ડૉલરમાં ફરી સુધારો જોવા મળતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી પ્રૉફિટ-બુકિંગ

14 October, 2020 11:39 AM IST  |  Mumbai | Bullion Watch

ડૉલરમાં ફરી સુધારો જોવા મળતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી પ્રૉફિટ-બુકિંગ

ગોલ્ડ

ગયા શુક્રવારે સોનાના ભાવમાં જોવા મળેલી તેજીની અસર હવે ઓસરી રહી છે. અમેરિકન ડૉલર ત્રણ સપ્તાહની નીચી સપાટીથી સુધરી રહ્યો છે અને એનાથી સોનાની પડતર અને જોખ‍મ સલામત રોકાણનું આકર્ષણ ઘટી જતાં ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે આઇએમએફના વૈશ્વિક જીડીપીના અંદાજ અને અમેરિકામાં ફુગાવો પણ ભાવને ટેકો આપે એવા નથી એટલે બજારમાં સાવચેતીનો સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક અર્થતંત્ર પર કોરોના મહામારી અને લૉકડાઉનની અસર અગાઉની ધારણા કરતાં આંશિક રીતે ઓછી થશે એવી આગાહી ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. અગાઉ આઇએમએફની આગાહી હતી કે ૨૦૨૦માં વૈશ્વિક જીડીપી ૫.૨ ટકા ઘટશે, પણ આજની આગાહીમાં એ સુધારી નેગેટિવ ૪.૪ ટકા કરવામાં આવી છે. વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો આવે અને મંદીનાં વાદળ હટે તો એની સોનાના ભાવ પર નકારાત્મક અસર પડે છે. સોનું અનિશ્ચિતતા, મંદીનાં જોખમ અને હળવા વ્યાજદર સામે સલામતી આપતું સ્વર્ગ છે.

સપ્ટેમ્બરમાં અમેરિકામાં ફુગાવો અપેક્ષા અનુસાર વધ્યો હતો. નવા આંકડા અનુસાર ઑગસ્ટમાં ૦.૪ ટકા પછી સપ્ટેમ્બરમાં ફુગાવો ૦.૨ ટકા વધ્યો હતો. ધારણા અનુસાર જ ફુગાવો આવતાં સોનાના ભાવ પર એની અસર નહીંવત્ જોવા મળી છે. ઊંચો ફુગાવો અને આર્થિક મંદી સોનાના ભાવમાં તેજી માટેનાં પરિબળ બની શકે છે.

અમેરિકન ડૉલર વધતાં સોમવારે ૧૯૩૯ ડૉલરની સપાટી સામે સોનું વાયદો ઘટીને ૧૯૨૮ ડૉલર પર બંધ આવ્યો હતો. ચાંદીના વાયદા ઘટાડા સાથે બંધ આવ્યા હતા. આજે ડૉલર ઇન્ડેક્સ ૦૧૮ ટકા વધી ૯૩.૨૭ની સપાટી પર છે. અમેરિકામાં ટ્રેડિંગ શરૂ થયું એમાં સોનું ડિસેમ્બર વાયદો ૦.૮૯ ટકા કે ૧૭.૨૦ ડૉલર ઘટી ૧૯૧૧.૭ અને હાજરમાં ૦.૮૩ ટકા કે ૧૬.૦૨ ડૉલર ઘટી ૧૯૦૬.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદીનો વાયદો ૨.૦૪ ટકા કે ૫૨ સેન્ટ ઘટી ૨૪.૭૬ ડૉલર અને હાજરમાં ૧.૯૪ ટકા કે ૪૯ સેન્ટ ઘટી ૨૪.૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં પણ સોના-ચાંદી નરમ

વૈશ્વિક બજારમાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ બાદ ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં નરમ હવામાન જોવા મળ્યું હતું. આજે મુંબઈમાં હાજર સોનું ૧૦ ઘટી ૫૨,૯૯૦ રૂપિયા અને અમદાવાદમાં ૨૫ ઘટી ૫૨,૯૨૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા. ચાંદીમાં મુંબઈમાં હાજરમાં ૪૦૦ ઘટી ૬૩,૮૩૫ અને અમદાવાદમાં ૪૫૦ ઘટી ૬૩,૭૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો.

સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૮૭૦ ખૂલી, ઉપરમાં ૫૧,૦૭૮ અને નીચામાં ૫૦,૭૬૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૩૧ ઘટીને ૫૦,૯૭૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮૦ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૯૫૨ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૫૧ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૨૮ ઘટીને બંધમાં ૫૧,૦૩૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૨,૪૦૧ ખૂલી, ઉપરમાં ૬૨,૯૭૮ અને નીચામાં ૬૨,૧૨૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૨૭ ઘટીને ૬૨,૬૭૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૪૧૯ ઘટીને ૬૨,૬૮૬ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૪૨૪ ઘટીને ૬૨,૬૮૧ રૂપિયા બંધ રહ્યા હતા.

business news