Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > GSP અન્વયે ભારતને મળતાં કન્સેશન નાબૂદ કરવાનો ડોનલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ

GSP અન્વયે ભારતને મળતાં કન્સેશન નાબૂદ કરવાનો ડોનલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ

11 March, 2019 09:37 AM IST |
અર્થતંત્રના આટાપાટા- જિતેન્દ્ર સંઘવી

GSP અન્વયે ભારતને મળતાં કન્સેશન નાબૂદ કરવાનો ડોનલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ


પુલવામાના આતંકવાદીઓના હુમલા પછી અને તેના જવાબમાં ભારતે બાલાકોટ પર કરેલી ઍર સ્ટ્રાઇકને પગલે આતંકવાદને ડામવાના પ્રયત્નોમાં વિશ્વના ખૂણેખૂણેથી ભારતને મળી રહેલો ટેકો અકલ્પનીય છે. મૈત્રીના સંબંધો ધરાવતા અમેરિકા જેવા દેશ પાસેથી તો આ ટેકો મળે એ સ્વાભાવિક છે, પણ ચીન સાથે આપણા રાજકીય સંબંધો તનાવયુક્ત હોવા છતાં આ મુદ્દે તે ભારતની તરફેણ કરે એ આર્ય ગણાય. સંખ્યાબંધ દેશોનો આપણને મળેલો પ્રતિસાદ ભારતની વિદેશનીતિની સફળતાની પારાશીશી છે. આ ટેકાએ અને પાકિસ્તાને કમને નમતું જોખવું પડતું હોવાથી દેશમાં અને પ્રજામાં ઉત્સાહનો સંચાર થયો છે.

ભારતની આવી જબ્બર રાજકીય સફળતાના સમાચારની શાહી સુકાય એ પહેલાં અમેરિકાએ ભારતની નિકાસોને અને તે દ્વારા તેના આર્થિક વિકાસ પર અવળી અસર કરે એવું એક કદમ ગયા અઠવાડિયે લીધું, જે મુજબ ટ્રમ્પે ભારતને અમેરિકાના ટ્રેડ પ્રોગ્રામ જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સીસ (GSP)માંથી બાકાત રાખવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે બે મહિના પછી અમેરિકામાં કરાતી ભારતની નિકાસો પર આયાત ડયુટી લાગુ થશે. WTOના નિયમ મુજબ અમેરિકા GSPમાંથી માત્ર ભારતને બહાર ફેંકી દેવાનું ભેદભાવભર્યું વલણ અપનાવી શકે નહીં. તેવી જ રીતે Give & Take વલણ પણ નહીં.



આ GSP શરૂઆત અંકટાડના નેજા હેઠળ ૧૯૭૪ના ટ્રેડ ઍક્ટ દ્વારા કરાયેલી, જે ૧૯૭૬ની પહેલી જાન્યુઆરીથી અમલમાં આવેલો. તેનો ઉદ્દેશ વિકસતા દેશોના, તેમાં પણ સૌથી વધુ ગરીબ દેશોના, વેપારને અને તે દ્વારા વિકસતા વિશ્વના આર્થિક વિકાસને વેગ આપવાનો છે. GSP હેઠળ અમેરિકા કેટલાક દેશોમાંથી કરાતી આયાતો પરની ડયુટી માફ કરી દે છે. એટલે આવા વિકસતા દેશોની નિકાસ માટેની હરીફશક્તિ વધે છે અને તેમની નિકાસોને મોટું બજાર મળે છે. અમેરિકાના આ ટ્રેડ પ્રોગ્રામનો ફાયદો ભારત સહિત વિશ્વના ૧૨૦થી વધુ દેશોને મળે છે.


ભારતની કેટલી આઇટમોને આ સ્કીમનો લાભ મળે છે, કેટલી નિકાસો આ સ્કીમ હેઠળ થાય છે અને તે બંધ થતાં આપણી નિકાસો પર શું અસર પડે તેની થોડીક વિગતો તપાસીએ.

૧૮૦૦૦થી વધુ ટૅરિફ લાઇનમાંથી ભારતની ૫૦૦૦ જેટલી ટૅરિફ લાઇનને આનો ફાયદો મળે છે, જેમાંથી ૨૧૦૦થી વધુ ટૅરિફ લાઇન પર ડયુટીમાં ૪ ટકા (૧થી ૬ ટકાની રેન્જ) કે તેથી વધુ ફાયદો થાય છે.


