બજેટમાં જાડાં ધાન્યોને ‘શ્રી અન્ના’થી નવાજીને ભારતીય કૃષિ ક્ષેત્રના વિકાસને નવી દિશા મળી શકશે?

06 February, 2023 03:34 PM IST  |  Mumbai | Mayur Mehta

ખાદ્ય તેલોની સતત વધી રહેલી આયાતને રોકવાની બજેટમાં કોઈ ચર્ચા ન કરીને શું સાબિત થયું? : સોનાની આયાત ડ્યુટી ઘટાડવાને બદલે ચાંદીની આયાત ડ્યુટી વધારીને સરકાર સ્મગલિંગને પ્રોત્સાહન આપવા માગે છે કે શું?

પ્રતીકાત્મક તસવીર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગયા સપ્તાહે પોતાનું પાંચમું અને નરેન્દ્ર મોદી સરકારનું નવમું બજેટ રજૂ કર્યું હતું, જેમાં કૉમોડિટી માર્કેટ માટે અનેક પ્રકારના આશ્ચર્ય ઊભા કર્યા હતા. જોકે જાડાં ધાન્યોના વિકાસ માટે ‘શ્રી અન્ના’ યોજના ચાલુ કરીને ભારતના કૃષિ ક્ષેત્રના વિકાસ અને ભારતીયોની તંદુરસ્તી વધે એ માટે એક પ્રોત્સાહક અને આવકારદાયક જાહેરાત કરી હતી, પણ દેશની ખાદ્ય તેલોની આયાત સતત વધી રહી છે અને ભારતનું વાર્ષિક બજેટ ૧.૫૨ લાખ કરોડથી વધી રહ્યું છે.  ઉપરાંત ખાદ્ય તેલોની આયાત બાબતે ભારતની ગુલામી વધી રહી હોવાથી ગમે ત્યારે આમ પ્રજાને મોંઘાં ખાદ્ય તેલો ખાવાનો વખત આવી રહ્યો છે. આ ઉપરાંત સોનાની આયાત ડ્યુટી ઘણી ઊંચી હોવાથી દેશમાં સ્મગલિંગ સતત વધી રહ્યું છે ત્યારે સોનાની આયાત ડ્યુટી ઘટાડાશે એવી આશા હતી, પણ એનાથી ઊલટું નાણાપ્રધાને ચાંદીની આયાત ડ્યુટી સોના-પ્લૅટિનમ જેટલી ઊંચી કરી નાખી હતી. 

જાડાં ધાન્યો માટે ‘શ્રી અન્ના’ યોજના

ગયા સપ્તાહે લખાયેલા લેખમાં ઉલ્લેખ કરાયો હતો એ રીતે ભારતની ૭૩ ટકા પ્રજા પ્રોટીન ડેફિશ્યન્સીનો સામનો કરી રહી છે. વિશ્વમાં વ્યક્તિગત દરરોજ ૬૮ ગ્રામ પ્રોટીનનો વપરાશ છે, એની સામે ભારતમાં વ્યક્તિગત વપરાશ માત્ર ૪૭ ગ્રામ છે. બજેટમાં નાણાપ્રધાને જાડાં ધાન્યો માટે ‘શ્રી અન્ના’ યોજના જાહેર કરીને દેશમાં જાડાં ધાન્યો એટલે કે મિલેટનું ઉત્પાદન વધે એ માટે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. વિશ્વમાં જાડાં ધાન્યોનું જે ઉત્પાદન થાય છે એમાંથી ૪૧ ટકા ઉત્પાદન ભારતમાં થાય છે. જાડાં ધાન્યોમાં મુખ્ય બાજરો, જુવાર, રાગી આવે છે. ઉપરાંત અન્ય નાનાં જાડાં ધાન્યો સવા, કુટકી, કોડોમ, ચીના વગેરેનું ભારતમાં ઉત્પાદન થાય છે. ભારતમાં મુખ્યત્વે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં જાડાં ધાન્યોનું વધુ ઉત્પાદન થાય છે. 

નાણાપ્રધાને હૈદરાબાદસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ રિસર્ચને નવી જાતો શોધવા અને મિલેટનાં ઉત્પાદન બાબતે સંશોધન કરવા નાણાંની ફાળવણી કરી હતી. યુનાઇટેડ નૅશન્સ જનરલ ઍસેમ્બલીએ ૨૦૨૩ના વર્ષને ઇન્ટરનૅશનલ યર ઑફ મિલેટ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે. જાડાં ધાન્યો ખરેખર ખૂબ જ તંદુરસ્તી આપનારાં છે. જાડાં ધાન્યોમાં સાતથી બાર ટકા પ્રોટીન મળે છે. ૬૫થી ૭૫ ટકા કાર્બોહાઇડ્રેટ, બેથી પાંચ ટકા ફેટ, ૧૫થી ૨૦ ટકા ડાયટરી ફાઇબર મળે છે અને જાડાં ધાન્યોમાં ગ્લુટનેરીનો અભાવ હોવાથી જાડાં ધાન્યોનો વપરાશ કરવાથી અનેક પ્રકારના તંદુરસ્તીના ફાયદા મળી રહ્યા છે. ભારતમાં જાડાં ધાન્યોનાં ઉત્પાદનને પ્રોત્સાહન મળે એ પ્રકારનાં પગલાં ગંભીરતાથી લેવામાં આવે તો ઘણો મોટો ફાયદો થઈ શકે એમ છે. બજેટમાં થયેલી જાહેરાતના ઉદ્દેશ પ્રમાણે જાડાં ધાન્યો માટે કામ થાય એવી અપેક્ષા રાખીએ.

