વધેલા ડૉલર, ઘટેલા શૅરબજારની સાથે સોના-ચાંદીના વાયદા નરમ, હાજર મક્કમ

12 May, 2020 09:44 AM IST  |  Mumbai | Bullion Watch

વધેલા ડૉલર, ઘટેલા શૅરબજારની સાથે સોના-ચાંદીના વાયદા નરમ, હાજર મક્કમ

ગોલ્ડ

ડૉલરના વધી રહેલા મૂલ્ય અને ક્રૂડ ઑઇલના નરમ ભાવ વચ્ચે આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વેચવાલી જોવા મળી રહી છે. સોના અને ચાંદીના વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે હાજરમાં ભાવ હજી મક્કમ છે. સામાન્ય રીતે શૅરબજારના જોખમી બજારમાં વૃદ્ધિ આવે ત્યારે સોનું ઘટે અને એમાં ઘટાડો જોવા મળે ત્યારે વધે એવી વિરોધાભાસી મૂવમેન્ટ છોડી છેલ્લા બે મહિનાથી બન્ને બજાર એકબીજાની સાથે તાલ મિલાવી ચાલી રહ્યાં છે

વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો શુકવારે ૧૨ ડૉલર ઘટી ગયો હતો અને ચાંદીનો વાયદો ૧૯ સેન્ટ વધ્યો હતો. ગઈ કાલે સોમવારે સોનાના ભાવમાં વેચવાલી આગળ વધી છે, જ્યારે ચાંદી પણ નરમ જોવા મળી રહી છે. હાજરમાં ભાવ મક્કમ છે, જ્યારે વાયદામાં ભાવ ઘટેલા છે. ગઈ કાલે સોનું જૂન વાયદો ૧૭૦૭.૩૦ ડૉલર અને હાજરમાં ૦.૨૧ ટકા કે ૩.૬૩ ડૉલર વધી ૧૭૦૬.૩૩ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદી જુલાઈ વાયદો ૧ સેન્ટ ઘટી ૧૫.૭૭ અને હાજરમાં ૭ સેન્ટ વધી ૧૫.૫૫ ડોલર પ્રતિ ઔંસ છે.

ભારતમાં ટૅક્સ સિવાયના ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનું નરમ પડ્યું હતું અને ચાંદીમાં વૃદ્ધિ જોવા મળી છે. સોનાના ભાવ ગઈ કાલે પ્રતિ ૧૦ ગ્રામ ૫૦૭ ઘટી ૪૫,૭૮૫ રૂપિયા રહ્યા છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૦૦ વધી ૪૩,૨૦૦ રૂપિયા રહ્યો છે. ખાનગીમાં સોનાનો ભાવ ૪૭,૫૦૮ રૂપિયા અને ચાંદી ૪૪,૩૯૩ રૂપિયા છે. ભારતમાં પણ વાયદામાં સોના અને ચાંદીમાં નરમ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૫,૮૦૧ ખૂલી, ઉપરમાં ૪૫,૮૫૦ અને નીચામાં ૪૫,૫૯૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૧ ઘટીને ૪૫,૭૧૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૮ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭,૧૫૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૬ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૫૯૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૭ ઘટીને બંધમાં ૪૫,૭૦૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૩,૩૪૭ ખૂલી, ઉપરમાં ૪૩,૬૩૪ અને નીચામાં ૪૨,૮૫૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૨૯ ઘટીને ૪૩,૦૬૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૨૩૯ ઘટીને ૪૩,૪૨૮ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૨૧૧ ઘટીને ૪૩,૫૫૦ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા નબળો પડ્યો

ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસ, લૉકડાઉનના કારણે અર્થતંત્ર નબળું પડશે એવી દહેશત અને કેન્દ્ર સરકારની નાણાખાધ વધીને ૫.૫ ટકા થશે એવી ધારણાએ ડૉલર સામે રૂપિયો સોમવારે નબળો પડ્યો હતો. વૈશ્વિક રીતે ડૉલર ઇન્ડેક્સ ૦.૩૩ ટકા વધી ૧૦૦.૦૬ રહ્યો હતો જેની અસર પણ ભારતીય ચલણ પર જોવા મળી રહી હતી.

શુકવારે ૭૫.૫૪ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૫૫ ખૂલી ઘટીને ૭૫.૭૭ થયા બાદ દિવસના અંતે ૧૯ પૈસા ઘટી ૭૫.૭૩ બંધ રહ્યો હતો. ડૉલર સામે રૂપિયાની મંદી પર આજે બ્રેક લાગી હતી. એક, ક્રૂડ ઑઇલના ભાવ ઘટ્યા હતા અને બીજું, વિદેશી રોકાણનો પ્રવાહ ભારતમાં આવી રહ્યો હોવાની ધારણા છે. રિલાયન્સમાં આવી રહેલા ૬૬,૦૦૦ કરોડ રૂપિયા જેટલા રોકાણ અને શૅરબજારમાં ત્રણ દિવસથી વિદેશી સંસ્થાઓની ખરીદીના કારણે રૂપિયાને ટેકો મળી ગયો હતો.

business news