ઊંચા ભાવે સોનામાં હજીય સાવચેતી, ભારતમાં રૂપિયો ગબડતા ભાવ મક્કમ

09 April, 2020 10:41 AM IST  |  Mumbai | Bullion Watch

ઊંચા ભાવે સોનામાં હજીય સાવચેતી, ભારતમાં રૂપિયો ગબડતા ભાવ મક્કમ

ગોલ્ડ

મંગળવારે સોનાનો જૂન વાયદો સાડા સાત વર્ષની ઊંચી સપાટી ૧૭૪૨.૬૦ ડૉલર પ્રતિ ઔંસ પહોંચ્યા પછી તેમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ અને સાવચેતી જોવા મળી રહી છે. શૅરબજારમાં અત્યારથી એવી ચર્ચા શરૂ થઈ છે કે વેચવાલી અને મંદીનો વક્કર પૂર્ણ થયો અને હવે જોખમ ઉઠાવી ખરીદી કરી શકાય. એમની ગણતરી છે કે વાઇરસના દરદીઓની સંખ્યા ઘટશે અને વાઇરસના કારણે આર્થિક પ્રવૃત્તિને સંભવિત ફટકો લાગવાનો હતો તેની અસર માર્ચ મહિનાની તીવ્ર વેચવાલીમાં શૅરબજાર અને કંપનીઓના ભાવ ઉપર આવી ગઈ છે.

જોકે સોનાના ભાવ માટે એક તરફ વૈશ્વિક આર્થિક મંદી, નીચા વ્યાજના દર અને પુષ્કળ નાણાં પ્રવાહિતા જેમ તેજીનાં કારણો છે તો સામે નાણાં પ્રવાહિતાના કારણે શૅરબજારમાં જોખમ લેવાની વૃત્તિ અને ફુગાવો જેવા પડકાર પણ છે, એટલે જ ભાવમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે અને ટ્રેડિંગમાં સાવચેતીનું માનસ જોવા મળી રહ્યું છે.

સાડા સાત વર્ષના ઊંચા ભાવ દિવસના સત્ર દરમ્યાન જોવા મળ્યા હતા અને ચાંદી પણ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ હતી. બંધ ભાવની દૃષ્ટિએ કોમેકસ વાયદો સોમવારના ૧૬૯૩ ડૉલરની સપાટીથી વધુને વધુ નીચે જઈ રહ્યો છે. આજે વૈશ્વિક બજારમાં કોમેકસ ઉપર સોનાનો જૂન વાયદો ૦.૦૯ ટકા કે ૧.૫૦ ડૉલર ઘટી ૧૬૮૨.૨૦ અને હાજરમાં ૦.૨૩ ટકા કે ૩.૮૬ ડૉલર વધી ૧૬૫૧.૫૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો મે વાયદો ૦.૮૭ ટકા કે ૧૩ સેન્ટ ઘટી ૧૫.૩૫ ડૉલર અને હાજરમાં ૦.૪૪ ટકા કે ૭ સેન્ટ વધી ૧૫.૦૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

વૈશ્વિક બજારમાં ઘટેલા ભાવ છતાં ભારતમાં ડૉલર સામે રૂપિયો નવી વિક્રમી નીચી સપાટીએ હોવાથી ભારતમાં સોનાના ભાવ ૧૦ રૂપિયા વધ્યા હતા. ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. આમ તો ભારતમાં લૉકડાઉનના કારણે હાજર બજાર બંધ છે પણ રેફરન્સ રેટમાં મક્કમ હવામાન જોવા મળ્યું હતું. ખાનગીમાં સોનું ૪૬,૩૯૦ રૂપિયાની સપાટીએ મક્કમ હતું. એમસીએક્સ ઉપર સોનાનો જૂન વાયદો ૦.૩૩ ટકા કે ૧૫૧ ઘટી ૪૪,૯૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી મે વાયદો ૦.૭૧ ટકા કે ૩૦૭ ઘટી ૪૩,૧૮૭ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ બંધ આવ્યા હતા.

માર્ચમાં પણ ગોલ્ડ ઇટીએફમાં પ્રવાહ ચાલુ રહ્યો

કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ ક્વૉર્ટર (જાન્યુઆરીથી માર્ચ વચ્ચે) ગોલ્ડના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ) દ્વારા ૨૯૮ ટન સોનાની ખરીદી કરવામાં આવી છે. ટન અને ડૉલરના મૂલ્યની દૃષ્ટિએ છેલ્લાં ચાર વર્ષમાં આ સૌથી મોટો ઉમેરો થયો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આજે જાહેર થયેલા અહેવાલમાં જણાવાયું છે. ગત વર્ષે સમગ્ર વર્ષમાં કુલ ૬૫૯ ટન સોનું ઈટીએફ દ્વારા ખરીદવામાં આવ્યું હતું જે નાણાકીય કટોકટીના વર્ષ ૨૦૦૮ પછી સૌથી વધારે હતું. માર્ચ મહિનામાં ૧૫૧ ટન કે ૮.૧ અબજ ડૉલરનો નાણાપ્રવાહ સોનાના ઈટીએફમાં આવ્યો હતો અને તેના કારણે કુલ સોનાનું હોલ્ડિંગ વધીને ૩૧૮૫ ટન થઈ ગયું છે.

business news