News In Shorts: ફ્લિપકાર્ટ હેલ્થકૅર સેક્ટરમાં પ્રવેશ કરશે

20 November, 2021 04:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

એક ક્લિકમાં વાંચો દેશ-વિદેશના બિઝનસના સમાચાર ટૂંકમાં

પ્રતીકાત્મક તસવીર

સુંદરમને ભારતમાં પ્રિન્સિપાલ એએમસી હસ્તગત કરવા માટે સેબીની મંજૂરી મળી 

સુંદરમ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે એને ભારતમાં પ્રિન્સિપાલ ઍસેટ મૅનેજમેન્ટ કંપની હસ્તગત કરવા માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. સુંદરમ ફાઇનૅન્સની સંપૂર્ણ માલિકીની આ પેટા-કંપની પ્રિન્સિપાલ ઇન્ડિયા દ્વારા સંચાલિત યોજનાઓ અને પ્રિન્સિપાલ ઍસેટ મૅનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, પ્રિન્સિપાલ ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ અને પ્રિન્સિપાલ રિટાયરમેન્ટ ઍડ્વાઇઝર્સની શૅરમૂડીના ૧૦૦ ટકા હસ્તગત કરશે. આ સોદાની જાહેરાત ગઈ ૨૮ જાન્યુઆરીએ કરવામાં આવી હતી. એને સેબી અને કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાની અંતિમ નિયમનકારી મંજૂરી પ્રાપ્ત થઈ છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. 

ફ્લિપકાર્ટ હેલ્થકૅર સેક્ટરમાં પ્રવેશ કરશે 

ફ્લિપકાર્ટ ગ્રુપે શુક્રવારે ‘ફ્લિપકાર્ટ હેલ્થ+’ના પ્રારંભ દ્વારા હેલ્થકૅર સેક્ટરમાં પ્રવેશની જાહેરાત કરી હતી. આ ઘટનાના ભાગરૂપે ગ્રુપે સસ્તા, સુંદર માર્કેટપ્લેસ લિમિટેડમાં બહુમતી હિસ્સો મેળવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એ કંપની SastaSundar.com, ઑનલાઈન ફાર્મસી અને ડિજિટલ હેલ્થકૅર પ્લૅટફૉર્મની માલિકી ધરાવે છે.
SastaSundar.com ૪૯૦થી વધુ ફાર્મસીઓનું નેટવર્ક ધરાવે છે, એમ ફ્લિપકાર્ટના નિવેદનમાં જણાવાયું હતું.

ફોનપે દ્વારા ઇસોપ્સનું બાયબૅક

ડિજિટલ પેમેન્ટ્સ કંપની ફોનપેએ ૧૩૫ કરોડ રૂપિયા મૂલ્યના એમ્પ્લોઇઝ સ્ટૉક ઑપ્શન્સ (ઇસોપ્સ)નું બાયબૅક કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી. 
કંપનીના નિવેદન મુજબ બાયબૅકની ઑફરમાં કર્મચારીઓની વરિષ્ઠતા અનુસાર ત્રણ સ્તર રાખવામાં આવ્યા છે. બાયબૅકમાં કંપનીના સ્થાપકો ભાગ નહીં લે. ટોચના સંચાલકો પોતાની પાસેના સ્ટૉક્સમાંથી ૧૦ ટકા સ્ટૉક્સ વેચી શકશે. બીજા બધાકર્મચારીઓ ૨૫ ટકા સુધી સ્ટૉક્સ વેચી શકશે. 

business news flipkart