ડૉલરની મજબૂતી વચ્ચે સોના અને ચાંદીની તેજી અટકી

08 September, 2020 09:01 AM IST  |  Mumbai | Bullion Watch

ડૉલરની મજબૂતી વચ્ચે સોના અને ચાંદીની તેજી અટકી

ગોલ્ડ

ડૉલરના મૂલ્યમાં જોવા મળી રહેલી વૃદ્ધિના લીધે સોના અને ચાંદીના ભાવમાં તેજી પર બ્રેક લાગી ગઈ છે. એક તરફ અમેરિકન અર્થતંત્રની મજબૂતીની આશાઓ છે, બીજી તરફ આ વૃદ્ધિ ટકી શકે કે કેમ તેની ચિંતાઓ છે. આ બન્ને સ્થિતિનાં પરિણામ વચ્ચે ભાવ અથડાઈ રહેલા જોવા મળે છે. ગઈ કાલે રાબેતા મુજબનું સત્ર રજા હોવાથી બંધ છે પણ અત્યારે સોનાના ભાવમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે.

ડૉલરની મજબૂતીથી સોનાની ખરીદી અને સંગ્રહ અન્ય ચલણમાં મોંઘો બને છે. સામે વ્યાજના દર શૂન્યની નજીક છે એટલે વાર્ષિક ધોરણે સોનું ૨૭ ટકા જેટલું વધેલું છે. શુક્રવારે પૂરા થયેલા સપ્તાહમાં સોનાના ભાવ અઢી ટકા ઘટી બંધ આવ્યા હતા. સોનાની સાથે ચાંદીના ભાવ પણ ૩.૮૭ ટકા ઘટ્યા હતા. અમેરિકન ડૉલરમાં જોવા મળેલા ઉછાળાના કારણે બન્ને ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગઈ કાલે યુરોપિયન બજારના અંત તરફ કૉમેકસ સોનું ડિસેમ્બર વાયદો ૦.૨૦ ટકા કે ૩.૮૦ ડૉલર વધી ૧૯૩૮.૧૦ અને હાજરમાં ૦.૧૮ ટકા કે ૩.૪૦ ડૉલર ઘટી ૧૯૩૦.૫૪ ડૉલર પ્રતિ ઔંસ રહ્યા છે. ચાંદી ડિસેમ્બર વાયદો ૧.૨૫ ટકા કે ૩૩ સેન્ટ વધી ૨૭.૦૫ અને હાજરમાં ૦.૩૦ ટકા કે ૮ સેન્ટ ઘટી ૨૬.૮૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

બજાર માટે આગામી દિવસોમાં યુરોપિયન સંઘના ડેટા ઉપર નજર રહેશે. યુરોપિયન યુનિયનમાં અર્થતંત્ર કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદર અને ધિરાણ નીતિ અંગે કેવું નિવેદન આપે છે તેના આધારે બુલિયનમાં તેજી કે મંદી નક્કી થશે. ડૉલરમાં જો મજબૂતી આગળ વધે તો ભાવ પ્રોફિટ બુકિંગમાં એક તબક્કે ૧૯૦૦ ડૉલરની નીચે પણ આવી શકે છે.

ભારતમાં સોનું અને ચાંદી મક્કમ

એશિયાઇ સત્ર દરમ્યાન સોનાના ભાવ મક્કમ રહ્યા હતા અને ભારતમાં ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. હાજરમાં મુંબઈ સોનું ૬૦ વધી ૫૨,૯૫૦ અને અમદાવાદ ખાતે ૫૦ વધી ૫૨,૮૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા.

એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૮૦૧ ખૂલી, ઉપરમાં ૫૦,૮૭૩ અને નીચામાં ૫૦,૬૮૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૩૭ વધીને ૫૦,૮૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૫૮ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૨૬૮ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૮ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૬૧ થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૩૦ વધીને બંધમાં ૫૦,૮૯૧ના ભાવ રહ્યા હતા.

ભારતમાં ગત સપ્તાહે કેરળ અને દક્ષિણનાં રાજ્યોમાં સોનાની સામાન્ય ખરીદી જોવા મળી હોવાના સંકેત વેપારીઓએ આપ્યા હતા. બુલિયન ટ્રેડિંગમાં તા. ૨૮ ઑગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં હાજર ભાવમાં ૪૩ ડૉલર પ્રતિ ઔંસના ડિસ્કાઉન્ટ સામે તા. ૪ સપ્ટેમ્બરના સપ્તાહમાં ઘટી ૪૦ ડૉલર પ્રતિ ઔંસનું ડિસ્કાઉન્ટ હતું. બીજી તરફ ભારતમાં છ મહિનાથી સતત ઘટી રહેલી આયાતના કારણે હાજરમાં માલ નહીં હોવાથી પણ ડિસ્કાઉન્ટમાં ઘટાડો થયો છે. એશિયાનાં અન્ય બજારોમાં ચીન, તાઇવાન અને હૉન્ગકૉન્ગમાં હાજર ભાવમાં વૈશ્વિક ભાવ સામે બુલિયન ટ્રેડર્સ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

દરમ્યાન ચાંદી હાજર અને વાયદામાં સામસામાં રાહ જોવા મળ્યા હતા. હાજરમાં ભાવ ઘટ્યા હતા અને વાયદા વધ્યા હતા. મુંબઈ હાજર ચાંદી  ૧૮૦ ઘટી ૬૬,૯૧૦ અને અમદાવાદ ખાતે ૧૭૦ ઘટી ૬૬,૮૯૦ રૂપિયા પ્રતિ કિલો હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૮,૨૩૨ ખૂલી, ઉપરમાં ૬૮,૩૯૮ અને નીચામાં ૬૭,૭૩૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૭૨૯ વધીને ૬૭,૯૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭૬૪ વધીને ૬૭,૯૬૧ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૭૮૭ વધીને ૬૭,૯૬૩ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર મજબૂત, રૂપિયો નબળો પડ્યો

વૈશ્વિક બજારમાં ડૉલર મજબૂત થયો હતો અને તેની અસરથી ભારતીય ચલણમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હતો. ક્રૂડ ઑઈલના ભાવમાં ઘટાડાથી ભારતીય ચલણને કોઈ ફાયદો થયો ન હતો. શુક્રવારે ડૉલર સામે ૭૩.૧૪ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૩.૧૭ ખૂલી ઘટીને ૭૩.૪૪ થઈ દિવસના અંતે ૨૧ પૈસા ઘટી ૭૩.૩૫ બંધ રહ્યો હતો.

શુક્રવારે અમેરિકામાં બેરોજગારી ઘટી હોવાના આંકડા જાહેર થયા હતા અને તેના કારણે ડૉલરને ટેકો મળ્યો હતો. અમેરિકન અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે અને યુરોપિયન યુનિયન સતત વધી રહેલા યુરોથી ચિંતામાં હોવાના કારણો વચ્ચે ડૉલરમાં ખરીદી નીકળી હતી. ગત સપ્તાહે પણ ડૉલર વધીને બંધ આવ્યો હતો. અમેરિકન ડૉલરનું વિશ્વનાં છ ચલણો સામે મૂલ્ય દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે સપ્તાહમાં ૦.૩૯ ટકા વધી બંધ આવ્યો હતો. ગઈ કાલે અમેરિકામાં રજા છે એટલે કરન્સી, સ્ટૉક માર્કેટ અને કૉમોડિટીઝ માર્કેટ બંધ છે, પણ યુરોપિયન સત્ર પૂરું થયું ત્યારે ડૉલર ઇન્ડેક્સ ૦.૩૫ ટકા વધી ૯૩.૦૪૫ હતો.

business news