સોના-ચાંદીમાં વર્લ્ડ માર્કેટમાં સતત ચોથા સેશનમાં વધારો

11 February, 2021 09:45 AM IST  |  Mumbai | Bullion Watch

સોના-ચાંદીમાં વર્લ્ડ માર્કેટમાં સતત ચોથા સેશનમાં વધારો

ગોલ્ડ

અમેરિકાના રાહત પૅકેજની મંજૂરી મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું હોઈ સોનું અને ચાંદી વર્લ્ડ માર્કેટમાં ચોથા સેશનમાં વધ્યા હતા પણ ભારતીય રૂપિયો મજબૂત બન્યો હોઈ લોકલ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૬૫ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા પ્રસ્તાવિત ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રાહત પૅકેજની મંજૂરીની સંભાવના સતત વધતી હોઈ વર્લ્ડ માર્કેટમાં સોનું, ચાંદી અને અન્ય પ્રેશિયસ મેટલ સતત ચોથા સેશનમાં સુધર્યા હતા. બાઇડને જણાવ્યું હતું કે રાહત પૅકેજમાં વધારો કરવા અંગે માગણી કરી રહેલા રિપબ્લિકન લીડર સાથે વાતચીતનો દોર ચાલુ છે પણ સત્તાધારી ડેમોક્રેટિક મેમ્બરોએ સર્વાનુમતે રાહત પૅકેજને મંજૂરી આપી હોઈ રિપબ્લિકનના સપોર્ટ વગર પૅકેજ મંજૂર થવાની શક્યતા છે. રાહત પૅકેજની મંજૂરીની શક્યતાએ ડૉલર ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. સોનું વધીને ૧૮૫૦ ડૉલરની નજીક પહોંચ્યું હતું. પ્લેટિનમના ભાવ નવેસરથી ઉછળી છ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. ચીનના વ્હીકલ સેલ્સના ડેટા સ્ટ્રોંગ આવતાં ડીઝલ વાહનોમાં ઑટો કેટાલિસ્ટ તરીકે વપરાતાં પ્લેટિનમનો વપરાશ વધવાની શક્યતાએ પ્લેટિનમના ભાવ વધીને ૧૨૧૪ ડૉલર થયા હતા. એક તબક્કે સોનાની લગોલગ રહેતાં પ્લેટિનમના ભાવ ફૉક્સવેગનના એમિસન સ્કેમ બાદ તળિયે પહોંચી ગયા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો કન્ઝયુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૦.૩ ટકા ઘટ્યો હતો જે ડિસેમ્બરમાં ૦.૨ ટકા વધ્યો હતો. જોકે ફૂડ ઇન્ફલેશન જાન્યુઆરીમાં ૧.૬ ટકા વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો, ફૂડ ઇન્ફલેશન સતત બીજે મહિને વધ્યો હતો. ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૦.૩ ટકા વધ્યો હતો જે ડિસેમ્બરમાં ૦.૪ ટકા ઘટયો હતો, પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત વધ્યો હતો. બિટકૉઇનના ભાવ વધીને ૫૦,૦૦૦ ડૉલર થયા હતા જે ઓલટાઇમ ઊંચા ભાવ હતા. અમેરિકાનો જોબ ઓપનિંગ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં માર્કેટની ધારણા કરતાં વધુ વધ્યો હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પણ સોના-ચાંદીની માર્કેટ માટે સપોર્ટિવ હતા.

શોર્ટ ટર્મ-લોંગ ટર્મ

જોન બાઇડનના ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રાહત પૅકેજની મંજૂરીની શક્યતા વધતાં છેલ્લા ચાર સેશનથી સોનું-ચાંદી વધી રહ્યાં છે પણ હવે૧.૯ ટ્રિલ્યન ડૉલરનું પૅકેજ મંજૂર થશે ત્યારે સોનામાં તેજી ડિસ્કાઉન્ટ થશે અથવા તો સોનામાં તેજી માટે નવું કારણ જોઈશે. ૧.૯ ટ્રિલ્યન ડૉલરનું પૅકેજ મંજૂર થવાની અસર ઓલરેડી પૅકેજ મંજૂર થયા પહેલાં જ થઈ ચૂકી છે.

કોરોના વાઇરસનો ઇફેક્ટિવ વૅક્સિનેશન પ્રૉગ્રામ અને સંક્રમિત કેસ ઘટી રહ્યા હોઈ તેની અસર સોનાના ભાવ પર જોવા મળશે. સોમવારે વર્લ્ડના પાંચ દેશમાં જ ૧૦,૦૦૦થી વધુ સંક્રમિત કેસ ઉમેરાયા હતા જે વધીને મંગળવારે આઠ દેશમાં સંક્રમિત કેસની સંખ્યા વધી હતી. અમેરિકા અને બ્રાઝિલમાં સંક્રમિત કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

જો આગામી દિવસોમાં સંક્રમિત કેસની સંખ્યા વધશે તો સોનામાં તેજીનું કારણ ઉમેરાશે અન્યથા સોના-ચાંદીના ભાવને ઉપર જવા માટે તેજીનુંકોઈ નવું સ્ટ્રોંગ કારણ જોઈશે જે હાલ માર્કેટ પાસે નથી. આમ શોર્ટ ટર્મ સોનામાં તેજીના સંકેતો નેગેટિવ છે. લોંગ ટર્મ તેજીના સંજોગો અનિશ્ચિત છે.

business news