અમેરિકન ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોનાએ 1800 ડૉલરની સપાટી ઓળંગી

24 February, 2021 10:31 AM IST  |  Mumbai | Bullion Watch-Mayur Mehta

અમેરિકન ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોનાએ 1800 ડૉલરની સપાટી ઓળંગી

ગોલ્ડ

અમેરિકી ટ્રેઝરી યીલ્ડ ઘટતાં વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૮૦૦ ડૉલરની સપાટી ઓળંગી હતી. પ્રેસિયસ મેટલ અને બેઝ મેટલ બન્નેની તેજીના સથવારે ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં ૨૮ ડૉલરની સપાટીને પાર કરી ગયા હતા. વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઊછળતાં મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૬૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૬૦ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકન ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં સોમવારે ઓવરનાઇટ દોઢ ટકા વધીને એક સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. સોનાએ ૧૮૦૦ ડૉલરની સપાટી ફરી એક વખત વટાવી હતી. કરન્સી બાસ્કેટમાં ઑસ્ટ્રેલિયન ડૉલર અને પાઉન્ડનું મૂલ્ય વધતાં અમેરિકન ડૉલર ઘટ્યો હતો, એનો સપોર્ટ સોનાને મળ્યો હતો. અમેરિકન ૧.૯ કરોડ ડૉલરના રિલીફ પૅકેજ અને ત્યાર બાદની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગની દરખાસ્તથી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટમાં બહુ મોટો વધારો થશે એવા પ્રોજેક્શનને પગલે ડૉલરનું મૂલ્ય વધુ ગગડશે એવી કમેન્ટથી સોનામાં આકર્ષણ વધ્યું હતું. પ્રેસિયસ મેટલ અને બેઝ મેટલ કૉમ્પ્લેક્સ બન્નેની તેજીને કારણે વર્લ્ડ માર્કેટમાં ચાંદી પણ ઊછળી હતી અને ૨૮ ડૉલરની સપાટી પાર કરી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનમાં નવાં મકાનોના ભાવ જાન્યુઆરીમાં વાર્ષિક ૩.૯ ટકા વધ્યા હતા જે ડિસેમ્બરમાં ૩.૮ ટકા વધ્યા હતા, જ્યારે મન્થ્લી બેઝ પર ભાવ ૦.૩ ટકા વધ્યા હતા, જે છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો વધારો હતો. અમેરિકા, યુરોપિયન દેશો અને બ્રિટનની ઇકૉનૉમિક રિકવરીને પગલે ટ્રેઝરી યીલ્ડ સતત વધી રહ્યા છે. બ્રિટનના ટ્રેઝરી યીલ્ડ એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. યુરો એરિયા ટ્રેઝરી યીલ્ડ પણ સતત વધી રહ્યા હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હરકતમાં આવીને કાઉન્ટર પગલાં લેવા તત્પર બની છે. અમેરિકાના ટ્રેઝરી યીલ્ડ એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ફેડ દ્વારા મૉનિટરી પૉલિસીને લગતાં કોઈ પગલાં લેવાશે એ ધારણાએ ટ્રેઝરી યીલ્ડ સોમવારે ઘટ્યા હતા. ઑસ્ટ્રેલિયન ડૉલરનું મૂલ્ય ૩૬ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું તેમ જ બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય પણ કરન્સી બાસ્કેટમાં વધતાં ડૉલર પર દબાણ વધ્યું હતું. તમામ દેશોનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ હવે ફરી એક વખત સોનાને સપોર્ટ કરતાં બની રહ્યાં હોવાથી સોનું વધ્યું હતું.

શૉર્ટ ટર્મ -લૉન્ગ ટર્મ

અમેરિકામાં કોરોનાના કેસ સતત ત્રીજે સપ્તાહે ઘટ્યા હતા. આ ઉપરાંત ઘણા લાંબા સમય પછી વિશ્વમાં માત્ર બે જ દેશ અમેરિકા અને બ્રાઝિલમાં સોમવારે ૧૫,૦૦૦ કરતાં વધારે સંક્રમિત કેસ જોવા મળ્યા હતા. યુરોપિયન દેશોમાં ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં ઝડપથી સંક્રમિત કેસ ઘટી રહ્યા છે. નૉર્થ અમેરિકા અને યુરોપમાં સોમવારે એક લાખ કરતાં ઓછો તથા સાઉથ અમેરિકામાં ૫૦,૦૦૦ કરતાં પણ ઓછા કેસ જોવા મળ્યા હતા. અમેરિકામાં ફાઇઝરે માર્ચ મહિનાથી દર સપ્તાહે ૧.૩ કરોડ વૅક્સિનના ડોઝ આપવાની જાહેરાત કરી હતી. આમ, કોરોનાની સ્થિતિમાંથી હવે મોટા ભાગના દેશો બહાર નીકળી રહ્યા હોવાથી ઇકૉનૉમિક રિકવરી પણ ઝડપી બની રહી છે, જેને પગલે ટ્રેઝરી યીલ્ડ વધી રહ્યા છે એને કાઉન્ટર કરવા દરેક દેશની સેન્ટ્રલ બૅન્ક દ્વારા પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે સોનામાં ફરી એક વખત શૉર્ટ ટર્મ તેજીનાં નવાં કારણો ઊભરી રહ્યાં છે, પણ લૉન્ગ ટર્મ તેજી માટે હજી અનિશ્ચિતતા બરકરાર છે, કારણ કે કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી ક્રાઇસિસની સ્થિતિ હવે હળવી બની રહી છે.

business news