વૈશ્વિક સોનું નરમ, ચાંદીમાં કડાકો : ભારતમાં કિલોએ 1900 રૂપિયા તૂટ્યા

31 March, 2020 11:18 AM IST  |  Mumbai | Bullion Watch

વૈશ્વિક સોનું નરમ, ચાંદીમાં કડાકો : ભારતમાં કિલોએ 1900 રૂપિયા તૂટ્યા

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં અમેરિકન સત્ર શરૂ થાય એ પહેલાં સોના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં વધારે વ્યાપક વેચવાલી છે, જ્યારે સોનું સામાન્ય ઘટાડો દર્શાવે છે.

વૈશ્વિક રીતે શૅરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે અમેરિકામાં શૅરના વાયદા મજબૂત રીતે ખૂલે એવી શક્યતા છે. કોરોના વાઇરસના કારણે બજારમાં જોવા મળી રહેલી માર્ચ મહિનાની અનિશ્ચિતતા આ સપ્તાહે પણ જોવા મળે એવી શક્યતા છે. પ્રથમ ક્વૉર્ટરમાં (જાન્યુઆરીથી માર્ચ)નો અંત આવી રહ્યો છે ત્યારે કોણે કેટલી આવક રળી અને કેટલો નફો રળ્યો એનો પણ વિચાર થશે અને એના કારણે બજારમાં બે દિવસની સુસ્તી જોવા મળી શકે છે.

ગઈ કાલે સોનાનો જૂન વાયદો કોમેક્સ ખાતે ૦.૬૧ ટકા ૧૦.૧૦ ડૉલર ઘટી ૧૬૪૪ અને હાજરમાં ૦.૫૯ ટકા કે ૯.૫૩ ડૉલર ઘટી ૧૬૧૮.૬૩ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યો છે. ચાંદી મેં વાયદો ૨.૪૪ ટકા કે૩૫ સેન્ટ ઘટી ૧૪.૧૮ ડૉલર અને હાજરમાં ૩.૩૮ ટકા કે ૪૯ સેન્ટ ઘટી ૧૩.૯૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં હાજર બજારો બંધ રહ્યાં હતાં, પણ ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનું મજબૂત હતું, જ્યારે ચાંદીના ભાવમાં ૧૯૦૦ રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે ચાંદીનો ભાવ (ટૅક્સ સિવાય) ૪૧,૪૦૦ રૂપિયા હતો જે આજે ઘટીને ૩૯,૫૦૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો.

business news