ખરીફ પાકની એમએસપીમાં માત્ર 6.60 ટકા સુધીનો વધારો

10 June, 2021 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે તલના સૌથી વધુ ૪૫૨ રૂપિયા અને અડદ-તુવેરમાં ૩૦૦ રૂપિયાનો વધારો કર્યો

ખરીફ પાક

કેન્દ્ર સરકારે આગામી ખરીફ સીઝન માટે એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)માં એક ટકાથી લઈને ૬.૬૦ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય આર્થિક બાબતની કૅબિનેટ કમિટીની બેઠકમાં નિર્ણય બાદ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે નવી સીઝનની એમએસપીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સરકારે નવી સીઝનમાં પણ ખેડૂતોને તેની ઉપજના ખર્ચ સામે ૫૦ ટકા સુધીનો લાભ મળે એ રીતે વધારો કરવામાં આવ્યો છે. જોકે સરકારે ગત વર્ષની તુલનાએ મૂલ્યની રીતે જોઈએ તો તલના ભાવમાં સૌથી વધુ ૪૫૨ રૂપિયા અને અડદ-તુવેરમાં ક્વિન્ટલે ૩૦૦ રૂપિયાનો વધારો કર્યો હતો.

કેન્દ્ર સરકારે કઠોળ અને તેલીબિયાં પાકની આયાત નિર્ભરતા ઘટાડવાના હેતુસર છેલ્લાં થોડાં વર્ષથી આ બન્ને પાકની એમએસપીમાં પણ સૌથી વધુ વધારો કરવામાં આવે છે. તલની એમએસપીમાં સરકારે સૌથી વધુ ક્વિન્ટલે ૪૫૨ રૂપિયાનો વધારો કરીને ૭૩૦૭ રૂપિયા જાહેર કર્યા છે, કેન્દ્ર સરકારે મગફળીની એમએસપીમાં ક્વિન્ટલે ૨૭૫ રૂપિયા વધારીને ૫૫૫૦ રૂપિયા કર્યા છે. જ્યારે કપાસ શંકરનો ભાવ ૨૦૦ રૂપિયા વધારીને ૬૦૨૫ રૂપિયા કર્યા છે. 

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં થોડાં વર્ષથી એમએસપીમાં મોટો વધારો થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા ઘઉં-ચોખાને બાદ કરતાં બાકીના પાકની એમએસપીથી પૂરતી ખરીદી જ થતી નથી, જેની સામે ખેડૂતોમાં મોટો રોશ વ્યાપી ગયો છે. સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પંરતુ બીજી તરફ કઠોળ કે તેલીબિયાં પાકની કુલ ઉત્પાદનમાં ૧૦થી ૧૫ ટકા માંડ એમએસપીથી ખરીદી થાય છે.

business news