વર્લ્ડમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સોનું 8 મહિનાના તળિયે

03 March, 2021 08:56 AM IST  |  Mumbai | Bullion Watch-Mayur Mehta

વર્લ્ડમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સોનું 8 મહિનાના તળિયે

ગોલ્ડ

યુરોપિયન દેશો, અમેરિકા, બ્રાઝિલ સહિત અનેક દેશોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેમ જ અમેરિકાએ એક જ વખત લેવાની થતી વૅક્સિનને મંજૂરી આપતાં સોનું વર્લ્ડ માર્કેટમાં સાડાઆઠ મહિનાના તળિયે પહોંચ્યું હતું, જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૬૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૧૩ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટીને સાડાઆઠ મહિનાના તળિયે પહોંચ્યું હતું. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા અને ૧.૯ ટ્રિલ્યન ડૉલરના પૅકેજને સેનેટમાં ચાલુ સપ્તાહે મંજૂરી મળવાના પૂરેપૂરા ચાન્સ હોવાથી સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. ટેક્નિકલ ઍનૅલિસ્ટો હવે સોનામાં ૧૬૭૦થી ૧૬૯૦ ડૉલરનું લેવલ આવવાનું કહી રહ્યા છે. ચીને જૂન સુધીમાં ૪૦ ટકા લોકોને વૅક્સિનેશન થઈ જવાની જાહેરાત કરી છે ત્યારે અમેરિકાએ એક જ વખત લેવી પડે એવી જૉન્સન ઍન્ડ જૉન્સનની વૅક્સિનને મંજૂરી આપી હોવાથી આખું વિશ્વ કોરોનાથી ઝડપથી મુક્ત થઈ જશે એવી આશા પ્રબળ બનતાં સોનામાં વેચવાલી વધી હતી. સોનું ઘટતાં ચાંદી પણ વર્લ્ડ માર્કેટમાં ઘટી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ ૬૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૫૮.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૮.૮ પૉઇન્ટની હતી, જ્યારે પ્રાઇવેટ એજન્સી મારકિટના રિપોર્ટ પ્રમાણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૫૯.૨ પૉઇન્ટ હતો. અમેરિકન કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગ જાન્યુઆરીમાં ૧.૭ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકન ગવર્નમેન્ટ ઑથોરિટીએ જૉન્સન ઍન્ડ જૉન્સનની એક જ વખત લેવાની જરૂર પડે એવી વૅક્સિનને મંજૂરી આપી દીધી છે, જેનું વૅક્સિનેશન મંગળવારથી શરૂ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે અત્યાર સુધી કોરોનાની વૅક્સિનને બે વખત લેવાની થતી હોય છે. ખેર, અમેરિકાના તમામ ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવ્યા હોવાથી ડૉલરને મજબૂતી મળી હતી અને સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

વિશ્વમાં દરેક દેશોમાં સોમવારે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને યુરોપમાં રવિવાર સુધી રોજના દોઢ લાખથી વધુ સંક્રમિત કેસ વધતા હતા એ સોમવારે માત્ર ૯૨,૦૦૦ કેસ વધ્યા હતા. બ્રિટન, સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં ૧૦,૦૦૦ કરતાં ઓછા કેસ વધ્યા હતા. અમેરિકા-બ્રાઝિલમાં કેસ ઘટતાં નૉર્થ અમેરિકામાં ૬૨,૦૦૦ કેસ અને સાઉથ અમેરિકામાં ૫૬,૦૦૦ જ નવા કેસ વધ્યા હતા. નૉર્થ અને સાઉથ અમેરિકામાં એક લાખ આસપાસ નવા કેસ વધતા હતા. વિશ્વમાં કુલ સંક્રમિત કેસ પણ ત્રણ લાખથી ઓછા વધ્યા હતા, જે સાડાચારથી પાંચ લાખ કેસ વધતા હતા. આમ, કોરોનાના ઝડપથી ઘટી રહેલા કેસ સોનાને વધુ ઘટાડશે. આ ઉપરાંત અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન ડેટા સ્ટ્રૉન્ગ આવ્યા હતા અને અમેરિકન ૧.૯ ટ્રિલ્યન ડૉલરના પૅકેજને ચાલુ સપ્તાહે સેનેટમાં મંજૂરી મળી ગયા બાદ એનો અમલ થતાં ઇન્ફ્લેશન વધવાનો ડર છે, પણ ઍનૅલિસ્ટો માની રહ્યા છે કે સેન્ટ્રલ બૅન્કો પાસે ઇન્ફ્લેશનને રોકવા માટે હાલમાં કોઈ પગલાં લેવાના વિકલ્પ નથી. આથી ઇન્ફ્લેશન વધશે તો એનો ફાયદો બૉન્ડ યીલ્ડને મળશે, જે સોનાની તેજી માટે નેગેટિવ બનશે. આમ, સોનું શૉર્ટ ટર્મ હજી વધુ ઘટશે. લૉન્ગ ટર્મ પણ હવે સોનામાં તેજીના સંજોગો નબળા બની રહ્યા છે.

business news