શૅરબજારમાં ઉછાળાને કારણે સોનામાં ફરી ઘટાડો ચાલુ

01 April, 2020 12:22 PM IST  |  Mumbai | Bullion Watch

શૅરબજારમાં ઉછાળાને કારણે સોનામાં ફરી ઘટાડો ચાલુ

ગોલ્ડ

શૅરબજારમાં વ્યાપક વેચવાલી પછી નીચા મથાળે ખરીદીએ નવું જોમ પકડતાં સોનાના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનમાં માર્ચ પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ બાવન જોવા મળ્યો છે જે ફેબ્રુઆરીમાં ૩૫.૭ હતો. આવી જ રીતે સર્વિસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીના ૨૯.૬ સામે ૫૨.૩ આવ્યો છે. ચીનનું અર્થતંત્ર કોરોના વાઇરસની અસરથી બહાર આવી રહ્યું હોવાની ધારણાએ શૅરબજારમાં એશિયા, યુરોપ અને અમેરિકન શૅરના વાયદા ઉછાળો દર્શાવી રહ્યા છે.

બીજી તરફ ડૉલર ઇન્ડેક્સ પણ વધી રહ્યો છે જે દર્શાવે છે કે બજારમાં જોખમ લેવાની શરૂઆત થઈ ગઈ છે અને એટલે સોના-ચાંદીમાં ફરી વેચવાલી જોવા મળી રહી છે. ગયા ગુરુવારે સોનાનો વાયદો ૧૬૬૦ ડૉલરની સપાટી પર હતો અને પછી એમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે વૈશ્વિક બજારમાં સોનું જૂનવાળો ૧.૩૫ ટકા કે ૨૨.૨૦ ડૉલર ઘટી ૧૬૨૧ અને હાજરમાં ૧.૧૩ ટકા કે ૧૮.૩૩ ડૉલર ઘટીને ૧૬૦૪.૧૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદીમાં થોડી વૃદ્ધિ છે. અત્યારે ચાંદી મેં વાયદો ૧.૦૫ ટકા કે ૧૫ સેન્ટ વધી ૧૪.૨૮ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૦.૧૮ ટકા કે ૩ સેન્ટ વધી ૧૪.૦૭ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે.

ભારતમાં હાજર બજારો લૉકડાઉનને કારણે બંધ છે, પણ ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ પ્રમાણે સોનાના ભાવમાં ૭૦૦ રૂપિયાનો પ્રતિ ૧૦ ગ્રામ ઘટાડો જોવા મળ્યો છે. આજે ભાવ ૪૩,૧૭૩ રૂપિયા રહ્યા હતા. ચાંદીના ભાવ ૫૦૦ ઘટી ૩૯,૨૦૦ રૂપિયા રહ્યા હતા. બુલિયન ટ્રેડિંગમાં અત્યારે ખરીદી અને વેચાણ બંધ છે, પણ ખાનગીમાં ભાવ ૪૪,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૪૦,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો હતી.

હાજરમાં સોનાનો પુરવઠો અસરગ્રસ્ત

સ્વિટ્ઝરલૅન્ડમાં મોટા ભાગની ગોલ્ડ રિફાઇનરી બંધ છે ત્યારે સાઉથ આફ્રિકાએ પણ જાહેરાત કરી છે કે એની રિફાઇનરીથી લંડન સુધી માલ પહોંચવામાં વિક્ષેપ પડી રહ્યા છે. ફ્લાઇટની ઉપલબ્ધિ ન હોવાથી લંડન બુલિયન અસોસિએશન માન્ય રેન્ડ રિફાઇનરીએ જણાવ્યું હતું કે સોનું બજાર સુધી પહોંચી રહ્યું નથી.

રિફાઇનરી અત્યારે ૪૦થી ૬૦ ટકાની ક્ષમતા પર કામ કરી રહી છે અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા સોનાનો પુરવઠો જળવાઈ રહે એવો પ્રયત્ન કરી રહી છે. અત્યારે એવો કોઈ અંદાજ નથી કે કુલ કેટલો પુરવઠો અટકી શકે છે. જોકે લંડન બુલિયન અસોસિએશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હાલમાં બજારમાં પૂરતો સ્ટૉક ઉપલબ્ધ છે અને હાજરમાં માલ ઉપલબ્ધ બની રહે એટલી રિફાઇનરી પણ ચાલી રહી છે.

business news