ચીનના કોના વાઇરસથી માગ ઘટશે એવી દહેશતથી સોના-ચાંદીમાં પીછેહઠ

22 January, 2020 11:04 AM IST  |  Mumbai | Bullion Watch

ચીનના કોના વાઇરસથી માગ ઘટશે એવી દહેશતથી સોના-ચાંદીમાં પીછેહઠ

ગોલ્ડ

છેલ્લાં ત્રણ સપ્તાહથી દર વખતે સાપ્તાહિક વૃદ્ધિ સાથે બંધ આવેલા, સોમવારે અખાતમાં લિબિયાની કટોકટીના કારણે મજબૂત થેયલા સોનાના ભાવની તેજી ગઈ કાલે અટકી હતી. તેજીમાં ખાંચરો આવવા માટે ચીનમાં કોના વાઇરસનો વધી રહેલો વ્યાપ જવાબદાર છે.

ચીન વિશ્વનો સૌથી મોટો સોનાનો ખરીદનાર દેશ છે. વાઇરસ જીવલેણ છે અને એ માનવથી માનવ ચેપ દ્વારા ફેલાઈ શકે છે એવા સત્તા વાર અહેવાલ પછી જો આ વાઇરસ વધુ વ્યાપક બને તો ગ્રાહકોની ખરીદીની માનસિકતા પર અસર પડી શકે અને સોનાની માગ પણ ઘટે એટલે આજે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે અમેરિકન બજાર બંધ હતાં, પણ એશિયાઈ બજારમાં ભાવ મક્કમ હતા. ગઈ કાલે માર્કેટ ખૂલતાની સાથે જ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. સૌથી ચિંતાની વાત એ છે કે ચીનમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ એ સમયે જ આ વાઇરસ દેખાયો છે.

વૈશ્વિક હાજર બજારમાં સોનું ૮.૭૨ ડૉલર કે ૦.૫૬ ટકા ઘટી ૧૫૫૨.૦૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૧.૯૪ ટકા કે ૦.૩૫ ડૉલર ઘટી ૧૭.૭૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળી રહ્યા છે. કોમેક્સ ખાતે ફેબ્રુઆરી વાયદો ૦.૬૪ ટકા ૧૦.૦૫ ડૉલર ઘટી ૧૫૫૦.૨૫ અને ચાંદી ૨.૧૩ ટકા ઘટી ૧૭.૬૮૮ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહી છે.

વૈશ્વિક બજરમાં સોનાના ભાવમાં જોવા મળેલી પીછેહઠ અને સ્થાનિકમાં ઊંચા ભાવે ઘરાકીના અભાવ વચ્ચે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી જોકે નીચા મથાળે ભાવને ટેકો મળ્યો હતો.

મુંબઈ ખાતે હાજરમાં સોનું ૬૦ ઘટી ૪૧,૨૨૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૮૫ ઘટી ૪૧,૨૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૦૯૦ ખૂલી ઉપરમાં ૪૦,૧૭૬ અને નીચામાં ૩૯,૮૨૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૯૪ ઘટીને ૩૯,૮૫૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૫ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૧,૮૪૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૮ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૯૬૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૫ ઘટીને બંધમાં ૩૯,૮૩૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ખાતે ચાંદી ૨૧૦ ઘટી ૪૭,૮૧૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૭૫ ઘટી ૪૭,૮૯૫ રૂપિયા પ્રતિ કિલો બંધ હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૮૨૬ ખૂલી ઉપરમાં ૪૬,૯૯૮ અને નીચામાં ૪૬,૪૮૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૫૨ ઘટીને ૪૬,૫૪૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિનિ ફેબ્રુઆરી ૧૫૦ ઘટીને ૪૬,૫૬૮ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૫૮ ઘટીને ૪૬,૫૬૩ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે ચોથા દિવસે પણ રૂપિયો નબળો

ડૉલર સામે રૂપિયો સતત ચોથા દિવસે પણ ગઈ કાલે નબળો પડીને બંધ આવ્યો હતો. ભારતનો આર્થિક વિકાસ અગાઉની ધારણા કરતાં પણ નબળો રહેશે, શૅરબજારમાં આવેલી વેચવાલી, ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ જેવા કારણસર ગઈ કાલે પણ ડૉલર સામે રૂપિયો નબળો રહ્યો હતો. સોમવારે રૂપિયો ૭૧.૧૧ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈ કાલે વધુ નબળો પડી ૭૧.૧૭ ખુલ્યો હતો. દિવસમાં એક તબક્કે વધીને ૭૧.૧૩ અને ઘટીને ૭૧.૨૪ થયા પછી દિવસના અંતે ૭૧.૨૧ની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે રૂપિયો ૧૦ પૈસા ઘટ્યો હતો.

business news