અમેરિકાની ઇકૉનૉમિક રિકવરીથી ટ્રેઝરી યીલ્ડ વધતાં સોના-ચાંદી ઘટ્યા

26 February, 2021 09:34 AM IST  |  Mumbai | Bullion Watch-Mayur Mehta

અમેરિકાની ઇકૉનૉમિક રિકવરીથી ટ્રેઝરી યીલ્ડ વધતાં સોના-ચાંદી ઘટ્યા

ગોલ્ડ

અમેરિકાની ઇનૉનૉમિક રિકવરી ધારણા કરતાં વધુ સારી રહી હોવાથી ટ્રેઝરી યીલ્ડમાં ફરી વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અમેરિકાએ તાઇવાન સ્ટ્રીટમાંથી વૉરશિપ હટાવીને ચીન સાથે સંબંધ સુધારવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય લેતાં જિયોપૉલિટિકલ ટેન્શન ઘટ્યું હતું જે સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર બન્યું હતું. આ તમામ ઘટનાક્રમને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૯૦ રૂપિયા ઘટ્યું હતું. જોકે ચાંદી પ્રતિ કિલો ૯૯૦ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકન કૉર્પોરેટ કંપનીના સ્ટૉકમાં સતત વધારો અને ઇકૉનૉમિક રિકવરીના મજબૂત સંકેતને પગલે ટ્રેઝરી યીલ્ડ ફરી વધ્યા હતા. અમેરિકન ઑથોરિટીએ જૉનસન ઍન્ડ જૉનસનની કોરોના-વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપતાં કોરોનાની મુસીબતમાંથી છુટકારો મળવાની આશા વધુ પ્રબળ બની હતી. જોકે ફેડ ચૅરમૅનના નિવેદનની અસરે ડૉલર વધુ ઘટ્યો હોવાથી સોનાનો ઘટાડો મર્યાદિત હતો. ટ્રેઝરી યીલ્ડ અને સ્ટૉક માર્કેટની તેજીને લીધે સોનામાં ઇન્વેસ્ટર્સનો રસ ઘટ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનાએ ફરી એક વખત ૧૮૦૦ ડૉલરની સપાટી તોડી હતી. સોનાના ઘટાડાને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

જપાનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, એમ્પ્લૉયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને ૮૮.૩ પૉઇન્ટ રહ્યો હતો જે નવેમ્બરમાં ૮૯ પૉઇન્ટ રહ્યો હતો. અમેરિકન સિંગલ ફૅમિલી હોમસેલ્સમાં જાન્યુઆરીમાં ૪.૩ ટકાનો વધારો થયો હતો જે માર્કેટની ધારણા કરતાં ઘણો વધારે હતો. અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે જૉનસન ઍન્ડ જૉનસનની કોરોના-વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ રીતે અમેરિકામાં ત્રીજી કોરોના-વૅક્સિનને મંજૂરી મળતાં આગામી દિવસોમાં કોરોના સામેની લડાઈ મજબૂત બનવાની ધારણા છે. આ ઉપરાંત અમેરિકાની જાયન્ટ કંપનીઓના શૅર સતત વધી રહ્યા હોવાથી ત્રણેય સ્ટૉક ઇન્ડેક્સ બુધવારે ૧.૧થી ૧.૪ ટકા સુધર્યા હતા. અમેરિકાએ તાઇવાન સ્ટ્રીટમાંથી એક વૉરશિપ પાછી ખેંચી લઈને ચીન સાથે સંબંધો વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો હતો. અમેરિકાની ઇકૉનૉમી રિકવરી અને ચીન સાથેના સંબંધો સુધરવાના સંકેત સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર બની રહ્યાં છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કોરોના-વૅક્સિનની અસરકારકતા હજી જોઈએ એટલી સાબિત થઈ નથી ત્યારે કોરોનાના કેસ વધતાં નવી ચિંતા ઉદ્ભવી છે. ફ્રાન્સમાં બુધવારે એક જ દિવસમાં ૩૧,૦૦૦ અને જર્મનીમાં ૧૦,૦૦૦ કરતાં વધુ નવા સંક્રમિત કેસ આવ્યા હતા. યુરોપિયન દેશોમાં નવા દોઢ લાખ કરતાં વધુ કેસ જોવા મળ્યા હતા.

અમેરિકા-બ્રાઝિલમાં કેસ સતત ત્રીજા દિવસે વધ્યા હતા. કોરોનાની વધતી અસર વચ્ચે અમેરિકન ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં ઝડપી જોવા મળી રહી છે, કારણ કે પાંચ વર્ષના બૉન્ડ અને ૩૦ વર્ષના બૉન્ડ યીલ્ડ વચ્ચેનો ગાળો ૬ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો જેને પરિણામે ૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી યીલ્ડ પણ વધ્યા હતા. આમ કોરોનાના વધતા કેસ અને ઇકૉનૉમિક રિકવરી બન્ને સામસામા પ્રવાહ વચ્ચે સોનું શૉર્ટ ટર્મ રેન્જબાઉન્ડ જ રહે એવા સંજોગો વધુ છે. વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કો દ્વારા મની પ્રિન્ટિંગ બંધ કરીને ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે હજી લાંબા સમય સુધી અનુકૂળતા આવે એવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી જેને કારણે સોનામાં લૉન્ગ ટર્મ તેજી થવાના સંજોગ હજી ઊજળા દેખાઈ રહ્યા છે.


સોનું ૯૯.૯ ૪૬,૪૪૬ રૂપિયા
સોનું ૯૯.૫ ૪૬,૨૬૦ રૂપિયા
ચાંદી ૭૦,૨૨૫ રૂપિયા

કરન્સી
ડૉલર -૭૨.૪૧
યુરો -૮૮.૫૩
પાઉન્ડ -૧૦૨.૬૩
યેન -૬૮.૩૦

business news