અમેરિકન શૅરબજારમાં વધતા સોનાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો

30 January, 2020 07:48 AM IST  |  Mumbai | Bullion Watch

અમેરિકન શૅરબજારમાં વધતા સોનાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો

ગોલ્ડ

મંગળવારે કોરોના વાઇરસની દહેશત એક તરફ મૂકીને વૈશ્વિક શૅરબજારમાં આવેલી તેજીને પગલે સોના-ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. સોનાના ભાવ ટેકનિકલ રીતે પ્રતિકારની સપાટીનો સામનો કરી રહ્યા હોવાથી પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. હવે બજાર આ સપાટીએ થોડો સમય અથડાઈને ફન્ડામેન્ટલ અને ટેકનિકલ પરિબળોના આધારે પોતાની નવી ચાલ નક્કી કરી શકે એવી શક્યતા છે. જોકે સોનાના ભાવમાં નીચા મથાળે વાઇરસના સમાચારોને કારણે ટેકો મળી રહેશે, પણ ૧૬૦૦ ડૉલર નજીક એમાં વેચવાલી પણ આવી શકે છે.

દરમ્યાન, આજે બજારની નજર ફેડરલ રિઝર્વના નિર્ણય પર રહેશે. વ્યાજદર સ્થિર રહે એમ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, પણ ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક બાદ ચૅરમૅન જેરોમ પૉવેલનું નિવેદન અને તેમના અમેરિકન અર્થતંત્રના આકલન પર બજારની નજર છે. આ બેઠક પહેલાં અત્યારે સોનાના ભાવ ઘટાડે મજબૂત જોવા મળી રહ્યા છે.

વૈશ્વિક બજારમાં કૉમેક્સ ખાતે સોનાનો વાયદો માત્ર ૧૫ સેન્ટ વધીને ૧૫૬૯.૯૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી વાયદો ૧ સેન્ટ વધીને ૧૭.૪૭૭ ડૉલર પ્રતિ ઔંસ છે. હાજરમાં ભાવ ૨.૩૯ ડૉલર વધી ૧૫૬૯.૫૬ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૧૭.૪૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ સ્થિર છે.

સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૧૧૧ ખૂલી, ઉપરમાં ૪૦૩૫૯ રૂપિયા અને નીચામાં ૪૦૦૬૬ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૬૪ વધીને ૪૦૩૦૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૩ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૨૧૩૫ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૬ વધીને ૧ ગ્રામદીઠ ૪૦૪૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭ વધીને બંધમાં ૪૦૨૩૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજર ચાંદી ૧૧૪૦ ઘટી ૪૬,૭૭૦ અને અમદાવાદમાં ૧૨૨૦ ઘટી ૪૬,૮૦૦ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫૩૯૦ ખૂલી, ઉપરમાં ૪૫૬૭૦ અને નીચામાં ૪૫૨૫૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૨૬ વધીને ૪૫૬૦૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૨૯ વધીને ૪૫૬૨૩ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૧૯ વધીને ૪૫૬૧૨ રૂપિયા બંધ રહ્યા હતા.

business news