GSP હેઠળ અમેરિકામાં થતી કુલ ૨૦ બિલ્યન ડૉલરની આયાતોમાં ભારતનો હિસ્સો ૫.૬ બિલિયન ડૉલર જેટલો છે. આ આયાતોમાં મુખ્ય આઇટમો કેમિકલ્સ, ડેરી પ્રોડક્ટસ, સ્ટેઇનલેસ સ્ટીલ અને ટેક્સટાઇલ્સ છે. અમેરિકા ભારતમાંથી કુલ ૪૮ બિલ્યન ડૉલરની આયાત કરે છે અને ભારત ખાતે લગભગ ૨૫ બિલ્યન ડૉલરની નિકાસ કરે છે. એટલે અમેરિકા અને ભારત વચ્ચેના વિદેશવેપારમાં અમેરિકાની ૨૩ બિલ્યન ડૉલરની ટ્રેડ ડેફિસિટ છે. વિશ્વવેપારમાં અમેરિકાની કુલ ડેફિસિટ ૮૦૦થી ૯૦૦ બિલ્યન ડૉલર જેટલી હોવાથી તે આ વેપારખાધ ઘટાડવાના ઉદ્દેશથી જે દેશો સાથેના વિદેશવેપારમાં અમેરિકાની ટ્રેડ ડેફિસિટ વધુ હોય તે દેશોને પણ GSP દ્વારા અપાતી ટૅરિફની રાહતો પાછી ખેંચી લેવાનું આજે નહીં તો કાલે અમેરિકા વિચારશે જ.

આ વ્યવસ્થા હેઠળ ફાયદો માત્ર વિકાસશીલ દેશોનો જ છે એવું નથી. અમેરિકન કંપનીઓને GSP  હેઠળ થતી આયાતો સસ્તી પડે એટલે આ કંપનીઓની નિકાસ માટેની હરીફશક્તિ વધે છે.

ટ્રમ્પ એમ માને છે કે ભારત અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશો અમેરિકાના આ પ્રોગ્રામનો ફાયદો મેળવીને એક દિવસ અમેરિકા સામે જ મેદાને પડવાના. આ દેશો અમેરિકા અને અન્ય દેશો દ્વારા અપાતી જાતજાતની છૂટછાટો અને રાહતો દ્વારા જ આજે આર્થિક રીતે સધ્ધર બન્યા છે અને હવે તેમને ટૅરિફની આવી રાહતોની જરૂર નથી. GSP અને આવા અન્ય પ્રોગ્રામો આજથી ૪૦-૪૫ વરસ પહેલાં શરૂ કરાયા ત્યારની વિકસતા દેશોની સ્થિતિ અને આજની સ્થિતિમાં આસમાન જમીનનો ફરક છે.

કોઈ પણ દેશ આમ વિચારે અને પોતાના દેશનું હિત બીજા દેશના હિત કરતાં આગળ ધરે એ સ્વાભાવિક છે. ટ્રમ્પ તો અમેરિકા ફર્સ્ટ, બાય અમેરિકન અને હાયર અમેરિકનના મુદ્દા પર જ પ્રમુખપદની ચૂંટણી લડ્યા છે અને આર્યજનક રીતે જીત્યા છે. એટલે તે અમેરિકનોના અને અમેરિકાનાં આર્થિક હિત ન જોખમાય એ માટે સતત પ્રયત્નશીલ રહે તે દેખીતું છે.

સત્તા પર આવ્યા ત્યારથી ટ્રમ્પ અન્ય દેશોના, ખાસ કરીને ભારતના, ટેકનોલૉજી નિષ્ણાતોને અમેરિકામાં પ્રવેશવાના એચ-1બી વિઝા પર પણ અનેક પ્રકારના અંકુશો મૂકતા રહ્યા છે. તેમણે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પરની આયાત ડ્યુટી વધારી છે અને ભારત જે સબ્સિડી આપીને તેની નિકાસોની હરીફશક્તિ વધારે છે તે સબ્સિડી દૂર કરાવવા માટે ષ્વ્બ્માં ભારતને તેમણે પડકાર્યું પણ છે.

