પોસ્ટ ઑફિસની નાની બચત યોજનાના દરમાં ૧.૧ ટકા સુધીનો વધારો કરાયો

31 December, 2022 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (પીપીએફ) અને છોકરીઓ માટેની બચત યોજના સુકન્યા સમૃદ્ધિ પરના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે આખરે નાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો કરીને રોકાણકારોને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે શુક્રવારે અર્થતંત્રમાં મજબૂત વ્યાજદરને અનુરૂપ પોસ્ટ ઑફિસ ટર્મ ડિપોઝિટ, એનએસસી અને સિનિયર સિટિઝન બચત યોજના સહિત - નાની બચત યોજના પરના વ્યાજદરમાં પહેલી જાન્યુઆરીથી ૧.૧ ટકા સુધીનો વધારો કર્યો છે.

જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (પીપીએફ) અને છોકરીઓ માટેની બચત યોજના સુકન્યા સમૃદ્ધિ પરના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બન્નેના દર અનુક્રમે ૭ ટકા અને ૭.૬ ટકા છે.
નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) પર પહેલી જાન્યુઆરીથી ૭ ટકા વ્યાજ મળશે, જે હાલમાં ૬.૮ ટકા છે. એ જ રીતે વરિષ્ઠ નાગરિક બચત યોજના હાલમાં ૭.૬ ટકાની સામે ૮ ટકા વ્યાજ આપશે. ૧થી ૫ વર્ષની મુદતની પોસ્ટ ઑફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ્સ પરના વ્યાજદરમાં ૧.૧ ટકા સુધીનો વધારો થશે. માસિક આવક યોજના પણ ૬.૭ ટકાથી વધીને ૭.૧ ટકા વ્યાજ આપશે. કિસાન વિકાસ પત્રમાં હાલમાં ૧૨૪ મહિનામાં બમણાં નાણાંને બદલે હવે ૧૨૦ મહિનામાં નાણાં બમણાં થશે. આમ એના દર ૭ ટકાથી વધારીને ૭.૨ ટકા કર્યા છે.

business news