દેશમાંથી મરચાંની નિકાસમાગ વધવાને કારણે ભાવમાં તેજી

24 March, 2023 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથના સેન્ટરમાં તેજા ક્વૉલિટીના ભાવ ૧૮,૦૦૦થી ૨૩,૦૦૦ની રેન્જમાં

પ્રતીકાત્મક તસવીર

મરચાંની બજારમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સાઉથમાં પાકમાં બગાડ હોવાથી ભાવ ઊંચા ક્વોટ થઈ રહ્યા છે.

મરચાંના અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા તેલંગણમાં મરચાંના ખેડૂતો ગયા વર્ષે થ્રીપ્સ વાઇરસને કારણે વિનાશક ગયા પછી આ સીઝનમાં ઊંચા ભાવ મેળવી રહ્યા છે. ચીન અને બંગલાદેશની નવી માગને કારણે ભાવ ઊંચો છે. નવા સ્ટૉકના મર્યાદિત પુરવઠાને કારણે ઘણી જાતોના ભાવ ઊંચા ટ્રેડ થઈ રહ્યા છે એમ તેલંગણ સરકારના અધિકારીએ જણાવ્યું હતું.

મુખ્ય આયાતકારો હવે નવા પાકના આગમનની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે તેજાની વિવિધતા હવે ૧૮,૦૦૦થી ૨૩,૦૦૦ રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં આ ભાવમાં ક્વિન્ટલે ૫૦૦ રૂપિયાનો વધારો થયો હતો.

દેશના સૌથી મોટા મરચાંનાં બજારોમાંના એક એવા વારંગલ માર્કેટ યાર્ડમાં તેજા વરાઇટી ૨૪,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે, જે એક વર્ષ અગાઉ ૧૭,૫૦૦ રૂપિયા હતા.
અન્ય લોકપ્રિય જાતો, વન્ડર હૉટના નિકાસભાવ ૩૪૧ ડૉલર પ્રતિ ટનના છે, જે ભાવ પણ ખૂબ ઊંચા છે. જ્યારે વન્ડર હૉટ વરાઇટી ૩૮,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (એક વર્ષ અગાઉ ૨૯,૦૦૦ રૂપિયાની સામે) ક્વોટ થાય છે.

તેલંગણ ૭.૧૯ લાખ ટનના ઉત્પાદન સાથે દેશમાં સૌથી વધુ મરચાંનું ઉત્પાદન કરતું રાજ્ય છે. એ લગભગ ચાર લાખ એકર જમીનમાં ઉગાડવામાં આવે છે. એ દેશનાં મરચાંના વિસ્તારના ૨૨ ટકા અને ઉત્પાદનમાં ૩૮ ટકા હિસ્સો ધરાવે છે.

વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે મરચાંના ભાવ મજબૂત રહેવાની ધારણા છે. જોકે ગઈ સીઝનમાં જોવા મળેલી ટોચની સરખામણીએ આ સીઝનમાં કોલ્ડ સ્ટોરેજમાં સ્ટૉક ૯૦ ટકા નીચો છે.

ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં તીવ્ર વધારો થયો છે.

મરચાંના ભાવમાં આગળ ઉપર વધુ તેજી થશે તો નિકાસ વેપારોને અસર પહોંચી શકે છે. હાલ ચાઇનાના અને બંગલાદેશની સારી નિકાસમાગ છે.

વળી સ્થાનિક બજારમાં સ્ટૉક પણ ઓછો છે, પરિણામે બજારમાં મજબૂતાઈની ધારણા છે. બારમાસી સીઝન પણ આવી ગઈ છે.

business news