન્ને સુધરતાં સોના પર દબાણ વધ્યું હતું જેને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં. સ્થાનિક માર્કેટમાં પણ સોનું-ચાંદી ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૫  રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૧ રૂપિયા જેટલી ઘટી ગઈ હતી.

વિદેશી પ્રવાહો 
અમેરિકામાં થ્રી યર ટ્રેઝરી બૉન્ડના ઑક્શન અગાઉ ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને એક સપ્તાહની ઊંચાઈએ ૧.૬૭૨ ટકાએ પહોંચ્યા હતા, બ્રિટિશ ઇકૉનૉમિક ગ્રોથ સતત છઠ્ઠા ક્વૉર્ટરમાં ઘટતાં તેમ જ ટ્રેડ ડેફિસિટ વધતાં પાઉન્ડ ઘટ્યો હતો, તેની અસરે કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ૦.૧ ટકા વધ્યું હતું. આમ ટ્રેઝરી બૉન્ડ યીલ્ડ અને ડૉલર બન્ને સુધરતાં સોના પર દબાણ વધ્યું હતું અને વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટ્યું હતું. વળી અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા અને સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ સુધરતાં તેનો પણ સપોર્ટ ડૉલરને મળ્યો હતો. ડૉલરના ઘટાડાને પગલે સોનું ઘટતાં ચાંદી અને પ્લેટિનમ પણ ઘટ્યાં હતાં. જોકે પેલેડિયમમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાની રાહે હાલ સોનાની માર્કેટમાં પ્રૉફિટ બુકિંગ વધી રહ્યું હોઈ તેની પણ અસર જોવા મળી હતી. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ માર્ચમાં ૫.૯૭ લાખ વધીને ૮૧.૨૩ લાખે પહોંચ્યા હતા જે અત્યાર સુધીના હાઇએસ્ટ હતા, માર્કેટની ધારણા જૉબ ઓપનિંગ નંબર્સ વધીને ૭૫ લાખે પહોંચવાની હતી, અમેરિકામાં ફૂડ સર્વિસ, ગવર્નમેન્ટ એજ્યુકેશન અને એકોમોડેશન સેક્ટરમાં હાલ સૌથી વધારે જૉબ ખૂલી રહ્યા છે. અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ એપ્રિલમાં ૧.૮ પૉઇન્ટ વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૯૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૧ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૬.૧ ટકા ઘટ્યો હતો, જે સતત છઠ્ઠા ક્વૉર્ટરમાં ઘટ્યો હતો. બ્રિટનની ઇકૉનૉમિક કોરોનાની મહામારી અગાઉના લેવલથી હાલ ૮.૭ ટકા નીચી સપાટીએ પહોંચી છે. બ્રિટનની એક્સપોર્ટ માર્ચમાં ૫.૮ ટકા અને ઇમ્પોર્ટ આઠ ટકા વધી હતી, એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધતાં ટ્રેડ ડેફિસિટ બે અબજ પાઉન્ડે પહોંચી હતી જે અગાઉના મહિને ૦.૯ અબજ પાઉન્ડ હતી. જપાનની જૉબ માર્કેટ અને કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટને બતાવતો લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ માર્ચમાં વધીને ૮૬ મહિનાની ઊંચાઈએ ૧૦૩.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૯૮.૭ પૉઇન્ટ હતો જ્યારે ફૅકટરી આઉટપુટ, એમ્પ્લોયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ વધીને માર્ચમાં ૧૩ મહિનાની ઊંચાઈએ ૯૩.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે અગાઉના મહિને ૮૯.૯ પૉઇન્ટ હતો. અમેરિકા, બ્રિટન અને જપાનના ઇકૉનૉમિક ઇન્ડિકેટર સોનાની માર્કેટ માટે મિશ્ર પ્રત્યાઘાત આપનારા હતા. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકન ઇકૉનૉમિક રિકવરી બાબતે ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સતત વિશ્વાસ વધારી રહ્યા છે, પણ નોન અમેરિકન દેશો ખાસ કરીને એશિયા અને સાઉથ અમેરિકન દેશોમાં હજી કોરોનાનું સંક્રમણ ધારણા પ્રમાણે ઘટતું ન હોઈ અમેરિકાની ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં ધીમી રહી છે. ગત સપ્તાહે જાહેર થયેલા નોન ફાર્મ પે-રોલ ડેટા તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ફેડનું સ્ટેન્ડ હજી ઇન્ટરેસ્ટ રેટ અને બૉન્ડ બાઇંગ પૉલિસી લાંબો સમય ચાલુ રાખવાનું છે, તેની સામે ઇન્ફલેશન સતત વધતું હોઈ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ ફેડ પર સતત વધી રહ્યું છે. તેને ખાળવા પોવેલ અને યેલેન ઇન્ફ્લેશનના વધારાને ટેમ્પરરી સાબિત કરવા પ્રયાસ કરી રહ્યા હોઈ ટ્રેઝરી યીલ્ડ વધી શકતાં નથી જેનાથી સોનામાં તેજીતરફી મૂડ સતત વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ યુરોપીયન દેશો અને અમેરિકામાં સતત ઘટી રહ્યું છે. એમાંય બ્રિટનમાં વૅક્સિનેશનની અસરે ડેથ-રેટ પરનો કન્ટ્રોલ આગામી દિવસોમાં વૅક્સિનેશનની સફળતાની ઝાંખી કરાવે છે. હાલ અમેરિકન ઇકૉનૉમિક ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ વચ્ચે ફસાયેલી હોઈ શૉર્ટથી મીડિયમ ટર્મ સોનું ધીમી ગતિએ વધતું રહેશે, પણ વૅક્સિનેશનની સફળતા જોતાં સોનામાં લૉન્ગ ટર્મ મોટી તેજી થવી હવે મુશ્કેલ બની રહી છે. 

business news