શું ફોર્મ-2એ અથવા ફોર્મ-2બી કરદાતાને આઇટીસી નકારવાનો આધાર બની શકે?

16 April, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું કોઈ પણ ખરીદદાર કરદાતાને જીએસટીએન પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મ-૨એ અથવા જીએસટીઆર-૨બીમાં સપ્લાયર કરદાતાના જે ટેક્સ ઇનવોઇસ કે ડેબિટ નોટ, વગેરેની વિગતો ઉપલબ્ધ ન હોય એના આધારે આઇટીસીનો લાભ નકારી શકાય ખરો?

પ્રતીકાત્મક તસવીર

શું કોઈ પણ ખરીદદાર કરદાતાને જીએસટીએન પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મ-૨એ અથવા જીએસટીઆર-૨બીમાં સપ્લાયર કરદાતાના જે ટેક્સ ઇનવોઇસ કે ડેબિટ નોટ, વગેરેની વિગતો ઉપલબ્ધ ન હોય એના આધારે આઇટીસીનો લાભ નકારી શકાય ખરો? આ મુદ્દો કરદાતાઓ અને ખાતાકીય અધિકારીઓ વચ્ચે ભારે વિવાદનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં એ કાયદાકીય વિશ્લેષણ માગી લે છે. 

પ્રસ્તુત કૉલમમાં આ અગાઉના લેખમાં લેખકે એ સ્પષ્ટ કર્યું હતું કે ફોર્મ ૨-એમાં સપ્લાયર કરદાતાના ઇનવોઇસની વિગતો ઉપલબ્ધ ન હોય તો એ કારણમાત્રથી ખરીદદાર કરદાતાને આઇટીસીનો લાભ કાયદેસર રીતે નકારી શકાય નહીં. 

૧ જાન્યુઆરી, ૨૦૨૧થી અમલમાં આવેલી અમુક સુધારિત જોગવાઈઓના સંદર્ભે ઉપરોક્ત વિવાદાસ્પદ મુદ્દા અંગે અભ્યાસ કરીએ. ફોર્મ ૨એના આધારે કરદાતાઓને આઇટીસીનો લાભ નકારવાના ડિપાર્ટમેન્ટના પગલાનો વિવાદ જ્યાં વકરી રહ્યો હતો ત્યાં જીએસટી કાઉન્સિલે એક વધુ ફોર્મ કરદાતાઓની સગવડ (?) ખાતર દાખલ કરવાની ભલામણ તેની ૩૯મી બેઠકમાં કરી હતી. સૂચિત ફોર્મને પ્રાયોગિક ધોરણે ફોર્મ જીએસટીઆર-૨બી રૂપે જુલાઈ, ૨૦૨૦માં ઇસ્યૂ કરવામાં આવ્યું હતું અને છેવટે ઑગસ્ટ ૨૦૨૦માં એને વ્યવસ્થિત ધોરણે કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું. પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે પ્રસ્તુત ફોર્મ૨બીને કાયદાકીય કોઈ સમર્થન ન હતું. સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ કે સીજીએસટી રુલ્સ, ૨૦૧૭ની કોઈ જોગવાઈમાં ફોર્મ ૨બીનો નિર્દેશ ન હતો. છેવટે ૧૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ નોટિફિકેશન નં. ૮૨/૨૦૨૦ – સેન્ટ્રલ ટૅક્સ દ્વારા કેન્દ્ર સરકારે આ ખામી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રસ્તુત નોટિફિકેશન દ્વારા સીજીએસટી રુલ્સ, ૨૦૧૭ના પ્રવર્તમાન રુલ્સ ૫૯ અને ૬૦માં વ્યાપક સુધારા કરવામાં આવ્યા હતા. આ સુધારિત જોગવાઈઓ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી અમલમાં મૂકવામાં આવી છે. આ સુધારિત જોગવાઈઓ મુજબ તત્કાલીન ચલણમાં રહેલા ફોર્મ ૨એ ઉપરાંત ફોર્મ ૨બીને પણ કેન્દ્ર સરકારે કાયદાકીય શ્રદ્ધેયતા બક્ષવાનો પ્રયત્ન કર્યો છે. 

