સોનાના ભાવ 9 વર્ષની તેજી તરફ, ભારતમાં વધુ એક ઐતિહાસિક ઊંચી સપાટીએ

24 July, 2020 11:35 AM IST  |  Mumbai | Bullion Watch

સોનાના ભાવ 9 વર્ષની તેજી તરફ, ભારતમાં વધુ એક ઐતિહાસિક ઊંચી સપાટીએ

ગોલ્ડ

સોનામાં તેજીનો વક્કર વધુ મજબૂત જોવા મળી રહ્યો છે. એશિયાઈ સત્રમાં અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને કારણે સોનું ૯ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આંશિક ઘટ્યું હતું. અમેરિકન સત્ર શરૂ થતાં બેરોજગારીના આંકડા ધારણા કરતાં ઊંચા આવતાં એમાં ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે અને હવે લાગી રહ્યું છે કે ૧૯૨૦ ડૉલર પ્રતિ ઔંસની સર્વાધિક ઊંચી સપાટી હાથવેંતમાં છે.

અમેરિકામાં ગયા સપ્તાહે જૉબલેસ ક્લેમ ૧૪.૧૬ લાખ આવ્યા હતા. બજારની ધારણા હતી કે આ વૃદ્ધિ ૧૩ લાખ આસપાસ રહેશે. ધારણા કરતાં વધુ લોકોએ બેરોજગારી માટે અરજી કરી હોવાથી સોનાના ભાવને ટેકો મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ અને ડૉલર સામે રૂપિયો આંશિક નરમ પડતાં આજે ભારતમાં સોનાના ભાવ ઊછળ્યા હતા. મુંબઈમાં હાજરમાં સોનું ૫૫૦ વધી ૫૨,૪૦૦ રૂપિયા અને અમદવાદમાં ૫૨૫ વધી ૫૨,૩૬૫ રૂપિયાની વધુ એક ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. ભારતમાં સતત ત્રીજા દિવસે સોનાના ભાવ વધી ગયા હતા. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૧૯૧ ખૂલી, ઉપરમાં ૫૦,૭૦૭ અને નીચામાં ૫૦,૧૨૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૯૮ વધીને ૫૦,૪૭૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૦૨ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૫૯૨ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૮ વધીને ૧ ગ્રામદીઠ ૫૦૩૧ રૂપિયા થયા હતા.

business news