લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સનું ભારણ ઘટાડવા માટે ઉપયોગમાં લઈ શકાય છે ટૅક્સ લોસ હાર્વેસ્ટિંગ

13 April, 2021 10:47 AM IST  |  Mumbai | Nitesh Budduhadev

કૅપિટલ ઍસેટ્સ કેટલો સમય રાખીને વેચવામાં આવે છે એના આધારે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એલટીસીજી) કે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એસટીસીજી) લાગુ પડે છે.

પ્રતીકાત્મક તસવીર

કૅપિટલ ઍસેટ્સ કેટલો સમય રાખીને વેચવામાં આવે છે એના આધારે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એલટીસીજી) કે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ (એસટીસીજી) લાગુ પડે છે. આ નફા પરનો કરવેરો ટૅક્સ લોસ હાર્વેસ્ટિંગ નામની રીતથી ઘટાડી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ કે શૅરનું વેચાણ કરતી વખતે જો ખોટ ગઈ હોય તો એને કૅપિટલ ગેઇન્સ ભરવાની જવાબદારી સામે મજરે લઈ શકાય છે. ટૅક્સ લોસ હાર્વેસ્ટિંગ માટે ખોટમાં વેચાણ કરીને ફરીથી વેચાણના જ પ્રમાણમાં ખરીદી કરીને પોર્ટફોલિયોને ફરીથી સરભર કરી શકાય છે. ધારો કે તમે એપ્રિલ, ૨૦૧૮માં લિસ્ટેડ શૅરમાં ૬ લાખ રૂપિયાનું અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ૩ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપ્રિલ ૨૦૨૦માં તમારા શૅરનું મૂલ્ય ૪.૫ લાખ અને મ્યુચ્યુઅલ ફંડનાં યુનિટ્સનું મૂલ્ય પાંચ લાખ રૂપિયા થઈ ગયું અને તમે મ્યુચ્યુઅલ ફંડનાં યુનિટ્સ વેચવા માગો છો. 

તમારાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના રિડમ્પ્શન પરનો એલટીસીજી ૨ (૫-૩) લાખ રૂપિયા થાય. એમાંથી ૧ લાખ રૂપિયાનો નફો કરમુક્ત કહેવાય. બાકીના નફા પર ૧૦ ટકા લેખે એલટીસીજી ટૅક્સ અને ૪ ટકા સેસ મળીને ૧૦,૪૦૦ રૂપિયા ચૂકવવાના નીકળે. 

૩૧ માર્ચ, ૨૦૧૮ની પહેલાં શૅર અને ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ પર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ નહોતો. આથી લૉન્ગ ટર્મ લોસ પણ ગણતરીમાં લઈ શકાતો નહોતો. ઇક્વિટીના સોદાઓમાં જો કોઈ નુકસાન થતું તો એને ડેડ-લોસ ગણવામાં આવતો. ૩૧ માર્ચ, ૨૦૧૮ પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે નફો કે નુકસાન બન્નેને ગણતરીમાં લેવામાં આવે છે. ઇક્વિટી શૅર કે ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારોમાં ૧ લાખ રૂપિયા કરતાં વધુનો નફો કરપાત્ર બને છે. લૉન્ગ ટર્મ કૅપિટલ લોસને ગણતરીમાં લેવાનું શક્ય હોવાથી એને એલટીસીજીની સામે મજરે લઈ શકાય છે અર્થાત્ સેટ ઑફ કરી શકાય છે. 

ઉપરોક્ત ઉદાહરણના આધારે કહી શકાય કે તમે લાંબા ગાળા માટે શૅર રાખી મૂકવા માગતા હોવા છતાં તમારે કરવેરાની બચત માટે શૅરનું એક વખત વેચાણ કરી દેવું અને પછી બેથી ત્રણ દિવસની અંદર જ એ શૅર પાછા ખરીદી લેવા. આ રીતે વેચાણ અને ખરીદી કરવાથી તમારા રોકાણના મૂલ્ય પર વધારે અસર નહીં થાય. તમે શૅરનું વેચાણ કરીને ૧.૫ લાખ રૂપિયાનો જે લૉન્ગ ટર્મ કૅપિટલ લોસ કરશો એને તમે મ્યુચ્યુઅલ ફંડના રિડમ્પ્શનને કારણે મળેલા બે લાખ રૂપિયાના કૅપિટલ ગેઇનની સામે મજરે લઈ શકાશે. બે લાખ રૂપિયાના આ એલટીસીજીમાંથી તમે ૧.૫ લાખની ખોટની બાદબાકી કરો તો તમને ૫૦,૦૦૦ રૂપિયાનો એલટીસીજી થયો કહેવાય. આ રકમ ૧ લાખ રૂપિયા કરતાં ઓછી હોવાને કારણે તમને એના પર એલટીસીજી ટૅક્સ લાગુ પડતો નથી.

ધારો કે તમને મળેલા એલટીસીજી કરતાં લોસ વધારે છે તો તમે વધારાનો લોસ પછીનાં વર્ષોમાં પણ મજરે લઈ શકો છો. કરવેરા ધારા હેઠળ તમે આઠ અસેસમેન્ટ વર્ષ સુધી ખોટ મજરે લઈ શકો છો. અહીં ખાસ યાદ રાખવું કે તમે આવકવેરાનું રિટર્ન તેની ડ્યુ ડેટની પહેલાં ભર્યું ન હોય તો તમે સંબંધિત વર્ષની ખોટને કૅરી ફૉર્વર્ડ કરી શકો નહીં.
 
ઉપરાંત, એ પણ નોંધવું ઘટે કે એલટીસીજીને લૉન્ગ ટર્મ કૅપિટલ લોસ અને શૉર્ટ ટર્મ કૅપિટલ લોસની સામે મજરે લઈ શકાય છે. શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇનને ફક્ત શૉર્ટ ટર્મ કૅપિટલ લોસ સામે મજરે લઈ શકાય છે. સેટ ઑફ લેવા માટે ઍસેટના પ્રકાર ધ્યાનમાં લેવાની જરૂર નથી અર્થાત્ તમે ડેટ, રિયલ એસ્ટેટ કે સોનામાં મળેલા લાભને ઇક્વિટીમાં થયેલા નુકસાનની સામે મજરે લઈ શકો છો. 

સવાલ તમારા…

મેં એપ્રિલ, ૨૦૦૧માં ૧ લાખ રૂપિયામાં પ્લૉટ ખરીદ્યો હતો અને આ વર્ષે પાંચ લાખ રૂપિયામાં એ વેચી દીધો છે. ઇન્ડેક્સેશન બેનિફિટ લાગુ કર્યા પછી આ વેચાણ પર ૧.૯૯ લાખ રૂપિયાનો એલટીસીજી થાય છે. શું હું આ સંજોગોમાં મારી કરવેરાની જવાબદારી ઘટાડી શકું? ઉપરાંત, મેં ૮ મહિના પહેલાં પ્રતિ શૅર ૨૦૦ રૂપિયાના ભાવે લિસ્ટેડ કંપનીના ૧૫૦૦ શૅર ખરીદ્યા હતા. આ શૅરનો ભાવ હાલ પ્રતિ શૅર ૨૦ રૂપિયા છે.

તમે ૨૪ મહિના કરતાં વધુ સમય સુધી રાખ્યા બાદ પ્લૉટ વેચ્યો હોવાથી એ વેચાણ પર એલટીસીજી લાગુ પડે છે. ઇન્ડેક્સેશન બાદના મૂલ્ય ૧.૯૯ લાખ પર તમને ૨૦ ટકા લેખે એલટીસીજી ટૅક્સ અને ૪ ટકા સેસ મળીને ૪૧,૩૯૨ રૂપિયાનો કરવેરો લાગુ પડે છે. તમે લિસ્ટેડ કંપનીના જે શૅર ખરીદ્યા છે એમાંથી ૧૧૧૦ શૅર વેચીને ૧,૯૯,૮૦૦ રૂપિયા (ખરીદી મૂલ્ય ૨,૨૨,૦૦૦ – વેચાણ મૂલ્ય ૨૨,૨૦૦ રૂપિયા)નો લોસ બુક કરી શકો છો. આ લોસને તમે ૧,૯૯,૦૦૦ રૂપિયાના એલટીસીજીની સામે મજરે લઈ શકો છો. આમ, તમારી કરવેરાની જવાબદારી શૂન્ય થઈ જશે. તમે ૮૦૦ રૂપિયાનો શૉર્ટ ટર્મ કૅપિટલ લોસ કૅરી ફૉર્વર્ડ કરી શકો છો અને આવતાં આઠ વર્ષ સુધી એને એલટીસીજીની સામે સેટ ઑફ કરી શકો છો.

business news