નક્કર પરિબળના અભાવે સોનું 1550 ડૉલરની મહત્વની સપાટી પર ટકી રહેવામાં સફળ

24 January, 2020 10:16 AM IST  |  Mumbai | Bullion Watch

નક્કર પરિબળના અભાવે સોનું 1550 ડૉલરની મહત્વની સપાટી પર ટકી રહેવામાં સફળ

ગોલ્ડ

કોઈ મહત્વના ટેકા કે નકારાત્મક પરિબળના અભાવે સોનું સાંકડી વધઘટ સાથે બજારમાં અથડાઈ રહ્યું છે. ચીનના કોરોના વાઇરસની અસર સામે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર નરમ રહેશે એવો સંકેત આપ્યો હોવા છતાં કોઈ મોટી ખરીદી જોવા મળી રહી નથી. વિદેશી બજારમાં ડૉલરની મજબૂતી અને શૅરબજારમાં વિક્રમી ઉત્સાહના કારણે ભાવ વધી રહ્યા નથી.

ચીનમાં કોરોના વાઇરસનો વ્યાપ વધી રહ્યો છે અને મૃત્યુ આંક વધી રહ્યો છે. ચીન વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકર છે એટલે એની અસર સીધી સોનાના ભાવ પર પડી રહી છે. ક્રૂડ ઑઇલના ઘટી રહેલા ભાવ એવો સંકેત આપી રહ્યા છે કે આર્થિક ગતિવિધિઓ પર ચીનના વાઇરસની અસર પડી શકે એવી નાણાબજારની ગણતરી છે. સામાન્ય સંજોગોમાં આર્થિક મંદીનો સંકેત સોનાને તેજીનું બળ આપે છે, પણ ચીનના કારણે ભાવમાં કોઈ મોટો ઉછાળો નથી. આ ઉપરાંત, અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલી ઇમ્પીચમેન્ટની કાર્યવાહી, લિબિયા અને અખાતના દેશોમાં અશાંતિની અસરથી ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે.

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ગઈ કાલે ધિરાણનીતિની સમીક્ષામાં અપેક્ષા અનુસાર વ્યાજના દર સ્થિર રાખ્યા હતા અને સંકેત આપ્યા હતા એ વ્યાજદરમાં વધારો કરવા માટે હાલમાં કોઈ કારણ નથી. બૅન્કે જણાવ્યું હતું કે હજી લાંબા ગાળા માટે વ્યાજના દર સ્થિર રહી શકે છે. આ જાહેરાત પછી ઑન સોનું ૧૫૫૦ ડૉલર પ્રતિ ઔંસની ટેક્નિકલ રીતે મહત્ત્વની સપાટીએ ટકેલું છે.

અમેરિકામાં ગુરુવારે બજાર ખૂલી ત્યારે કોમેક્સ ફેબ્રુઆરી સોનાનો વાયદો ૦.૦૬ ટકા કે ૯૫ સેન્ટ ઘટી ૧૫૫૫.૭૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી માર્ચ વાયદો ૦.૬૮ ટકા કે ૧૨ સેન્ટ ઘટી ૧૭.૭૦૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. હાજરમાં સોનું ૨.૧૯ ડૉલર ઘટી ૧૫૫૬.૫૯ અને ચાંદી ૧૪ સેન્ટ ઘટી ૧૭.૭૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૫ ઘટી ૪૧,૧૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૧,૨૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૯,૯૦૪ ખૂલી ઉપરમાં ૩૯,૯૯૯ રૂપિયા અને નીચામાં ૩૯,૮૪૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૯ ઘટીને ૩૯,૮૮૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૭૦ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૧,૭૨૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૪ વધીને ૧ ગ્રામદીઠ ૩૯૬૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૯ ઘટીને બંધમાં ૩૯,૮૬૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજર ચાંદી ૨૪૦ ઘટી ૪૭,૦૬૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૩૫ ઘટી ૪૭,૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૧૭૫ ખૂલી ઉપરમાં ૪૬,૨૧૯ રૂપિયા અને નીચામાં ૪૫,૮૬૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૧૪ ઘટીને ૪૫,૯૧૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૧૦ ઘટીને ૪૫,૯૪૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૩૦૫ ઘટીને ૪૫,૯૪૯ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયામાં ફરી નબળાઈ

એક દિવસ મક્કમ રહ્યા બાદ ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ફરી ઘટીને બંધ આવ્યો હતો. શૅરબજારમાં તેજી હતી, ક્રૂડ ઑઇલના ભાવ છ સપ્તાહની નીચી સપાટીએ હતા છતાં ચીનમાં વાઇરસના જોખમથી સમગ્ર એશિયાઈ ચલણો ડૉલર સામે નબલાં થઈ રહ્યાં હતાં અને એની અસર રૂપિયા પર પડી હતી. ડૉલર સામે રૂપિયો ૭૧.૨૧ની નરમ સપાટીએ ખૂલ્યા પછી ઘટીને ૭૧.૩૫ થયા હતા. દિવસના અંતે રૂપિયો ૭ પૈસા ઘટી ૭૧.૨૬ની સપાટીએ બંધ આવ્યો હતો.

business news