ઑગસ્ટ પછીની સોનામાં મોટી તેજી: વાઇરસના ડરથી ભાવ સાત વર્ષની નવી ઊંચાઈએ

22 February, 2020 07:54 AM IST  |  Mumbai | Bullion Watch

ઑગસ્ટ પછીની સોનામાં મોટી તેજી: વાઇરસના ડરથી ભાવ સાત વર્ષની નવી ઊંચાઈએ

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ૭ વર્ષની વધુ એક નવી ઊંચી સપાટીએ જોવા મળી રહ્યા છે. કોરોના વાઇરસનો વ્યાપ અને તીવ્રતા અને દેશો સુધી પહોંચી હોવાથી બજારમાં ચિંતા જોવા મળી રહી છે. ચાલુ સપ્તાહે સોનાના ભાવ ૩.૭ ટકા વધ્યા છે જે ઑગસ્ટ ૨૦૧૯ પછીનો સૌથી મોટો સાપ્તાહિક વધારો છે. એશિયા અને યુરોપનાં શૅરબજારમાં વાઇરસના ફ્લુના ડરથી ભારે વેચવાલી જોવા મળી હતી અને અમેરિકન શૅરબજાર પણ ઘટેલાં છે. બજારમાં સ્પષ્ટ રીતે જોખમથી ભાગી સલામતી તરફ રોકાણ જોવા મળી રહ્યું છે.

ભારતીય બજાર મહાશિવરાત્રિને કારણે બંધ હતાં, પણ વૈશ્વિક ભાવમાં જે રીતે ઉછાળો આવ્યો છે અને એશિયા સહિત વિશ્વનાં ચલણો જે રીતે નબળાં પડી રહ્યાં છે એ જોતાં સોમવારે ભારતમાં પણ ભાવ ઉછાળા સાથે વધી શકે છે.

વૈશ્વિક બજારમાં હાજર સોનું ગુરુવારે ૯ ડૉલર વધ્યા પછી આજે વધુ ૨૨.૭૬ ડૉલર વધીને અત્યારે ૧૬૪૨.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ગયા સપ્તાહે સોનાના ભાવ ૧૫૮૪ ડૉલરની સપાટીએ બંધ રહ્યા હતા અને મંગળવારથી જોવા મળી રહેલી તેજી સતત ચોથા દિવસે પણ ચાલુ રહી છે. સોનાના ભાવ આ સપ્તાહમાં ૩.૭ ટકા કે ૫૮ ડૉલર વધી ગયા છે. કૉમેક્સ એપ્રિલ વાયદો ૧.૫૫ ટકા ૨૫.૮૫ ડૉલર વધી ૧૬૪૫.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. અત્યાર સુધીમાં ભાવ ૨૦૨૦માં ૭.૮ ટકા જેટલા વધી ગયા છે.

વૈશ્વિક ચાંદીના હાજરમાં ભાવ ગુરુવારે ૬ સેન્ટ ઘટ્યા હતા. આજે ભાવ ૧૮ સેન્ટ વધીને ૧૮.૫૫ ડૉલર પ્રતિ ઔંસ છે. ગયા સપ્તાહથી આજ સુધીમાં ચાંદીના ભાવમાં ૪.૫ ટકા કે ૮૮ સેન્ટનો વધારો જોવા મળ્યો છે. ચાંદી માર્ચ વાયદો ૧.૨૨ ટકા વધી ૧૮.૫૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ગુરુવારે સાંજના સત્રમાં ભારતમાં સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૧૬૫૧ ખૂલી, ઉપરમાં ૪૨૧૫૮ અને નીચામાં ૪૧૫૦૦ રૂપિયાના મથાળે અથડાઈને પૂરા સત્રના અંતે ૪૫૩ વધીને ૪૨૦૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પૂરા સત્રના અંતે ૩૯૫ વધીને ૮ ગ્રામદીઠ ૩૩૦૭૮ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પૂરા સત્રના અંતે ૩૦ વધીને ૧ ગ્રામદીઠ ૪૧૧૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૨૩ રૂપિયા વધીને બંધમાં ૪૧૮૮૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭૭૦૦ ખૂલી, ઉપરમાં ૪૮૩૦૯ અને નીચામાં ૪૭૩૮૬ રૂપિયાના સ્તરને સ્પર્શીપૂરા સત્રના અંતે ૩૨૮ વધીને ૪૭૮૯૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૨૯ વધીને ૪૭૯૦૬ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૩૨૬ વધીને ૪૭૮૯૯ રૂપિયા બંધ રહ્યા હતા.

વધુ તેજી માટે આગાહી

તેજી માટે માત્ર વાઇરસ જ નહીં, પણ ગોલ્ડમૅન શાક્સ, સિટીગ્રુપ દ્વારા સોનાના ભાવ હજી વધી શકે એવી આગાહી કરવામાં આવી છે. ગોલ્ડમૅને ભાવનો લક્ષ્યાંક નજીકમાં ૧૭૫૦ ડૉલર કે ૧૮૫૦ ડૉલર પ્રતિ ઔંસ થઈ શકે એવી આગાહી કરી છે. કોરોના વાઇરસને કારણે વિશ્વની નાણાસત્તાઓ દ્વારા બીજા કક્વૉર્ટરમાં (એપ્રિલથી જૂન વચ્ચે) વ્યાજદર ઘટાડવો પડે એવી શક્યતા જોતાં ભાવની આગાહી કરવામાં આવી છે. અમેરિકામાં ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ ૦.૧૫ ટકા જેટલા છે જે ૭ વર્ષની નીચી સપાટીએ છે અને એને કારણે ભાવ ૧૬૯૦ ડૉલર સુધી જઈ શકે એવી આગાહી સેક્સો બૅન્કે કરી છે. સિટી ગ્રુપે વધારે આક્રમક આગાહી કરીને બે વર્ષમાં ભાવ ૨૦૦૦ ડૉલર પ્રતિ ઔંસની ઊંચી સપાટીએ પહોંચે એવી આગાહી કરી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ચીનમાં કોરોના વાઇરસને કારણે માગ ઘટી શકે છે અને પ્રથમ ક્વૉર્ટરમાં એમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો થઈ શકે છે.

business news