ભારત સાથે સારા સંબંધો હોવા છતાં તે અમેરિકન કંપનીઓ માટે ભારતનું બજાર ખુલ્લુ મૂકવાની તેમની દરખાસ્તનો જોઈએ તેવો પ્રતિસાદ આપતું નથી એવી ટ્રમ્પની ફરિયાદ છે અને એ કારણે તેમને ભારતને GSP હેઠળ મળતા ઇમ્પોર્ટ ડયુટીનાં કન્સેશન પાછાં ખેંચવાની ફરજ પડી છે એવું વિધાન તેમણે કર્યું છે.

ટ્રમ્પે ઊભા કરેલ મુદ્દાઓમાં નીચેની માગણીઓનો સમાવેશ થાય છે. ૧. હલીર્-ડેવિડસન મોટરસાઇકલ પરની આયાત ડ્યુટી ભારત નાબૂદ કરે (૧૦૦ ટકામાંથી ઘટાડીને ભારતે ૫૦ ટકા કરી છે), કારણ કે અમેરિકા ભારતમાંથી મોટરસાઇકલની ડ્યુટી-ફ્રી આયાત કરે છે. ૨. ભારત અમેરિકાથી આયાત થતા સ્ટેન્ટ અને ની ઇમ્પ્લાન્ટ જેવી મેડિકલ ડિવાઇસની કિંમતની ટોચની મર્યાદા દૂર કરે. ૩.  અમેરિકાની ડેરી પ્રોડક્ટસની આયાતો માટે પોતાનું બજાર સંપૂર્ણપણે ખુલ્લુ મૂકી દે. ૪. મોબાઇલ ફોન, સ્માર્ટ વૉચ અને ટેલિકૉમ ઇક્વિપમેન્ટ નેટવર્ક પરની આયાત ડ્યુટી ઘટાડે. ૫. ભારત તેની નિકાસો પર અપાતાં કેટલાંક પ્રોત્સાહનો ઓછાં કરે.

ભારત પણ અમેરિકાનાં આ પગલાંની નારાજગી વ્યક્ત કરવા અમેરિકાથી આયાત કરાતી ૨૯ આઇટમો પરની ડ્યુટી એપ્રિલ, ૨૦૧૯થી વધારે એવી શક્યતા છે.

આને પરિણામે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર સંબંધના પ્રfનના ઉકેલ માટે જે પૅકેજ તૈયાર કરી રહ્યું છે તેમાં વિક્ષેપ પડવાની સંભાવના વધી છે. ભારતે અમેરિકાથી આયાત થતાં અખરોટ, ચણા, મસૂર અને બોરિક ઍસિડ અને અન્ય આઇટમો પરની આયાત ડ્યુટી વધારવાની તેની દરખાસ્તો બન્ને દેશો વચ્ચે વાટાઘાટો ચાલતી હોવાને કારણે છેલ્લા નવ મહિનામાં છ વાર પડતી મૂકી છે તે હવે ચોકક્કસપણે વધારવાની વાત કરે છે.

અમેરિકા ભારતનું સૌથી મોટું બીજા નંબરનું (ચીન પછીનું) ટ્રેડિગ પાર્ટનર છે. ભારતની કુલ નિકાસના ૧૬ ટકા જેટલી નિકાસ અમેરિકા ખાતે થાય છે. આ વરસે તે નિકાસો ૫૦ બિલ્યન ડૉલરે પહોંચવાનો અંદાજ છે.

અમેરિકાએ છેલ્લા એક વરસથી શરૂ કરેલા ચીન અને ભારત સાથેના વેપારયુદ્ધ, GSP હેઠળ ભારતને મળતા ફાયદા પાછા ખેંચવાની જાહેરાતે, નવા તબક્કામાં પ્રવેશે છે. અમેરિકાએ કૅનેડા, મૅક્સિકો, દક્ષિણ કોરિયા, ચ્શ્ અને જપાન સાથે પણ ટ્રેડ વૉરનાં મંડાણ કયાર઼્ છે. આ વેપારયુદ્ધ તો ઉગ્ર બને ત્યારે ખરું, શાબ્દિક યુદ્ધ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે.

