અલ નીનોની અસરે જો ચોમાસું મોડું પડશે તો રૂમાં તેજી થશે : અતુલ ગણાત્રા

11 March, 2019 09:41 AM IST  |  | કૉમોડિટી અર્થકારણ- મયૂર મહેતા

અલ નીનોની અસરે જો ચોમાસું મોડું પડશે તો રૂમાં તેજી થશે : અતુલ ગણાત્રા

વધી શકે છે કપાસના ભાવ

અલ નીનોની અસરે ભારતમાં ચોમાસાનો આરંભ વિલંબમાં પડશે તો રૂમાં તેજી થશે તેવું સીએઆઇ (કૉટન અસોસીએશન ઑફ ઇન્ડિયા)ના પ્રેસિડન્ટ અતુલ ગણાત્રાએ મુંબઈ ખાતે બે દિવસની ઇન્ટરનૅશનલ કૉટન કૉન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ચાલુ વર્ષે રૂનું ઉત્પાદન ગયા વર્ષથી ૩૭ લાખ ગાંસડી ઘટીને ૩.૨૮ કરોડ ગાસંડી થવાનો અંદાજ છે. ગયા વર્ષે ભારતમાં ૩.૬૫ કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન થયું હતું.

ઇન્ટરનૅશનલ કૉટન કૉન્ફરન્સમાં રૂના ઉત્પાદનનો અંદાજ મૂકતાં અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે દેશમાં ચાલુ વર્ષે રૂનું વાવેતર ગયા વર્ષ જેટલું ૧૨૩ લાખ હેક્ટરમાં થયું હતું, પણ ઑક્ટોબરમાં ઓછો વરસાદ થતાં ખેડૂતો ત્રીજી અને ચોથી વીણી લઈ શક્યા નહોતા. સામાન્ય રીતે કપાસમાં ખેડૂતો ચારથી પાંચ વીણીમાં ઉત્પાદન મેળવતા હોય છે. ખાસ કરીને દેશના સૌથી મોટા રૂના ઉત્પાદક ગુજરાતમાં ૨૮ ટકા વરસાદની ખાધ રહી હતી. આ ઉપરાંત રૂનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગણમાં પણ વરસાદ ઓછો પડ્યો હતો, જેને કારણે કપાસના પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ઘટી હતી. વળી કર્ણાટક અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારે ખેડૂતોને ગુલાબી ઇયળના ઉપદ્રવથી બચવા ડિસેમ્બર મહિનામાં ખેતરમાંથી કપાસ કાઢી નાખવાની સલાહ આપી હતી, જેને કારણે કપાસની ત્રીજી અને ચોથી વીણી લઈ શકાઈ નહોતી.

આ પણ વાંચોઃ GSP અન્વયે ભારતને મળતાં કન્સેશન નાબૂદ કરવાનો ડોનલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ

દેશમાં રૂની આવક અને બૅલૅન્સશીટ અંગે અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે દેશમાં તા. ૨૮ ફેબ્રુઆરીમાં ૨૧૩.૪૨ લાખ ગાંસડીની આવક થઈ હતી, જે ગયા વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં ૨૪૭.૧૦ લાખ ગાંસડીની આવક નોંધાઈ હતી. આમ, રૂની આવકમાં ગયા વર્ષથી ૩૩.૬૮ લાખ ગાંસડીનો ઘટાડો નોંધાયો છે. ભારતની રૂની એક્સર્પોટ ચાલુ વર્ષે ૫૦ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષથી ૧૯ લાખ ગાંસડી ઓછી થશે. રૂના ઉત્પાદનમાં થયેલો ઘટાડો અને રૂપિયાની મોટી વધ-ઘટને કારણે રૂની એક્સર્પોટમાં ઘટાડો થશે. ભારતની રૂની ઇમ્ર્પોટ ચાલુ વર્ષે ૨૭ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૧૫ લાખ ગાંસડી જ એક્સર્પોટ થઈ હતી. રૂનો સ્ટૉક ચાલુ સીઝનને અંતે ૧૭ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૨૮ લાખ ગાંસડી રહી હતી.