કોરોનાના સેકન્ડ વૅવ અને આર્થિક ડેટા વચ્ચે સોનાના ભાવમાં અટકેલી તેજી

26 June, 2020 11:53 AM IST  |  Mumbai | Bullion Watch

કોરોનાના સેકન્ડ વૅવ અને આર્થિક ડેટા વચ્ચે સોનાના ભાવમાં અટકેલી તેજી

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં બુધવારે નરમ હવામાન પછી આજે ફરી નીચા મથાળે ખરીદી જોવા મળી રહી છે. સોનું હજી ઘટાડો દર્શાવે છે પણ ચાંદીમાં મક્કમ તેજી જોવા મળી રહી છે. ડૉલર સંકેત આપી રહ્યો છે કે ફરી સલામતી તરફ લોકો આવી રહ્યા છે અને એટલે સોનાના ભાવ વધી શકે એવી શક્યતા છે. જોકે આર્થિક રીતે જાહેર થયેલા ત્રણ ડેટા દર્શાવે છે કે અમેરિકન અર્થતંત્ર ધારણા કરતાં અત્યારે હજી મજબૂત છે અને કોરોના વાઇરસના બીજા તબક્કાના ડરને કારણે જ બુલિયનના ભાવ વધી રહ્યા છે.

બુધવારે ૧૮૦૦ ડૉલરની સપાટી નજીક પહોંચેલા સોનાના ભાવમાં ભારે પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. ભાવ સાડાસાત વર્ષની ઊંચી સપાટી ૧૭૯૬ ડૉલર સામે સત્રના અંતે ૧૭૭૫ ડૉલર કે આગલા બંધથી ૦.૩૯ ટકા ઘટીને બંધ આવ્યા હતા. આજે પણ વૈશ્વિક બજારમાં સોનું નરમ જોવા મળી રહ્યું છે. બુધવારે ચાંદીના ભાવમાં ૨.૧૮ ટકાનો કડાકો બોલ્યો હતો, પણ આજે ભાવ ફરી નીચા મથાળે નીકળેલી ખરીદીમાં વધેલા જોવા મળી રહ્યા છે.

આર્થિક મોરચે અમેરિકામાં ત્રણ મહત્ત્વના ડેટા જાહેર થયા હતા. ૨૦૨૦ના પ્રથમ ક્વૉર્ટરમાં અમેરિકન અર્થતંત્ર અપેક્ષા અનુસાર પાંચ ટકાના દરથી ઘટ્યું હતું. ૨૦૧૯ના છેલ્લા ક્વૉર્ટરમાં અર્થતંત્ર ૨.૧ ટકા વધ્યું હતું. બજારની ધારણા અનુસાર આંકડા હોવાથી સોનાના ભાવ પર કોઈ અસર જોવા નથી મળી રહી. બીજું, અમેરિકામાં ગયા શનિવારે પૂરા થયેલા સપ્તાહના જૉબલેસ કલેમના આંકડા જાહેર થયા હતા. આ અનુસાર વધુ ૧૪.૮ લાખ લોકોએ બેરોજગારી માટેના સરકારના લાભ લેવા અરજી કરી હતી. બજારમાં ૧૩.૨ લાખ લોકો આવી અરજી કરશે એવી ધારણા હતી અને છેલ્લે મે મહિનામાં અમેરિકામાં ડ્યુરેબલ ગુડ્સના ઑર્ડર ૧૫.૮ ટકા વધ્યા હતા. છેલ્લા બે મહિનામાં સતત ઘટાડા પછી ઑર્ડર વધ્યા છે અને આંકડા બજારની અપેક્ષા કરતાં વધારે રહ્યા હતા.

ભારતમાં સોના-ચાંદીમાં કડાકો

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઉપલા મથાળે જોવા મળેલી વેચવાલી અને ડૉલર સામે મક્કમ રૂપિયાને કારણે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાજરમાં મુંબઈમાં સોનું ૧૦ ગ્રામના ૪૫૦ ઘટીને ૪૯૭૮૦ અને અમદાવાદમાં ૪૮૫ ઘટીને ૪૯,૭૭૦ રૂપિયા રહ્યું હતું.

એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮૧૧૪ ખૂલી, ઉપરમાં ૪૮૧૭૩ અને નીચામાં રૂ. ૪૭૮૮૯ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૪ ઘટીને ૪૭૯૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨૨ વધીને ૮ ગ્રામદીઠ ૩૮૮૩૨ અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૪ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૯૦૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૩૫ ઘટીને બંધમાં ૪૭૯૭૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજર ચાંદી ૧૦૫૦ ઘટીને ૪૮,૮૫૦ અને અમદાવાદમાં ૧૦૭૦ ઘટીને ૪૮,૮૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર હતી. ચાંદીના ભાવમાં વૈશ્વિક બજારમાં ઘટાડો તીવ્ર હોવાથી ભારતમાં પણ કડાકો બોલ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૮,૦૫૦ ખૂલી, ઉપરમાં ૪૮,૦૫૦ અને નીચામાં ૪૭,૫૦૪ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧૩ ઘટીને ૪૭,૫૭૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૭૭ વધીને ૪૭,૮૭૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૧૦૮ વધીને ૪૭,૯૦૨ બંધ રહ્યા હતા.

દિવસની નીચી સપાટીથી ઊછળી ડૉલર સામે રૂપિયો મજબૂત

શૅરબજારમાં વિદેશી મૂડીપ્રવાહ આવી રહ્યો છે એવા સંકેત અને ક્રૂડ ઑઇલના નબળા ભાવ વચ્ચે ડૉલર સામે રૂપિયો આજે વધ્યો હતો.

ડૉલર સામે બુધવારે ૭૫.૭૨ની સપાટીએ બંધ આવેલો રૂપિયો આજે ૭૫.૭૬ની સપાટીએ નરમ ખૂલ્યો હતો. અમેરિકન શૅરબજારમાં વેચવાલીને કારણે ડૉલર મજબૂત હતો અને એની અસરથી ભારતીય રૂપિયો પણ ઘટ્યો હતો. જોકે પછી ભારતીય શૅરબજારમાં જોરદાર ખરીદી નીકળતાં રૂપિયો પણ વધ્યો હતો અને દિવસની ઊંચી સપાટી ૭૫.૫૭ થઈ દિવસના અંતે ૭૫.૬૫ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત રૂપિયો આજે પાઉન્ડ, યુરો અને યેન જેવી અન્ય ટોચની કરન્સી સામે પણ વધ્યો હતો.

business news