ભારત સહિત એશિયન સ્ટૉક માર્કેટમાં કડાકાથી સોનું-ચાંદી ઘટ્યાં બાદ સુધર્યાં

13 April, 2021 10:03 AM IST  |  Mumbai | Mayur Mehta

ભારતીય રૂપિયો ઘટીને ૭૫ની સપાટી વટાવતાં સ્થાનિક માર્કેટમાં સોનું-ચાંદી વિદેશથી વધુ વધ્યાં

ગોલ્ડ

ચાઇનીઝ ટેક્નૉલૉજી જાયન્ટ અલીબાબા ગ્રુપ પર ત્યાંની લોકલ ઑથોરિટીએ ૨.૭૫ અબજ ડૉલરની પૅનલ્ટી કરતાં ભારત સહિત એશિયન શૅરો ગગડ્યા હતા તેમ જ કોરોનાના કેસ એશિયામાં ઝડપથી વધી રહ્યા હોઈ તેની પણ અસરે સ્ટૉક માર્કેટ તૂટતાં સોનું-ચાંદી સુધર્યાં હતાં. વળી ભારતીય રૂપિયો ઘટીને ૭૫ની સપાટી વટાવતાં વિદેશી માર્કેટ કરતાં અહીં સોનું-ચાંદી વધુ વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં પ્રતિ ૧૦ ગ્રામ સોનું ૯૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૪૭ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહો 

ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે કમેન્ટ કરી હતી કે ઇન્ફ્લેશન ધારણા કરતાં વહેલું અને ઝડપથી વધશે, પૉવેલની આ કમેન્ટને પગલે અમેરિકી ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ નવેસરથી વધતાં સોનું ઘટ્યું હતું. અમેરિકી પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં ધારણા કરતાં ડબલ વધારો થતાં ડૉલરને બૂસ્ટ મળ્યું હતું અને ટ્રેઝરી યીલ્ડ પણ ફરી ૧૪ મહિનાની ઊંચાઈની નજીક પહોંચ્યા હતા. ચાઇનીઝ ઑથોરિટીએ ટેક્નૉલૉજી જાયન્ટ અલીબાબા ઉપર ૨.૭૫ અબજ ડૉલરનો દંડ ફટકાર્યો હતો જેને પગલે સોમવારે સવારથી એશિયન શૅરો ગગડ્યા હતા અને ચાઇનીઝ શૅરો પણ તૂટતાં સોના પર અસર જોવા મળી હતી. ચાલુ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા પર બધાની નજર હોઈ હાલ સોનામાં પ્રૉફિટ બુકિંગ પણ વધી રહ્યું છે. સોનું ઘટતાં ચાંદી, પ્લેટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં એક ટકા વધ્યો હતો જે જાન્યુઆરીમાં ૦.૫ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૫ ટકા વધવાની હતી, ખાસ કરીને અૅનર્જી પ્રાઇસમાં ૫.૯ ટકાનો વધારો થયો હતો, જેમાં ગેસોલીન (પેટ્રોલ)ના ભાવમાં ૮.૮ ટકાનો ઉછાળો સામેલ હતો. અમેરિકન હોલસેલ ઇન્વેન્ટરી ફેબ્રુઆરીમાં ૦.૬ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૧.૪ ટકા વધી હતી અને ટ્રેડની ધારણા ૦.૫ ટકા વધવાની હતી, હોલસેલ ઇન્વેન્ટરીમાં સતત સાતમા મહિને વધારો જોવામાં આવ્યો હતો. ચીનમાં વેહિકલ સેલ્સ માર્ચમાં ૭૪.૯ ટકા વધ્યું હતું જેમાં ઇલેક્ટ્રિક વેહિકલના સેલ્સમાં ૨૩૮.૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ચીનમાં વેહિકલ સેલ્સ સતત ૧૨મા મહિને વધ્યું હતું અને જાન્યુઆરી-માર્ચમાં વેહિકલ સેલ્સ ગયા વર્ષથી ૭૫.૬ ટકા વધ્યું હતું. જપાનના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં માર્ચમાં એક ટકાનો વધારો થયો હતો જે છેલ્લા તેર મહિના પછી પ્રથમ વખત થયો હતો, ફેબ્રુઆરીમાં આ ઇન્ડેકસ ૦.૬ ટકા ઘટ્યો હતો અને ટ્રેડની ધારણા ૦.૫ ટકા વધવાની હતી. અમેરિકા-જપાન અને ચીનના તમામ ડેટા સોનામાં કોઈ તેજી થવાના સંકેત આપનારા નથી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ચાલુ સપ્તાહે અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થવાના છે તે સોનાની માર્કેટ માટે બહુ જ અગત્યના સાબિત થશે. બાઇડન દ્વારા ૧.૯ ટ્રિલ્યન ડૉલર અને ત્યાર બાદ ૨.૨૫ ટ્રિલ્યન ડૉલરના પૅકેજની જાહેરાત બાદ ઇન્ફ્લેશન પરની અસર જોવી જરૂરી છે. હાલ ટ્રેઝરી યીલ્ડ અને નોન-યીલ્ડીંગ સોના વચ્ચે ઇન્ફ્લેશનની અસર જોવા માટે ભારે સ્પર્ધા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ચીનનો ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથ ડેટા અને યુરો એરિયાના ઇન્ફ્લેશન તથા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા પણ જાહેર થશે જેના દ્વારા યુરો અને ડૉલરના મૂલ્યની સ્થિતિ નક્કી થશે. વર્લ્ડમાં કોરોના વાઇરસના કેસ એશિયન દેશો ભારત, ટર્કી, ઇરાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને ઇરાકમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જોકે અમેરિકા સહિત નોર્થ અમેરિકન દેશોમાં કોરોનાના કેસ કાબૂમાં છે. ઇઝરાયલે તેની ૬૫ ટકા વસ્તીને વૅક્સિનેશન કરી લેતાં તેના સુંદર પરિણામ આવી રહ્યાં છે, ઇઝરાયલમાં રવિવારે માત્ર ૧૨૨ નવા કેસ હતા. અમેરિકા-બ્રિટને પણ અગ્રેસિવ વૅક્સિનેશન દ્વારા કોરોના પર કાબૂ મેળવવામાં મહદ અંશે સફળતા પ્રાપ્ત કરી છે જે ભવિષ્ય માટે સારા સમાચાર ગણીને હાલપૂરતી કોરોનાના વધી રહેલા કેસની અસરથી સોનું અળગું થઈ ચૂકયું છે આથી સોનું હવે ઇકૉનૉમિક રિકવરી અને અમેરિકાની બજેટ ડેફિસિટ પર વધુ નિર્ભર બનશે જે સોનાને શૉર્ટ ટર્મ વૉલેટાઇલ અને લૉન્ગ ટર્મ ઘટાડાતરફી દોરી જશે. 

business news