રોકાણકારો સોનું વેચી શૅર તરફ વળી રહ્યા હોવાથી સોનું 1500 ડૉલર નજીક

22 August, 2019 01:00 PM IST  |  મુંબઈ | બુલિયન વૉચ

રોકાણકારો સોનું વેચી શૅર તરફ વળી રહ્યા હોવાથી સોનું 1500 ડૉલર નજીક

ગોલ્ડ

આ મહિનાની ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજનો દર અપેક્ષિત રીતે ૦.૨૫ ટકા ઘટ્યો હતો. આ બેઠક બાદ ફેડરલના અધ્યક્ષ જેરોમ પોવેલની પત્રકાર પરિષદમાં આગામી વ્યાજદર વિશે કોઈ સંકેત મળ્યા નથી. આજે આ બેઠકની મિનિસ્ટ્સ ઑફ થઈ મીટિંગ જાહેર થવાની છે. આ અગાઉ શૅરના ભાવ વૈશ્વિક બજારમાં વધી રહ્યા છે એટકે કે રોકાણકારો જોખમ લઈ રોકાણ કરવા તરફ વળી રહ્યા હોવાથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

હાજરમાં સોનુ આજે ૭.૨૧ ડૉલર કે ૦.૫ ટકો ઘટી ૧૫૦૦.૨૦ ડૉલરની સપાટીએ છે. ન્યુ યૉર્ક ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો પણ ૫.૫૫ ડૉલર ઘટી ૧૫૧૦.૧૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. સોનાના પગલે ચાંદીના ભાવ પણ અડધો ટકો ઘટી ૧૭.૦૬ ડૉલર પ્રતિ ઔંસ છે. અન્ય ધાતુઓમાં પેલેડિયમ ૦.૬ ટકા ઘટી ૧૪૮૧.૨૦ ડૉલર અને પ્લેટિનમ ૦.૫ ટકા ઘટી ૮૪૯.૯૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

બીજી તરફ, અમેરિકન બૉન્ડ યીલ્ડ ગયા સપ્તાહે મંદીના સંકેતો આપી રહ્યા હતા જેમાં સુધારો જોવા મળ્યો છે એટલે અત્યારે સોના કરતાં જોખમ ઉઠાવી શૅરમાં રોકાણ કરવાનું આકર્ષણ વધ્યું છે અને એના કારણે છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચેલા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજાર માટે મોટી ઘટના ફેડની મિનિટ્સ કરતાં શુક્વારે પોવેલની જેક્સન હૉલની સ્પીચ વધારે મહત્ત્વની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ  ટ્રમ્પ બજારને ખાતરી આપી રહ્યા છે કે મંદીની કોઈ શક્યતા નથી. તેઓ વ્યાજના દર ઘટાડવા માટેની હિમાયત પણ કરી રહ્યા છે. પોવેલ પોતાની સ્પીચમાં આ વિશે કોઈ સંકેત આપે છે કે નહીં એની ઉપર બજારની નજર રહેશે.

ભારતમાં વાયદા અને હાજરમાં ઘટાડો

ભારતીય બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ ખાતે ૨૪ કૅરેટ સોનું હાજરમાં ૧૬૫ ઘટી ૩૮,૭૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. ચાંદીના ભાવ જોકે ૧૦ રૂપિયા પ્રતિ કિલો વધ્યા હતા.

એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૯૦૩ ખૂલી, ઉપરમાં ૩૭,૯૬૦ અને નીચામાં ૩૭,૮૧૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૭૪ ઘટીને ૩૭,૯૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦,૦૪૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૭૮૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૮૫ ઘટીને બંધમાં ૩૭,૫૫૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩,૭૦૬ ખૂલી, ઉપરમાં ૪૩,૭૯૫ અને નીચામાં ૪૩,૫૪૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૯૯ ઘટીને ૪૩,૭૪૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૯૯ ઘટીને ૪૩,૭૪૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૦૨ ઘટીને ૪૩,૭૪૪ રૂપિયા બંધ રહ્યો હતો.

રૂપિયામાં આંશિક વધારો

બે સપ્તાહથી ડૉલર સામે સતત નબળો પડી રહેલો રૂપિયો મંગળવારે ૭૧.૭૧ની છ મહિનાની નીચી સપાટીએ બંધ આવ્યો હતો. જોકે આજે વિદેશી બજારમાં ડૉલર નબળો પડતાં રૂપિયો પણ મજબૂત થયો હતો. ડૉલર સામે રૂપિયો આજે ૧૬ પૈસા વધી ૭૧.૫૫ની સપાટીએ બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો નબળો પડે તો સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે. ભારત સોનાની આયાત કરતો દેશ છે અને સ્થાનિક ચલણ મજબૂત બને તો ભાવમાં ઘટાડો આવે છે. ગયા સપ્તાહમાં રૂપિયો ડૉલર સામે ૩૬ પૈસા અને આ સપ્તાહના પ્રથમ બે દિવસમાં ૫૭ પૈસા નબળો પડ્યો હતો.

business news