વાસ્તવિકતા કરતાં આશાવાદને આધારે ચાલતાં શેરબજારમાં સાવચેતી, શાણપણ આવશ્યક

06 July, 2020 01:21 PM IST  |  Mumbai Desk | Jayesh Chitalia

વાસ્તવિકતા કરતાં આશાવાદને આધારે ચાલતાં શેરબજારમાં સાવચેતી, શાણપણ આવશ્યક

પ્રતીકાત્મક તસવીર

ગયા સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત નેગેટિવ થઈ હતી, ગ્લોબલ નબળાં સંકેતો-સમાચારોને લીધે વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીને પગલે માર્કેટે ૪૦૦ પૉઇન્ટથી વધુનો કડાકો બતાવ્યો હતો. નિફટી ૧૦,૩૦૦ની નીચે ઊતરી ગયો હતો. આપણે આમ પણ આગલા સપ્તાહમાં પ્રૉફિટ બુકિંગની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી, જે પ્રૉફિટ બુક કરવાનું ચૂકી ગયા હશે તેમને ચોક્કસ રંજ થયો હશે. જોકે અવસર હજી પણ છે, કારણ કે માર્કેટ લાંબો સમય ઊંચા લેવલે ટકી રહે એવા કોઈ નક્કર અણસાર દેખાતા નથી, જે પણ ઉછાળા આવશે એ ચોક્કસ કારણસર અને કામચલાઉ રહેશે. જ્યારે કે બજાર ઘટી શકે એવી શક્યતા ઊંચી છે. સોમવારે બજાર બંધ થતી વખતે રિકવર થવાને પરિણામે સેન્સેકસ ૨૦૯ પૉઇન્ટ ઘટી ૩૫,૦૦૦ની નીચે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૭૦ પૉઇન્ટ માઇનસ થયા બાદ ૧૦,૩૦૦ની ઉપર ટકી રહ્યો હતો.

આર્થિક પ્રવૃત્તિ અને લૉકડાઉન
મંગળવારે બજારે પૉઝિટિવ શરૂઆત કરી હતી. જોકે વધઘટ બાદ અંતમાં માર્કેટ સાધારણ નીચે બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૪૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. માર્કેટ આ લેવલે કૉન્સોલિડેશન પામી રહ્યું હોવાનું પ્રતિત થાય છે. માર્કેટ પાસે કોઈ નક્કર કારણ નથી, જે માર્કેટને વધુ બુસ્ટ યા બળ આપી શકે. માર્કેટ વધશે કે પ્રૉફિટ બુકિંગ આવતા સમય નહીં લાગે. બુધવારે બજારે પુનઃ ટર્ન લઈને ઉછાળો દર્શાવ્યો હતો. શરૂના ગણતરીના સમયમાં જ સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ ઉપર કુદકો મારી ૩૫,૦૦૦ને વટાવી ગયો અને નિફ્ટી ૧૦,૪૦૦ને પાર કરી ગયો હતો. યુએસએમાં કોરોના કેસ મોટેપાયે વધી રહ્યા હોવાના અહેવાલ વચ્ચે આ ઉછાળો આશ્ચર્યજનક હતો. અલબત્ત,ગ્લોબલ સંકેત પૉઝિટિવ હતા. જોકે ઇન્ડેકસ વેઇટેજવાળા સ્ટૉક્સનો કમાલ આમાં વધુ હતો. અલબત્ત, જૂનમાં આર્થિક પ્રવૃત્તિઓની મંદી વચ્ચે પણ જીએસટી કલેક્શન ૯૦,૦૦૦ કરોડથી વધુ થતાં તેને સારા સંકેત માનવામાં આવ્યા હતા. ઇકૉનૉમીના મેક્રો ડેટા પણ થોડા સકારાત્મક રહ્યા હતા, પરિણામે બજારના અંતમાં સેન્સેક્સ ૪૯૮ પૉઇન્ટ વધીને ૩૫,૪૧૪ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૨૮ પૉઇન્ટ વધીને ૧૦,૪૩૦ બંધ રહ્યો હતો.

