કસીનો, ઑનલાઇન ગેમિંગ પર જીએસટી વસૂલવાનો અહેવાલ આવતા સપ્તાહે સબમિટ થશે

26 November, 2022 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રધાનોના સમૂહ દ્વારા જીએસટી કાઉન્સિલને અહેવાલ સુપરત કરાશે

પ્રતીકાત્મક તસવીર

મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ શુક્રવારે જણાવ્યું હતું કે કસીનો, ઑનલાઇન ગેમિંગ અને હૉર્સ રેસિંગ પર જીએસટી વસૂલવા માટે રાજ્યના નાણાપ્રધાનોની પૅનલ આગામી સપ્તાહે જીએસટી કાઉન્સિલને એનો અહેવાલ સુપરત કરશે.
સંગમાની આગેવાની હેઠળના પ્રધાનોના જૂથે આ સપ્તાહની શરૂઆતમાં આ મુદ્દા પર એની અંતિમ બેઠક યોજી હતી અને એ કૌશલ્ય અથવા તકની રમત છે કે નહીં એ ધ્યાનમાં લીધા વિના, ઑનલાઇન ગેમિંગ પર ૨૮ ટકા જીએસટી વસૂલવાની ભલામણ કરી હોવાનું માનવામાં આવે છે.
જોકે માત્ર પોર્ટલ દ્વારા વસૂલવામાં આવતી ફી અથવા સહભાગીઓ પાસેથી મળેલી બેટની રકમ સહિત સમગ્ર વિચારણા પર ટૅક્સ વસૂલવો જોઈએ કે નહીં એ વિશે સર્વસંમતિની ગેરહાજરીમાં જીઓએમે તમામ સૂચનો જીએસટી કાઉન્સિલને મોકલવાનો નિર્ણય કર્યો છે. અંતિમ નિર્ણય કાઉન્સિલ લેશે.
જ્યારે પૂછવામાં આવ્યું કે જીઓએમ કાઉન્સિલને રિપોર્ટ ક્યારે મોકલશે ત્યારે સંગમાએ કહ્યું કે અમે આવતા અઠવાડિયે રિપોર્ટ સબમિટ કરીશું.
હાલમાં ઑનલાઇન ગેમિંગ પર ૧૮ ટકા જીએસટી લાગે છે. આ ટૅક્સ ગ્રોસ ગેમિંગ રેવન્યુ પર લાદવામાં આવે છે, જે ઑનલાઇન ગેમિંગ પોર્ટલ દ્વારા વસૂલવામાં આવતી ફી છે.
જીઓએમે જૂનમાં કાઉન્સિલને સુપરત કરેલા એના અગાઉના અહેવાલમાં કૌશલ્ય અથવા તક જેવા ભેદભાવ રાખ્યા વિના ખેલાડી દ્વારા ચૂકવવામાં આવતી સ્પર્ધાની પ્રવેશ ફી સહિત, વિચારણાના સંપૂર્ણ મૂલ્ય પર ૨૮ ટકા જીએસટી વસૂલવાનું
સૂચવ્યું હતું. જોકે કાઉન્સિલે જીઓએમને એના અહેવાલ પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.

business news goods and services tax