સોના-ચાંદીના ભાવ રોજગારીના આંકડા પચાવી મજબૂત

04 July, 2020 12:09 PM IST  |  Mumbai | Bullion Watch

સોના-ચાંદીના ભાવ રોજગારીના આંકડા પચાવી મજબૂત

ગોલ્ડ, સિલ્વર

અમેરિકામાં નવી રોજગારી-સર્જનના આંકડા ધારણા કરતાં વધારે આવ્યા પછી તીવ્ર રીતે ઘટેલા સોનાના ભાવમાં ફરી તેજીનો ભડકો જોવા મળ્યો હતો અને ખરીદી નીકળતાં સોનાનો ઑગસ્ટ વાયદો ૦.૫૭ ટકા વધી ૧૭૯૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર બંધ આવ્યો હતો. શુક્રવારે અમેરિકન બજારો ઇન્ડિપેડન્સ ડેની રજાને કારણે બંધ છે, પણ એશિયા અને યુરોપના ટ્રેડિંગમાં નિરુત્સાહ વાતાવરણમાં સોનું આંશિક ઘટ્યું હતું. સોનાની જેમ ચાંદી સપ્ટેમ્બર વાયદો પણ ગુરુવારે ૦.૫૭ ટકા વધ્યો હતો અને આજે થોડો નરમ છે.

સાપ્તાહિક ધોરણે સતત ચાર સપ્તાહથી સોનું વધી રહ્યું છે અને આ સપ્તાહમાં ૦.૩૮ ટકા વધ્યું છે. ચાંદીના ભાવમાં પણ ચાર સપ્તાહથી વધારો થયો છે. આ સપ્તાહમાં ચાંદી ૧.૪૪ ટકા વધી છે. યુરોપિયન સત્રના અંતે સોનું ઑગસ્ટ વાયદો ૦.૧૩ ટકા ઘટી ૧૭૮૭.૭૫ ડૉલર અને ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૧૯ ટકા ઘટી ૧૮.૨૮૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ હતો. આજે હાજરમાં સોનું ૦.૦૨ ટકા કે ૩૦ સેન્ટ વધી ૧૭૭૫.૬૮ અને ચાંદી ૭ સેન્ટ વધી ૧૮.૦૩ ડૉલર પ્રતિ ઔંસ રહ્યા હતા.

મે મહિનામાં પણ વૈશ્વિક સેન્ટ્રલ બૅન્કની ખરીદી યથાવત્

વૈશ્વિક સેન્ટ્રલ બૅન્ક દ્વારા મે મહિનામાં ૩૯ ટન જેટલા સોનાની ખરીદી કરવામાં આવી છે જે અગાઉના માર્ચ અને એપ્રિલની આસપાસ જ છે તથા છેલ્લા ચાર મહિનાની સરેરાશ ૩૫ ટનની ખરીદી કરતાં થોડી વધુ છ. જોકે જૂન ૨૦૧૯થી મે ૨૦૨૦ના ૧૨ મહિનાના સમયગાળામાં સોનાની કુલ ખરીદી ૩૧ ટકા ઘટી ૧૮૧ ટન જોવા મળી છે. મે મહિનામાં જોકે માત્ર કેટલીક બૅન્કોએ જ ખરીદી કરી હતી. ટર્કીની સેન્ટ્રલ બૅન્કે ૩૬.૮ ટનની ખરીદી કરી પોતાનું કુલ ગોલ્ડ રિઝર્વ ૫૬૦.૮ ટન સુધી પહોંચાડ્યું છે. આ ઉપરાંત ઉઝબેકિસ્તાન દ્વારા પણ ૬.૮ ટન સોનાની ખરીદી કરવામાં આવી છે.

મક્કમ વિદેશી બજારથી ભારતમાં પણ સોના-ચાંદી મજબૂત

વૈશ્વિક બજારમાં ગુરુવારે અમેરિકન સત્રમાં સોનાના ભાવમાં આવેલા ઉછાળા અને તેજીના પગલે ભારતમાં પણ ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે ડૉલર સામે રૂપિયો સતત વધી રહ્યો હોવાથી ભારતમાં આયાત પર નિર્ભર બન્ને ધાતુની પડતર ઘટી હોવાથી ભાવમાં તેજી પર લગામ લાગી હતી. મુંબઈમાં હાજરમાં સોનું આજે ૨૩૫ વધી ૫૦,૧૧૦ રૂપિયા અને અમદાવાદમાં ૨૩૦ વધી ૫૦,૦૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. આજે ચાંદીના ભાવ ૧૪૫ વધી ૫૦,૧૪૫ અને હાજરમાં ૧૪૦ વધી ૫૦,૦૯૦ રૂપિયા બંધ રહ્યા હતા.

બીજા સપ્તાહે પણ રૂપિયો મજબૂત, ૯૯ પૈસાનો ઉછાળો

વૈશ્વિક બજારમાં ડૉલરની નબળાઈ અને એશિયા અને ઇમર્જિંગ માર્કેટમાં આવી રહેલા રોકાણપ્રવાહની સાથે ડૉલર સામે આજે પૂરા થયેલા સપ્તાહમાં વધીને બંધ આવ્યો હતો. ગુરુવારે ૭૫.૦૪ બંધ રહેલો રૂપિયો આજે ૭૪.૬૦ની મજબૂત સપાટીએ ખૂલ્યા બાદ ૩૮ પૈસા વધી ૭૪.૬૬ની સપાટીએ બંધ આવ્યો છે. ગુરુવારે ડૉલર સામે રૂપિયો ત્રણ મહિનાની ઊંચી સપાટીએ બંધ આવ્યા બાદ આજે પણ એમાં એકતરફી ઉછાળો જોવા મળ્યો છે.

જાન્યુઆરીમાં ચીનમાં કોરોના વાઇરસની અસર જોવા મળ્યા પછી સતત ત્રણ મહિના સુધી વધેલા ડૉલરનાં એપ્રિલ મહિનાથી વળતાં પાણી થયાં છે. બજારમાં વૈશ્વિક સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઠાલવવામાં આવેલાં પુષ્કળ નાણાં અને પછી લૉકડાઉન હટી જતાં બેઠી થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિને કારણે ડૉલરના ભાવ ગબડી રહ્યા છે. વૈશ્વિક ૬ ચલણો સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ એપ્રિલ, મે અને જૂન મહિનામાં સતત ઘટ્યા બાદ આ સપ્તાહે પણ ૦.૧૩ ટકા ઘટ્યો છે. છેલ્લાં બે સપ્તાહમાં ડૉલર કુલ ૦.૩૧ ટકા ઘટ્યો છે.

business news