ડૉલર સામે ચીનનો યુઆન સપ્તાહમાં ૧.૬ ટકા નબળો પડ્યો, યેન પણ મજબૂત

10 August, 2019 08:40 AM IST  |  મુંબઈ

ડૉલર સામે ચીનનો યુઆન સપ્તાહમાં ૧.૬ ટકા નબળો પડ્યો, યેન પણ મજબૂત

આજે પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ-વૉરની અસર ફોરેક્સ માર્કેટમાં જોવા મળી હતી. બીજી તરફ પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ યુઆનને ડૉલર સામે નબળો પડવા દેવાના સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા.

ચીનનું ચલણ યુઆન ડૉલર સામે આ સપ્તાહે ૧.૬ ટકા નબળું પડ્યું છે અને અત્યારે ૭.૦૫ની સપાટીએ છે. એક જ સપ્તાહમાં આટલો મોટો ઘટાડો એક વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો છે. સોમવારે ચીને યુઆનનો ભાવ ૧૦ વર્ષ પછી ડૉલર સામે ૭ની નીચે નક્કી કર્યો હતો જેને કારણે અમેરિકાએ ચીનને કરન્સી મૅનિપ્યુલેટર ઘોષિત કર્યું હતું. અમેરિકાએ ચીનની ૩૦૦ અબજ ડૉલર જેટલી ચીજો પર ૧ સપ્ટેમ્બરથી અમલી બને એ રીતે ૧૦ ટકા વધારાના ટૅરિફની જાહેરાત કરી છે. બજારમાં એવી દહેશત છે કે નિકાસ બજારમાં ટકી રહેવા માટે ચીન હવે પોતાનું ચલણ નબળું પાડશે.

આ પણ વાંચોઃ ન્યુ યૉર્ક વાયદો ખૂલતાં સોનામાં નફો બાંધવાની વૃત્તિ, ભારતમાં ભાવ મક્કમ

બજારમાં આ ટ્રેડ-વૉર અને કરન્સી-વૉરને કારણે એશિયાના ઇમર્જિંગ માર્કેટનાં ચલણમાં ભારે વેચવાલી જોવા મળી હતી, સામે યેન મજબૂત થઈ રહ્યો છે. ફિલિપીન્સમાં પેસો ડૉલર સામે ૦.૧ ટકા નબળો પડ્યો છે અને ૫૧.૯૫ની સપાટીએ છે. ફિલિપીન્સની સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડ્યા પછી ચલણ નબળું પડ્યું હતું. થાઇલૅન્ડનો બહાત ૦.૧ ટકા વધ્યો છે. આજે યેન ડૉલર સામે ૦.૧૦ ટકા વધીને ૧૦૫.૯૫૦ની સપાટીએ છે.

business news