ડિજિટલ કરન્સી અપનાવનારો ચીન વિશ્વમાં પ્રથમ દેશ બનશે

07 November, 2019 11:21 AM IST  |  Mumbai

ડિજિટલ કરન્સી અપનાવનારો ચીન વિશ્વમાં પ્રથમ દેશ બનશે

પ્રતિકાત્મક તસવીર

બિટકૉઇન અને એના જેવી હજારો ક્રિપ્ટોકરન્સી પછી ફેસબુક પોતાની ડિજિટલ કરન્સી વિકસાવી રહ્યું છે, પણ આ બધાની વચ્ચે ચીન સત્તાવાર રીતે આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે. ચીનની સેન્ટ્રલ બૅન્ક પોતે વિશ્વનું પ્રથમ ડિજિટલ ચલણ અપનાવે એવી શક્યતા છે અને આ માટે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ એવું ચલણ હશે જેમાં નોટ કે સિક્કા નહીં હોય, માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ એના વ્યવહાર થઈ શકશે.
ચીનનો ડિજિટલ કરન્સી પ્રોજેક્ટ પણ બ્લૉકચેઇન ટેક્નૉલૉજી આધારિત છે. બ્લૉકચેઇનના આધારે જ બિટકૉઇન કે ફેસબુકની પ્રસ્તાવિત લિબ્રા કાર્ય કરે છે.
ચીનની સેન્ટ્રલ બૅન્કના ડિજિટલ કરન્સી રિસર્ચના વડા મુ ચાંગચૂને હૉન્ગકૉન્ગમાં એક ચર્ચામાં જણાવ્યું હતું કે દ્વિસ્તરીય રીતે આ ચલણ ગ્રાહકો સુધી પહોંચશે. સેન્ટ્રલ બૅન્ક એને કમર્શિયલ બૅન્ક અને સંસ્થાઓને આપશે અને આ સંસ્થાઓ એ ગ્રાહક સુધી પહોંચાડશે.
હૉર્સ-રેસ આધારિત આ ચલણમાં જે આગળ હશે એની કાર્યક્ષમતા વધારે હોવાથી એ પ્રજાને વધારે સારી સેવા આપી શકશે એમ મુએ ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે આ ડિજિટલ ચલણમાં નોટ અને સિક્કા ન હોવાથી એની બચત કરનારને કોઈ વ્યાજ મળશે નહીં એટલે એના પર દેશની ધિરાણનીતિની અસર પણ થશે નહીં. આ પદ્ધતિથી નાણાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચી રહ્યા છે, એનો વ્યવહાર કઈ રીતે થઈ રહ્યો છે એના પર નજર રાખવી શક્ય બનશે. નવા ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે ગેરકાયદે નાણાપ્રવાહ વધી રહ્યો હોવાના સંશય સામે ચીનને રક્ષણ આપવા માટે જ આ પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

business news