બે મહિના મોડે-મોડે પણ રાજ્યોને કેન્દ્ર સરકારે જીએસટી વળતર ચૂકવી આપ્યું

22 February, 2020 07:54 AM IST  |  New Delhi

બે મહિના મોડે-મોડે પણ રાજ્યોને કેન્દ્ર સરકારે જીએસટી વળતર ચૂકવી આપ્યું

જીએસટી

અંતે બે મહિના મોડે પણ કેન્દ્ર સરકારે રાજ્યોને ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સના અમલની નુકસાની માટે બંધારણીય જોગવાઈના આધારે ચૂકવવી પડતી રકમની ભરપાઈ કરી છે. કેન્દ્ર સરકારે જીએસટીના વળતર પેટે ૧૯,૯૫૦ કરોડ રૂપિયાનું વળતર આજે ચૂકવી આપ્યું હતું અને ચાલુ નાણાકીય વર્ષે કુલ ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

જીએસટી વ્યવસ્થા જુલાઈ ૨૦૧૭થી લાગુ પડાઈ છે. આ કારણે રાજ્યોને વેટ વસૂલવાનો અધિકાર છીનવાઈ ગયો હતો. તેની અવેજીમાં જીએસટી કાયદામાં રાજ્યોને પ્રારંભિક પાંચ વર્ષ દરમ્યાન વળતર આપવાની ગેરન્ટી અપાઈ હતી. રાજ્યોને આ વળતર આપવા માટે જીએસટીમાં એક વિશેષ ફન્ડ છે જેના માટે કેટલીક ચીજો પર જીએસટી ઉપરાંત સેસ વસૂલવામાં આવે છે. આ સેસ સામાજિક રૂપથી હાનિકારક અને લક્ઝરી વસ્તુઓ પર લગાવવામાં આવે છે.

જોકે કેન્દ્ર સરકારે રાજ્યોને ચૂકવેલી રકમ કરતાં વળતર સેસમાં ઓછી આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી માત્ર ૭૮,૮૭૪ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૧૭-૧૮ આ કોષમાં ૬૨,૬૧૧ કરોડ રૂપિયાનો સંગ્રહ થયો હતો જેમાંથી ૪૧,૧૪૬ કરોડ રૂપિયા જીએસટી વળતર રૂપે રાજ્યોને આપી દેવાયા હતા. આ રીતે વર્ષ ૨૦૧૮-૧૯માં ૯૫,૦૮૧ કરોડ રૂપિયા જમા થયા હતા જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વળતરરૂપે ૬૯,૨૭૫ કરોડ રૂપિયા જારી કરવા આવ્યા હતા. એટલે એ વર્ષમાં જમા રહેલી રકમના આધારે કેન્દ્ર સરકારે રાજ્યોને આ વર્ષે વળતર ચૂકવી આપ્યું છે.

business news goods and services tax