બુલિશ ટ્રેન્ડની નવાઈ
ગુરુવારે પણ માર્કેટ પૉઝિટિવ ટ્રેન્ડ સાથે ખુલ્યું હતું અને નિફ્ટી ૧૦,૫૦૦ના લેવલ ઉપર, જ્યારે સેન્સેક્સ ૩૫,૭૦૦ નજીક પહોંચી ગયો હતો. સંપૂર્ણ સત્ર દરમ્યાન બજાર ઊંચું રહ્યું અને અંતમાં સેન્સેક્સ ૪૨૯ પૉઇન્ટ વધીને ૩૫,૮૪૩ અને નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ વધીને ૧૦,૫૫૧ બંધ રહ્યા હતા. કેટલાક માર્કેટ નિષ્ણાતો આને બુલિશ ટ્રેન્ડ માનવા લાગ્યા છે, પરંતુ આમ માનવામાં ભૂલ થઈ શકે છે, કારણ કે ફંડામેન્ટલ્સમાં કોઈ નક્કર સુધારા નથી. બજાર સિલેક્ટિવલી અને પ્રવાહિતાના જોરે વધી રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિને વેગ મળવાની આશા વધી રહી છે એ સાચી વાત, પણ હજી એમાં સમય લાગશે, એ પહેલાં વધી રહેલું બજાર માત્ર વધુ આશાવાદને આભારી છે. ગોલ્ડમૅન સાક્સના અભ્યાસ મુજબ ક્રૂડની ડિમાન્ડ ૨૦૨૧ અને ૨૦૨૦ સુધીમાં નોંધપાત્ર રિકવર થશે અને પ્રી-કોવિડના સ્તરે પાછી ફરશે. આર્થિક પ્રવૃત્તિને રિવાઇવ કરવા લેવાઈ રહેલાં પગલાંને કારણે આ અંદાજ બંધાયો છે. એક નોંધવા જેવી બાબત એ પણ ખરી કે માર્કેટ બ્રેડ્થ છેલ્લા અમુક દિવસોથી પૉઝિટિવ રહેવા લાગી છે, જે સારી નિશાની ગણી શકાય. મોટા ભાગના સેક્ટરને વેગ મળી રહ્યો હોવાની બાબત પણ સારા સંકેત કહી શકાય.

હવે કરેક્શનનો સમય
શુક્રવારે માર્કેટ પૉઝિટિવ ખુલ્યું હતું અને શરૂમાં જ ૨૦૦ પૉઇન્ટ વધવા સાથે સેન્સેક્સ ૩૬,૦૦૦ને અને નિફ્ટી ૧૦,૬૦૦ને પાર કરી ગયો હતો. આ સાથે નિફ્ટી ૧૧,૦૦૦ સુધી પહોંચવાની આશા બજારમાં ફરતી થઈ ગઈ હતી. જોકે તેજીના ટ્રેન્ડ સાથે સેન્સેક્સ અંતમાં ૧૭૭ પૉઇન્ટ વધીને ૩૬,૦૨૧ બંધ અને નિફ્ટી ૫૫ પૉઇન્ટ વધીને ૧૦,૬૦૭ બંધ રહ્યો હતો. લૉકડાઉનની બૂરામાં બૂરી અસર પૂર્ણ થઈ ગઈ છે અને હવે આનાથી વધુ વિપરિત અસર થઈ શકશે નહીં એવી ધારણાએ બજારના સતત સુધારામાં ભાગ ભજવ્યો હોવાનું મનાય છે. આ સાથે કોવિડ-19ની વૅક્સિન મળવાની આશા પણ સુધારા માટે કારણ બની છે. દવાઓ તો સતત એક પછી એક કંપની તરફથી બહાર આવી જ રહી છે. ઇન શૉર્ટ, બજાર હાલ વાસ્તવિકતા કરતાં આશાવાદ પર વધુ ચાલુ છે, જેને સમજીને રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. પ્રૉફિટ બુકિંગ સમયસર કરવામાં સાર ગણવો, કારણ કે માર્કેટમાં કરેક્શન અનિવાર્ય હોવાથી એ નીચે આવી શકે છે. માર્કેટ નોંધપાત્ર નીચે આવે તો સિલેક્ટિવ રહી ખરીદીની તક માની શકાય. જોકે ઉછાળાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહીં.

