અમેરિકન ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ હોવાની શ્રેણીબંધ કમેન્ટથી સોના-ચાંદીમાં ઘટાડો

14 April, 2021 02:10 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનના એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા હાઇલી બુલિશ: વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વૅક્સિનેશન ઝડપી બનતાં સંક્રમણ પર કન્ટ્રોલ આવ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ હોવાની અનેક કમેન્ટને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી સતત બીજે દિવસે ઘટ્યાં હતાં. ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ હોવાની કમેન્ટથી ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ વધતાં સોનામાં વેચવાલી વધી હતી જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૭૪ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકાના બે સ્ટેટની ફેડરલ રિઝર્વના ચૅરમૅનની કમેન્ટથી સોના-ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. ન્યુ યૉર્કના ફેડ ચૅરમૅને એક સર્વેનું રિઝલ્ટ જણાવતાં કહ્યું હતું કે ન્યુ યૉર્કના કન્ઝ્યુમર્સનો સર્વે કરતાં ઇન્ફલેશન ધારણા કરતાં વહેલો અને વધુ વધશે જ્યારે બૉસ્ટનના ફેડ ચૅરમૅને જણાવ્યું હતું કે ફેડની મૉનેટરી પૉલિસીથી ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં ફાસ્ટ રહેશે પણ જૉબ માર્કેટના ગ્રોથ માટે હજી ઘણી જગ્યા છે. આ બન્ને કમેન્ટના પગલે ટ્રેઝરી બૉન્ડની ડિમાન્ડ વધતાં યીલ્ડ ૧૪ મહિનાની નજીક ૧.૭ ટકા થયું હતું તેમ જ ડૉલર પણ વધુ સુધર્યો હતો. સોનાના ઘટાડાને પગલે ચાંદી અને પ્લેટિનમ ઘટ્યાં હતાં જ્યારે પૅલેડિયમ ફ્લેટ હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનની એક્સપોર્ટ માર્ચમાં ૩૦.૬ ટકા વધી હતી જેમાં ફેબ્રુઆરીમાં ૧૫૪.૯ ટકાનો વધારો થયો હતો જ્યારે ચીનની ઇમ્પોર્ટ માર્ચમાં ૩૮.૧ ટકા વધીને ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચી હતી. ચીનની એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધતાં ટ્રેડ સરપ્લસ ૧૩.૬ અબજ ડૉલર ઘટી હતી. અમેરિકાની બજેટ ડેફિસિટ માર્ચના અંતે વધીને ૬૬૦ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષની બજેટ ડેફિસિટથી ૧૧૯ અબજ ડૉલર વધુ છે. અમેરિકન ફેડરલ ગવર્નમેન્ટનો ખર્ચ ૧૬૦.૬ ટકા વધીને ૯૨૭ અબજ ડૉલરે પહોંચ્યો હતો તેની સામે ગવર્નમેન્ટની આવક ૧૩ ટકા વધીને ૨૬૮ અબજ ડૉલરે પહોંચી હતી. ૨૦૨૧ના ફાઇનૅન્શિયલ યરના પ્રથમ છ મહિનામાં અમેરિકાની બજેટ ડેફિસિટ વધીને ૧૭૦૬ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે ૭૪૩ અબજ ડૉલર હતી. બ્રિટનનો મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં ૪.૨ ટકા ઘટ્યો હતો જેમાં જાન્યુઆરીમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જોકે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧.૩ ટકાનો વધારો નોંધાયો હતો. બ્રિટનની એક્સપોર્ટ ફેબ્રુઆરીમાં ૫.૪ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૧૧.૨ ટકા ઘટી હતી જ્યારે ઇમ્પોર્ટ ફેબ્રુઆરીમાં ૧૨.૯ ટકા વધી હતી જે જાન્યુઆરીમાં ૧૩.૧ ટકા ઘટી હતી. બ્રિટનનો ગ્રોથ રેટ ફેબ્રુઆરીમાં ૦.૪ ટકા વધ્યો હતો જે વિશે ટ્રેડની ધારણા ૦.૬ ટકા વધારાની હતી.

ચીનની ટ્રેડ સરપ્લસમાં ઘટાડો, અમેરિકાની તોતિંગ બજેટ ડેફિસિટ અને બ્રિટનના નબળા ઇકૉનૉમિક ડેટાનો સંકેત સોનાની લૉન્ગ ટર્મ તેજી માટે પૉઝિટિવ છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાની બજેટ ડેફિસિટમાં તોતિંગ વધારો આગળ જતાં ડૉલરની સ્થિતિ વધુ નબળી કરી શકે છે, પણ અમેરિકાની ફાસ્ટ ઇકૉનૉમિક રિકવરી અને બાઇડનની પ્રેસિડન્ટશિપને કારણે ડૉલરનું સેફ હેવન સ્ટેટ્સ સતત વધતું રહેશે જે સોના માટે નેગેટિવ ફેક્ટર બની રહેશે. કોરોનાની નવી લહેર અને વૅક્સિનેશન, બન્ને બાબતો અનેક દેશોની ભાવિ ઇકૉનૉમિક કન્ડિશનને ચિતાર મેળવવામાં ઉપયોગી બની શકે છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, સ્પેન, જર્મની, ચીનમાં કોરોનાની સ્થિતિ કન્ટ્રોલમાં છે. એશિયન દેશો ભારત, ટર્કી, ઇરાન અને ફિલિપાઇન્સમાં સંક્રમણ ચિંતાજનક સ્થિતિએ વધી રહ્યું છે. વૅક્સિનેશન રેશિયો જોઈએ તો ઇઝરાયલની ૫૭ ટકા પબ્લિકને બે ડોઝ અપાઈ ચૂક્યા છે તે જ રીતે અમેરિકાની ૨૧.૭ ટકા અને બ્રિટનની ૧૧ ટકા પબ્લિક ફુલ વૅક્સિનેટેડ છે. બ્રિટનમાં ૪૭.૩ ટકા અને અમેરિકામાં ૩૫.૬ ટકા લોકોને વૅક્સિનનો એક ડોઝ અપાઈ ચૂક્યો છે. આ ડેટા બતાવે છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ કોરોનાને ઝડપથી કાબૂમાં લેશે, પણ ભારત અને એશિયન દેશોમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. ભારતમાં હજી ૦.૯ ટકા લોકોને બે ડોઝ અને ૬.૬ ટકા લોકોને એક ડોઝ અપાયા છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૬,૫૦૬

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૬,૩૨૦

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૯૦૩

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news