કેન્દ્ર સરકાર ૧૦ લાખ ટન તુવેરની આયાત કરશે

25 January, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑલ ઇન્ડિયા દાળ મિલ અસોસિએશનના પ્રમુખ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ રોગ કર્ણાટક અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે અને ઉત્પાદનને ૧૦થી ૧૨ ટકા સુધી અસર કરી શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશમાં તુવેરના ઓછા પાકને કારણે વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે તુવેરની આયાત કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે અને ગઈ સીઝનની તુલનાએ ચાલુ વર્ષે ત્રણથી ચાર લાખ ટન તુવેરની વધુ આયાત કરવાનું આયોજન ઘડ્યું છે.

કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક બાબતના સેક્રેટરી રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે સ્થાનિક માગને પહોંચી વળવા માટે ભારત માર્કેટિંગ વર્ષ ૨૦૨૩-’૨૪માં ૧૦ લાખ ટન તુવેરદાળની આયાત કરે એવી શક્યતા છે, કારણ કે વિલ્ટ રોગને કારણે દેશમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે.

સિંહે જણાવ્યું હતું કે સ્થાનિક માગને પહોંચી વળવા અમે ગયા વર્ષના ૭.૬ લાખ ટનની સામે ૧૦ લાખ ટન તુવેરદાળની આયાત કરીશું. તુવેરનું માર્કેટિંગ વર્ષ ડિસેમ્બરથી નવેમ્બર છે.
તુવેર મુખ્યત્વે પૂર્વ આફ્રિકન દેશો અને મ્યાનમારથી આયાત કરવામાં આવે છે. સિંહના જણાવ્યા અનુસાર આ દેશોમાં ૧૧થી ૧૨ લાખ ટનની નિકાસ સરપ્લસ છે, એથી ઉપલબ્ધતા કોઈ મુદ્દો નથી.

ઑલ ઇન્ડિયા દાળ મિલ અસોસિએશનના પ્રમુખ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ રોગ કર્ણાટક અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે અને ઉત્પાદનને ૧૦થી ૧૨ ટકા સુધી અસર કરી શકે છે.

આ પણ વાંચો :  નવા ધાણાની આવક વધતાં વાયદો ઘટીને ૬૫૦૦-૭૦૦૦

સરકાર પોર્ટ પર ગુણવત્તાની તપાસની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આયાતી કઠોળ પર વસૂલવામાં આવતા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના ગુણવત્તાનાં ધોરણોને પણ હળવા કરવા તૈયાર છે. આનાથી કૉમોડિટી ઝડપથી બજારમાં પહોંચવામાં મદદ મળશે એમ સિંહે કહ્યું હતું.

વાણિજ્ય વિભાગની સૂચના અનુસાર કેન્દ્રએ અગાઉ ‘ફ્રી’ કૅટેગરી હેઠળ તુવેર અને અડદની કઠોળની આયાતને બીજા વર્ષ માટે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લંબાવી હતી. સ્થાનિક પ્રાપ્યતામાં વધારો કરવા અને ગ્રાહકો માટે પોષણક્ષમ દરો સુનિશ્ચિત કરવા માટે આ કઠોળ અને પામતેલની સીમલેસ આયાત સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં તુવેરની આવકો સરેરાશ ચાલુ થઈ ગઈ છે અને ચાલુ વર્ષે પાક નબળો હોવાથી સીઝનની શરૂઆત જ ભાવ સરેરાશ ઊંચા છે. કેન્દ્ર સરકારે તુવેરનો પાક ૪૫ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ વેપારીઓના મતે તુવેરનો પાક ૩૨થી ૩૫ લાખ ટન વચ્ચે માંડ થાય એવી સંભાવના વ્યક્ત કરી છે. તુવેરની બજારમાં આગામી દિવસોમાં સરેરાશ ભાવ વધે એવી પણ સંભાવના છે, પરંતુ જો સરકાર દ્વારા યોગ્ય સમયે આયાત ટેન્ડર બહાર પાડવામાં આવે અને માલ પણ સમયસર આવી જશે તો સરેરાશ તુવેરની બજારમાં મોટી તેજી અટકી શકે છે, નહીંતર આ વર્ષે તુવેરના ભાવ ઉપર જાય એવી ધારણા છે. હાલ તુવેરની આવકો પણ મર્યાદિત છે અને સામે માગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આયાતી માલ ઉપર જ હવે સૌની નજર મંડાયેલી છે.

business news commodity market