ટૂંકમાં, ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી પ્રત્યેક કરદાતા માટે જીએસટીએન પોર્ટલ પર બે ફોર્મ્સ એટલે કે ફોર્મ ૨એ અને ફોર્મ ૨બી ઉપલબ્ધ થઈ રહ્યાં છે. આ બન્ને ફોર્મ્સ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી દાખલ કરવામાં આવેલા સુધારિત રુલ ૬૦ની જોગવાઈઓ મુજબ પોર્ટલ પર નિર્દિષ્ટ વિગતો સાથે ઉપલબ્ધ થાય છે. જોકે, બન્ને ફોર્મ્સ વચ્ચે ઘણો તફાવત છે. વધુ ઉંડાણમાં ન ઉતરતાં એટલું કહેવું પૂરતું છે કે ફોર્મ ૨એ એક ‘ડાયનેમિક ફોર્મ’ છે, જેની વિગતો સતત બદલાતી રહે એ શક્ય છે. પરંતુ ફોર્મ ૨બી એક સ્ટેટિક (સ્થાયી) ફોર્મ છે, જેની વિગતોમાં કશો ફેરફાર થતો નથી. બન્ને ફોર્મ્સ વચ્ચે આ ઉપરાંત અનેક તફાવતો છે, પરંતુ એની વિગતે ચર્ચા અસ્થાને છે. 

મહત્ત્વની બાબત એ છે કે પ્રસ્તુત બન્ને ફોર્મ્સ એટલે કે ફોર્મ ૨એ અને ફોર્મ ૨બી દાખલ કરવાની કોઈ જવાબદારી કરદાતાની નથી અને એવી કશી કાયદાકીય જોગવાઈ પણ નથી. 

ફોર્મ ૨એમાં સપ્લાયર કરદાતાએ દાખલ કરેલા જીએસટીઆર ૧ના આધારે એની આઉટવર્ડ સપ્લાયની વિગતો પોર્ટલ અન્વયે ખરીદદાર કરદાતાને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એ જ પ્રમાણે, જીએસટીઆર ૨બી પણ એક પોર્ટલ દ્વારા સ્વયં-નિર્મિત સ્ટેટમેન્ટ છે, જેમાં નિર્દિષ્ટ વિગતો હોય છે, જે પોર્ટલ પર ખરીદદાર કરદાતાને દેખાય છે.

આ સંજોગોમાં ફોર્મ ૨એ કે ફોર્મ ૨બીમાં સપ્લાયર કરદાતાએ સંબંધિત સમયગાળા દરમિયાન કરેલી આઉટવર્ડ સપ્લાયની વિગતો ઉપલબ્ધ ન હોય તો કેવળ એ કારણથી ખરીદદાર કરદાતાને આઇટીસી નકારવાનું પગલું સદંતર ગેરવાજબી અને ગેરકાયદેસર છે. ફોર્મ ૨બી અંગે પોર્ટલ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલી એક વિગતવાર માર્ગદર્શિકામાં એ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ સ્ટેટમેન્ટ પાછળનો હેતુ કરદાતા સમયાંતરે એણે લીધેલી આઇટીસીની ચકાસણી કરી શકે એ જોવાનો છે. પ્રસ્તુત માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કરદાતાઓ ફોર્મ ૩બી દ્વારા આઇટીસીનો લાભ ક્લેમ કરે ત્યારે તેઓ ફોર્મ ૨બીમાં ઉપલબ્ધ વિગતોનો આધારે લે એ સલાહભર્યું છે. કમનસીબે, કરદાતાઓ અને કર સલાહકારો માર્ગદર્શિકાની આ સલાહને કાયદેસર ફરમાન જેટલું મહત્ત્વ આપીને એવું અર્થઘટન કરી રહ્યા છે કે ફોર્મ ૨એ હવે આઇટીસીનો લાભ લેવા માટે અપ્રસ્તુત છે અને ફોર્મ ૨બીમાં ઉપલબ્ધ વિગતોના આધારે જ આઇટીસી લઈ શકાશે. આ અર્થઘટન સંપૂર્ણતઃ ખોટું અને ગેરસમજભર્યું છે. કરદાતાની આઇટીસીનો લાભ લેવાની કાયદેસર પાત્રતા ફોર્મ ૨એ કે ફોર્મ ૨બી પર લગીરે નિર્ભર નથી. આ ફોર્મમાં સપ્લાયરની જે આઉટવર્ડ સપ્લાયની વિગતો ઉપલબ્ધ ન હોય એ વાસ્તવિક હકીકતની તપાસનો આધાર બની શકે, પરંતુ એના આધારે ખરીદદાર કરદાતાને આઇટીસીનો લાભ નકારી શકાય નહીં. 

અંતમાં, એ અત્યંત વિચિત્ર અને કમનસીબ બાબત છે કે કરદાતાની સગવડ અને સજાગતા માટે દાખલ કરવામાં આવેલી જોગવાઈઓ કરદાતા માટે કેવળ કાનૂની વિવાદનું જ નહીં, નાણાકીય બોજનું કારણ પણ બની ગઈ છે.

business news