US ટ્રેઝરી યીલ્ડની તેજીને રિલીફ પૅકેજના લાભથી સોનું-ચાંદી ઘટ્યાં

02 March, 2021 09:50 AM IST  |  Mumbai | Bullion Watch-Mayur Mehta

US ટ્રેઝરી યીલ્ડની તેજીને રિલીફ પૅકેજના લાભથી સોનું-ચાંદી ઘટ્યાં

ગોલ્ડ

અમેરિકામાં ૧.૯ ટ્રિલ્યન ડૉલરનું રિલીફ પૅકેજ મંજૂર થયા બાદ એનો લાભ ટ્રેઝરી યીલ્ડની તેજીને મળશે એવી ધારણાને પગલે સોનું-ચાંદી વર્લ્ડ માર્કેટમાં શુક્રવારે ઘટીને આઠ મહિનાના તળિયે પહોંચ્યાં હતાં. ત્યાર બાદ એમાં સોમવારે સવારે થોડો સુધારો થયો હતો, પણ સુધારો ટકી શક્યો નહોતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૯૨ રૂપિયા અને ચાંદી પ્રતિ એક કિલો ૧૫૫ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકામાં ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રાહત પૅકેજને મંજૂરી મળી ગયા બાદ સોનું શુક્રવારે ત્રણ ટકા ઘટીને ૧૭૧૬.૮૫ ડૉલરની આઠ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ૨૦૨૧ના આરંભથી સતત બે મહિનાથી સોનાના ભાવ ઘટી રહ્યા હોવાથી દરેક નીચા લેવલે નવી ખરીદી આવવી સ્વાભાવિક છે, જેને કારણે સોમવારે સવારથી સોનું સુધરતું ગયું હતું. વળી અમેરિકન ટ્રેઝરી યીલ્ડ પણ શુક્રવારે ૧.૬ ટકા વધ્યા બાદ પ્રત્યાઘાતી ઘડ્યા હતા. અમેરિકન સ્પેક્યુલેટર્સોએ સોના-ચાંદીમાં તેજીની પોઝિશન ઘટાડી હોવાનો રિપોર્ટ ફ્યુચર ટ્રેડિંગ કમિશને આપ્યો હતો. ટેક્નિકલ ઍનલિસ્ટો સોનામાં ૧૭૦૦ ડૉલરનું લેવલ મહત્ત્વનું માની રહ્યા છે, પણ સોનું ૧૭૧૬ ડૉલર સુધી ઘટ્યા બાદ સોમવારે ૧૭૫૫ ડૉલર સુધી વધ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં ઘટીને ૫૭.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૫૭.૭ પૉઇન્ટ હતો. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં ઘટીને નવ મહિનાના નીચી સપાટીએ ૫૦.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૫૧.૩ પૉઇન્ટ હતો. જ્યારે ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રાઇવેટ એજન્સીના અંદાજ મુજબ ફેબ્રુઆરીમાં ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૫૧.૫ પૉઇન્ટ હતો. ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં એક વર્ષના તળિયે ૫૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૫૨.૪ પૉઇન્ટ હતો. જપાન મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ૫૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૪૯.૮ પૉઇન્ટ હતો. ચીનના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના નબળા ગ્રોથડેટા સોનાની માર્કેટ માટે નેગેટિવ હતા. ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પણ નબળો પડ્યો હતો. વિશ્વમાં સોનાનો ૫૦ ટકા વપરાશ ભારત અને ચીનમાં થાય છે. આથી બન્ને દેશોના નબળા ડેટા આગામી સમયમાં ફિઝિકલ ડિમાન્ડમાં ઘટાડો થવાનો સંકેત આપે છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડન દ્વારા મુકાયેલા ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવમાં મંજૂરી મળ્યા બાદ આ દરખાસ્ત હવે સેનેટની મંજૂરી માટે છે, જ્યાં પણ દરખાસ્ત સહેલાઈથી મંજૂર થયા બાદ પ્રેસિડન્ટની સિગ્નેચર બાદ એનો અમલ થશે. દરેક અમેરિકનને ૧૪૦૦ ડૉલરની સહાય તેમ જ બેરોજગારોને ત્રણ મહિના સુધી સહાયની જોગવાઈઓ આ રિલીફ પૅકેજમાં સામેલ હોવાથી અમેરિકન ઇકૉનૉમીમાં આ નાણાં ઠલવાઈ ચૂક્યા બાદ ઇઝી મની ફ્લો વધશે, જેનાથી ઇન્ફ્લેશન વધવાની પૂરેપૂરી શક્યતા છે, જેનો લાભ ટ્રેઝરી યીલ્ડને વધુ મળશે એવા સંકેતોને પગલે શૉર્ટ ટર્મ સોનાનો ભાવ ઘટશે, પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ સમગ્ર વિશ્વમાં વધવા લાગ્યા છે. કોરોનાનો વૅક્સિનેશન પ્રોગ્રામ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો હોવા છતાં કોરોનાના કેસ વધવાની બાબત ચિંતાજનક છે. યુરોપિયન દેશોમાં રવિવારે સંક્રમિત કેસની સંખ્યા વધીને ૧.૬૩ લાખે પહોંચી હતી. નૉર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાં સંક્રમિત કેસની સંખ્યા એક લાખ નજીક પહોંચી છે. એશિયામાં ભારત સહિત અનેક દેશમાં કેસ વધી રહ્યા છે. આમ, જો કોરોના વાઇરસની સ્થિતિ વધુ બગડશે તો પણ સોનામાં નીચા ભાવથી શૉર્ટ ટર્મ સુધારો આવી શકે છે. લૉન્ગ ટર્મ સોનાનો ભાવ વધશે કે ઘટશે એ વિશે હજી મોટી અનિશ્ચિતતા છે.

business news