પ્રવાહિતાનું પરિબળ જોરમાં
અમુક રાજ્યો અને શહેરોમાં લૉકડાઉન લંબાવાઈ રહ્યા છે, જેને કારણે આર્થિક પ્રવૃત્તિ વિપરિત અસર પામી રહી હોવાથી એક તરફ સાવચેતીનો સૂર છે, જ્યારે બીજી તરફ આવા સંજોગોમાં પણ માર્કેટ વધતું રહ્યું છે. ખાસ કરીને માર્કેટમાં અત્યારે પ્રવાહિતાનું પરિબળ જોરમાં કામ કરી રહ્યું છે. બીજા ક્વૉર્ટરનાં પરિણામ ટૂંક સમયમાં શરૂ થશે, જેના પ્રત્યે નિરાશાવાદ વધુ છે. તેમ છતાં, માર્કેટ આવા બુલિશ કરન્ટ બતાવી રહ્યું છે, જેનાથી રાજી થવા કરતાં ચેતવાની જરૂર વધુ જણાય છે.

બજાર દિશાહિન છે
એક જ દિવસ, એક સપ્તાહ અને એક મહિનામાં બજારની ચાલમાં જોવાતી ચડ-ઊતર સૂચવે છે કે બજાર પાસે ચોક્કસ દિશા નથી, એ માત્ર સમયનાં કારણોને આધારે ચાલે છે, જેમાં અત્યારે ફંડામેન્ટલ્સ કરતાં પ્રવાહિતા, ટ્રેડિંગ, સેન્ટિમેન્ટ જેવાં પરિબળો વધુ ભાગ ભજવી રહ્યાં છે જેથી જે રોકાણકારો વર્તમાન ચાલને જોઈને ધારણા બાંધી લેતા હોય તો તેમણે એ ભૂલ કરવી જોઈએ નહીં. વર્તમાન સંજોગોમાં અર્થતંત્રના ભાવિની આગાહી કરતા મોટા ભાગના લોકો-સંભવત્ બધા જ ચોક્કસ નિર્ધારિત સિધ્ધાંતોને આધારે આગાહી કરી રહ્યા છે યા ધારણા બાંધી રહ્યા છે.

માર્કેટની ચાલ માટે આ ખાસ યાદ રાખો
માર્કેટનું નિરીક્ષણ કરતાં વારંવાર એક ખાસ વાત યાદ રાખવા જેવી છે, જેના વિશે અહીં આપણે સતત ચર્ચા કરતા રહ્યા છીએ. બજાર ફંડામેન્ટલ્સની પરવા કર્યા વિના ચાલી રહ્યું છે. એનું બળ સરકારનાં રાહત-પૅકેજ અને અન્ય માધ્યમથી આવતી-વધતી પ્રવાહિતા છે. અર્થાત્ આ માર્કેટ રોકાણની માર્કેટ કરતાં ટ્રેડિંગની માર્કેટ વધુ બની ગઈ છે. આવામાં સિલેક્ટિવ બનીને આગળ વધવું જ સારું. માર્કેટ ટૂંકા ગાળાના પરિબળને આધારે વધઘટ કર્યા કરે છે. જીડીપી ગ્રોથ કે આર્થિક રિવાઇવલ ક્યારે થશે, કઈ રીતે થશે એની ચિંતા માર્કેટને હાલમાં કરવી નથી એવું જણાઈ રહ્યું છે.