ડૉલર મજબૂત થતાં સોનાનો 1900 ડૉલરની ઉપર ટકી રહેવા પ્રયત્ન

01 October, 2020 11:55 AM IST  |  Mumbai | Bullion Watch

ડૉલર મજબૂત થતાં સોનાનો 1900 ડૉલરની ઉપર ટકી રહેવા પ્રયત્ન

ગોલ્ડ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રથમ ડીબેટના કારણે રાજકીય વાતાવરણ વધારે ગરમ થયું છે અને તેના કારણે ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી છે. મંગળવારે સોનાનો ભાવ ૧૯૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયો હતો અને ગઈ કાલે તે જાળવી રાખવા માટે લટકી રહ્યો છે. ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ફરી વધ્યો છે અને અમેરિકામાં બીજા ક્વૉર્ટરના જીડીપીના આંકડામાં થોડો સુધારો (અગાઉના અંદાજ કરતાં) જોવા મળ્યો હોવાથી સોનું વધવા માટે પ્રત્યન કરી રહ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં સલામતી તરફથી દોટ જોવા મળી હતી પણ તેમાં ડૉલર અને યેન સોના કરતાં આગળ નીકળી ગયા છે. સપ્ટેમ્બર મહિનામાં ડૉલર ઇન્ડેક્સ બે ટકા વધ્યો છે જે માસિક ધોરણે છેલ્લા એક વર્ષમાં સૌથી મોટો ઉછાળો છે. સામે સોનું ચાર ટકા ઘટેલું છે અને યેન સ્થિર છે.

ડૉલર ઇન્ડેક્સ ૦.૧૯ ટકા વધી ૯૪.૧૦૨ની સપાટી ઉપર છે અને તેના કારણે અત્યારે સોનાની વૃદ્ધિ ઉપર બ્રેક લાગેલી છે. ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ડિસેમ્બર વાયદો ૦.૦૯ ટકા કે ૧.૭૦ ડૉલર ઘટી ૧૯૦૧.૫૦ ડૉલર અને હાજરમાં ૦.૧૩ ટકા કે ૨.૪૩ ડૉલર ૧૮૯૫.૬૪ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે અને ચાંદી વાયદો ૧.૫૮ ટકા કે ૩૮ સેન્ટ ૨૪.૦૬ ડૉલર અને હાજરમાં ૧.૧૨ ટકા કે ૨૭ સેન્ટ ૨૩.૯૨ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.

ભારતમાં સોના અને ચાંદીમાં નરમ હવામાન

એક દિવસના ઉછાળા બાદ ગઈ કાલે ફરી ભારતમાં સોના અને ચાંદીમાં નરમ હવામાન જોવા મળ્યું હતું. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૭૦ ઘટી ૫૨,૨૮૦ અને અમદાવાદ ખાતે ૮૦ ઘટી ૫૨,૨૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવ હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૫૫૯ ખૂલી, ઉપરમાં ૫૦,૬૪૦ અને નીચામાં ૫૦,૧૮૩ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૩૨૬ ઘટીને ૫૦,૩૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૪૫૩ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૮૩૩ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૮ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૨૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૫ ઘટીને બંધમાં ૫૦,૨૨૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ ખાતે ૫૩૫ ઘટી ૬૧,૪૩૫ અને અમદાવાદ ખાતે ૫૦૦ ઘટી ૬૧,૩૮૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૨૦૧ ખૂલી, ઉપરમાં ૬૧,૪૯૭ અને નીચામાં ૬૦,૫૩૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૧૫૬૨ ઘટીને ૬૦,૯૦૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૫૬૦ ઘટીને ૬૦,૯૦૬ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૫૫૬ ઘટીને ૬૦,૯૧૧ રૂપિયા બંધ રહ્યા હતા.

business news