ભારતમાં સોનાનો ભાવ 54100 રૂપિયા ઉપર

28 July, 2020 12:59 PM IST  |  Mumbai | Bullion Watch

ભારતમાં સોનાનો ભાવ 54100 રૂપિયા ઉપર

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં ગઈ કાલે નવો ઇતિહાસ રચાયો હતો. ડૉલરની દૃષ્ટિએ સોનાના ભાવ માનવ સતિહાસની સૌથી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. આના પગલે પહેલેથી ઐતિહાસિક ઊંચી સપાટીએ રહેલા ભારતમાં પણ તોલાના ભાવ વધુ ઊંચી સપાટી ૫૪૧૦૦ રૂપિયાને પાર કરી ગયા હતા. અમેરિકન ડૉલર વૈશ્વિક ચલણો સામે બે વર્ષની નીચી સપાટીએ પટકાતાં, કોરોના વાઇરસના વધી રહેલા કેસ અને અમેરિકા-ચીન વચ્ચેની તંગદિલીથી સોનું સતત વધી રહ્યું છે. સોનાના ભાવમાં ૧૮૦૦ ડૉલરથી ૧૯૦૦ ડૉલરની તેજી માત્ર ૧૪ જ દિવસમાં પૂર્ણ થઈ ગઈ છે. માત્ર ડૉલર નબળો પડવાથી નહીં, પણ સોનામાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડની વિક્રમી ખરીદીથી પણ ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ગઈ કાલે પહેલા હાજરમાં સોનાના ભાવ ૧૯૨૦ ડૉલરની સર્વાધિક ઊંચી સપાટી પાર કર્યા પછી વાયદામાં ભાવ વધ્યા હતા. કોમેક્સ ખાતે ઑગસ્ટ વાયદો ગઈ કાલે ૧૯૪૧ ડૉલર પ્રતિ ઔંસની ઊંચી સપાટીએ હતો અને પછી અમેરિકન સત્રમાં હળવા પ્રૉફિટ બુકિંગથી ઘટી ૧૯૩૦.૮ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. ડિસેમ્બર વાયદો ૧.૮૨ ટકા કે ૩૫.૧૦ ડૉલર વધી ૧૯૬૦.૩૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ઑગસ્ટ ૨૦૨૧નો વાયદો ૨૦૦૦ ડૉલરની સપાટી દર્શાવી રહ્યો છે. હાજરમાં સોનું અત્યારે ૧.૭૩ ટકા કે ૩૨.૯૫ ડૉલર વધી ૧૯૩૪.૯૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

ડૉલર નબળો પડવાથી સોનામાં વધારો

ડૉલર નબળો પડે ત્યારે સોનાના ભાવ વધે છે અને ડૉલર વધે તો સોનાના ભાવ ઘટે છે. સોનું કે અન્ય કૉમોડિટીના ભાવ જે અમેરિકન ડૉલરમાં નક્કી થાય છે એના ભાવ પર એની સીધી અસર જોવા મળે છે, કારણ કે ડૉલર નબળો પડવાથી જે ચલણમાં અમાએ રોકાણ કરવાનું હોય છે એમાં રોકાણ વધારે આકર્ષક બને છે.

છેલ્લાં સાત સપ્તાહથી ડૉલર સતત ઘટી રહ્યો છે અને સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ડૉલર આ સાત સપ્તાહમાં ૩.૯ ટકા ઘટી ગયો છે અને સોનાના ભાવ ૧૦.૬ ટકા વધ્યા છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ શરૂ થયું ત્યારથી પણ ડૉલર ઘટ્યો છે. આ સમયમાં ૨.૮૪ ટકા ઘટ્યો છે અને સોનું ૨૪.૩ ટકા વધ્યું છે. આ દર્શાવે છે કે સોનાના ભાવ માત્ર ડૉલરના નબળા પડવાથી ઘટી રહ્યા નથી.

વૈશ્વિક બજારમાં ડૉલર બે વર્ષની નીચી સપાટીએ

અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી, કોરોનાના વધી રહેલા કેસ અને બજારમાં પુષ્કળ નાણાપ્રવાહિતાના કારણે ઇમર્જિંગ ઇકૉનૉમી તરફ ફંટાઈ રહેલા ડૉલરપ્રવાહના કારણે અમેરિકન ડૉલર ગઈ કાલે બે વર્ષની નીચી સપાટીએ પટકાયો હતો. અમેરિકન ડૉલર ગઈ કાલે યુરો અને સેફ હેવન ગણાતા જૅપનીઝ યેન સામે સૌથી વધુ પટકાયો હતો. ડૉલર ઇન્ડેક્સમાં છેલ્લા સાત દિવસથી અને સતત છ સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભારતીય બજારમાં સોનું ૫૪,૧૦૦ રૂપિયાની વિક્રમી સપાટીએ

શુકવારે ભારતીય બજાર બંધ રહ્યાં પછી અમેરિકન સત્ર ચાલુ થયું ત્યારથી સોનાના ભાવમાં જોવા મળેલી વિક્રમી તેજીના પગલે ભારતમાં ભાવ વધુ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. ગઈ કાલે મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૧૫૦ ઊછળી ૫૪,૧૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૧૫૫ ઊછળી ૫૪,૧૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પર હતા. ચાલુ મહિનામાં જ ભારતમાં સોનાના હાજરમાં ભાવ ૪૦૧૦ રૂપિયા વધી ગયા છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં સોનાના ભાવ ૧૩,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ વધ્યા છે. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૭૪૯ ખૂલી, ઉપરમાં ૫૨,૨૨૦ અને નીચામાં ૫૧,૬૫૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૧૨૨ વધીને ૫૨,૧૫૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૮૦૧ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૯૬૮ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૯ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૮૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૦૭ વધીને બંધમાં ૫૨,૨૨૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

business news