આ પણ વાંચો : બજેટમાં કૉમોડિટી માર્કેટની આશા, અપેક્ષા અને સરકારની આર્થિક-રાજકીય મજબૂરી

ખાદ્ય તેલોની વધતી આયાતના પગલાનો કોઈ ઉલ્લેખ નહીં

ભારતમાં સૌથી વધુ આયાત ક્રૂડ તેલની, બીજા ક્રમે સોનાની અને ત્રીજા ક્રમે ખાદ્ય તેલોની થાય છે. દેશની ખાદ્ય તેલોની જરૂરિયાતનું ૭૦ ટકાથી વધુ ખાદ્ય તેલ આપણે આયાત કરી રહ્યાં છીએ, જેમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલોની વધતી આયાતનો મુદ્દો ખરેખર ગંભીર છે, કારણ કે ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા અને વિશ્વની પાંચમા ક્રમની ઇકૉનૉમી ધરાવતા ભારતની ખાદ્ય તેલોની માર્કેટને વિદેશી બજારોના તાલે નાચવું પડી રહ્યું છે, કારણ કે ભારતમાં તેલીબિયાંનું ઉત્પાદન લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી સ્થિર છે અને સમૃદ્ધિ-નાણાં, બજારો તમામમાં વિકાસ થયો હોવાથી દર વર્ષે ખાદ્ય તેલોનો વપરાશ ઍવરેજ ચારથી પાંચ ટકા વધે છે. ભારતની ૨૨૫ લાખ ટન ખાદ્ય તેલોની જરૂરિયાતમાંથી આપણે દર વર્ષે ૧૪૦થી ૧૪૫ લાખ ટન ખાદ્ય તેલોની આયાત કરીએ છીએ. 

ખાદ્ય તેલો સાથે સંકળાયેલાં અનેક સંગઠનોએ બજેટ પહેલાં ખાદ્ય તેલોની આયાત ઘટે એ માટે પગલાં લેવા માટે સરકારને રજૂઆત કરવામાં કોઈ કચાસ રાખી નહોતી અને આ રજૂઆતનો ટીવી મીડિયામાં જોરશોરથી પ્રચાર કર્યો હતો, પણ નાણાપ્રધાને બજેટમાં ખાદ્ય તેલોની આયાતના મુદ્દા વિશે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. તેલ-તેલીબિયાંનાં સંગઠનોની રજૂઆત અને મુદ્દાઓ નાણાપ્રધાનને દમ વગરના લાગ્યા કે શું? આવા ગંભીર પ્રશ્નો બાબતે સરકારને કોઈ ચિંતા નથી કે શું? આવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. 

ચાંદીની આયાત ડ્યુટીમાં વધારો કર્યો 

૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં માત્ર સોનાની જ ખરીદી માન-મરતબો નથી, પણ જે લોકો સોનું ખરીદવા માટે શક્તિમાન નથી તેઓ ચાંદી ખરીદીને તમામ પ્રકારના સામાજિક રીતિરિવાજો માન-મરતબાથી ઊજવી રહ્યા છે એટલે જ ચાંદીનો વપરાશ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી અનેકગણી ગતિએ વધી રહ્યો છે. ૨૦૨૨માં ભારતે ચાંદીની વિક્રમી આયાત કરી હતી. 
સોનાની આયાત ડ્યુટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ઊંચી આયાત ડ્યુટીને કારણે દેશમાં સોનાનું સ્મગલિંગ વધી રહ્યું છે અને લંડનના સોનાના ભાવની સરખામણીમાં અહીં સોનાનું ડિસ્કાઉન્ટ વધીને પ્રતિ ઔંસ ૪૨ ડૉલર થયું છે. ભારતમાં લંડનના સોનાના ભાવ કરતાં પ્રતિ ઔસ ૩૨૦૦થી ૩૩૦૦ રૂપિયા સસ્તું સોનું મળી રહ્યું છે, કારણ કે સોનાનું સ્મગલિંગ સતત વધી રહ્યું છે, જે તપાસકર્તા એજન્સીઓના આંકડા પણ બતાવે છે. આવી સ્થિતિમાં સોનાની આયાત ડ્યુટીમાં ઘટાડો થવાની જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને આશા હતી, પણ સરકારે સોનાની આયાત ડ્યુટી ઘટાડવાની વાતને દૂર હડસેલીને ચાંદીની આયાત ડ્યુટીને સોના અને પ્લૅટિનમ જેટલી કરી નાખી હતી. 

ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધી રહી હોવાથી સોના-ચાંદીની આયાત પર લગામ મૂકવાની નાણાકીય મજબૂરી સમજી શકાય એવી છે, પણ ખાદ્ય તેલોની આયાત વધી રહી છે ત્યારે ભારતની આમ પ્રજાને મોંઘું ખાદ્ય તેલ ખાવું પડી રહ્યું છે અને ભારતીય તેલીબિયાં ઉગાડતા ખેડૂતોને કોઈ પ્રોત્સાહન મળી રહ્યું ન હોવાથી તેઓ તેલીબિયાં ઉગાડવાનું છોડી રહ્યા છે ત્યારે સરકારે આ દિશામાં કેમ કોઈ પગલાં લીધાં નહીં? 

business news commodity market union budget finance ministry nirmala sitharaman