જીએસપીમાંથી ભારતને બહાર ફેંકી દેવાની અમેરિકાની દરખાસ્ત સામે ભારત પાસે ત્રણ વિકલ્પો છે: (૧) બન્ને દેશો દ્વિપક્ષીય મંત્રણાઓ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવે. ભારત પણ અમેરિકાની માગણીઓ પર વિચાર કરીને ભારતનું બજાર અમેરિકાથી કરાતી નિકાસો માટે વધુ ખોલો અને ડ્યુટીના ઘટાડા દ્વારા અમેરિકાની નિકાસોની હરીફશક્તિ વધારવામાં મદદ કરે તો અમેરિકાની ભારત સાથેની ટ્રેડ ડેફિસિટ ઓછી થાય. ભારતમાંથી ઑપરેશનલ અમેરિકન કંપનીઓ પરના કરવેરા ઘટાડે. (૨) બન્ને દેશો મનસ્વી રીતે દ્વિપક્ષીય વેપાર પરનાં નિયંત્રણો વધારે. ભારત GSP અંગેની અમેરિકાની દરખાસ્ત સ્વીકારી લો, પણ તેના વિરોધમાં અમેરિકાથી થતી આયાત પરની ડ્યુટી વધારી દે. (૩) જીએસપીથી બાકાત કરવાના અમેરિકાના નિર્ણય સામે ભારત WTOમાં ફરિયાદ દાખલ કરે.

જીએસપી કારણે ભારતને ડ્યુટીમાં વરસે ૧૯૦ મિલ્યન ડૉલર જેવો નજીવો ફાયદો થાય છે. અમેરિકાના નર્ણિયની આપણી અમેરિકા ખાતેની નિકાસો પરની અસર નજીવી હોઈ ભારત WTOમાં જવાનું માંડી વાળે અને અમેરિકાની ભારત ખાતેની નિકાસો ઘટે તેવા પ્રયાસ કરે એ શક્યતા વધુ જણાય છે.

GSP અન્વયે આવરી લેવાયેલ આઇટમો પર ડ્યુટીમાં સરેરાશ ૨ ટકા જેટલો ફાયદો થાય છે તે આપણી જે ઊંચી ટ્રાન્ઝેક્શન કૉસ્ટ છે તે ઘટાડીને નિકાસોની હરીફશક્તિ ટકાવી રાખી શકાય. આમ થાય તો આપણી અમેરિકા ખાતેની જ નહીં, અન્ય દેશમાંથી થતી ઓવરઑલ નિકાસોની હરીફશક્તિ વધે જે આપણી નિકાસો વધારે.

અમેરિકા અને ચીનના વેપારી કરાર પણ સહી થવાની તૈયારી છે. તેમાં ભંગાણ પડે અને ચીન સાથેનું અમેરિકાનું વેપારયુદ્ધ આગળ વધે તો અમેરિકા ભારત સાથેના તેના બધા જ વ્યવહારમાં થોડું નરમ વલણ અપનાવે. ચીન અને ભારત બન્નેની વધતી જતી તાકાતના સંદર્ભમાં બન્ને મોરચે એકસાથે જંગ છેડવાની ભારે કિંમત અમેરિકાએ ચૂકવવી પડે એ વાત મુત્સદ્દી ટ્રમ્પ સમજે છે.

આ પણ વાંચોઃ ફ્યુચર રીટેલ બિગ બજારના નવા આઉટલેટ શરુ કરવા 200 કરોડનો ખર્ચ કરશે

આપણે આઝાદ થયા ત્યારની, સિત્તેરના દાયકામાં GSP જેવાં કન્સેશન મળ્યાં ત્યારની, અને ૧૯૯૧ના આર્થિક સુધારા દાખલ કરાયા પછીના આજના ભારતની આર્થિક તાકાત ઉત્તરોત્તર વધતી રહી છે. આજે ભારત જ્યારે પાંચ અને દસ ટ્રિલ્યન ડૉલરની ઇકોનૉમી તરીકે ઊભરવાના મનસૂબા ઘડતું હોય ત્યારે GSP જેવાં નજીવાં કન્સેશનો નાબૂદ કરાય તેની કાગારોળ મચાવવી ભારતને શોભે નહીં, ભારત સરકાર તેમ કરે પણ નહીં. આવી પડેલા આ પડકારોને તકમાં ફેરવવાનો અને વિશ્વને સાચા અર્થમાં ભારતની આર્થિક તાકાત બતાવવાનો આ અવસર છે. પુલવામા અને બાલાકોટે ભારતની રાજકીય કુનેહનો પરિચય કરાવ્uો, ઞ્લ્ભ્ના ફેરફારો વિશ્વને ભારતની આર્થિક કુનેહનો અહેસાસ કરાવશે એની કોણ ના કહી શકશે?

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2019 09:37 AM IST | | અર્થતંત્રના આટાપાટા- જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK