સોનામાં ફરી ઊંચા મથાળે થાક ખાતી તેજી : ભારતમાં ભાવમાં આંશિક ઘટાડો

01 February, 2020 10:03 AM IST  |  Mumbai | Bullion Watch

સોનામાં ફરી ઊંચા મથાળે થાક ખાતી તેજી : ભારતમાં ભાવમાં આંશિક ઘટાડો

ગોલ્ડ

ચીનમાં કોરોના વાઇરસ અંકુશમાં આવી શકે છે કે નહીં એવા સમાચાર પર નજર રાખીને સોનાના ભાવમાં વધ-ઘટ જોવા મળી રહી છે. ગુરુવારે સોનાના ભાવ એક તબક્કે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી જોવા મળેલા પ્રૉફિટ-બુકિંગમાં ઘટી ગયા હતા. સોનાના ભાવમાં અત્યારે ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી નજીક ટ્રેડર વેચી રહ્યા છે અને ૧૫૬૦ ડૉલરની સપાટી આસપાસ ખરીદી જોવા મળી રહી છે.

દરમ્યાન વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચીન થોડા દિવસોમાં જ વાઇરસના વ્યાપ પર નિયંત્રણ મેળવી લેશે.

શૅરબજારમાં એશિયા, યુરોપ અને અમેરિકામાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે. સોનામાં ફેબ્રુઆરી વાયદો ૪.૫૦ ડૉલર ઘટીને ૧૫૭૯ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૧૬ સેન્ટ ઘટી ૧૭.૮૨૮ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યા છે. બીજી તરફ હાજરમાં સોનું ૬.૧૫ ડૉલર કે ૦.૩૯ ટકા વધી ૧૫૮૦.૪૩ અને ચાંદી ૧૭.૮૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ સ્થિર છે.

ડૉલર સામે રૂપિયો તીવ્ર ગતિએ ઊછળતાં ભારતીય બજારમાં હાજરમાં અને વાયદામાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં સોનું ૩૦ રૂપિયા ઘટીને ૪૧,૯૯૦ અને અમદાવાદમાં ૭૦ ઘટી ૪૨,૦૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૧૦૧૪ ખૂલી, ઉપરમાં ૪૧૦૧૪ અને નીચામાં ૪૦૫૭૧ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૨૨૪ ઘટીને ૪૦૭૫૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૧ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૨૩૧૩ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૯ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૦૪૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૭ ઘટીને બંધમાં ૪૦૭૫૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈમાં ચાંદી ૩૪૦ વધી ૪૭,૮૦૦ અને અમદાવાદમાં ૩૦૦ વધીને ૪૭,૮૦૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૫૨૦ ખૂલી, ઉપરમાં ૪૬૬૩૭ અને નીચામાં ૪૬૩૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૨૪ ઘટીને ૪૬૪૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૪૨૬ ઘટીને ૪૬૫૦૮ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૪૨૨ ઘટીને ૪૬૫૧૦ રૂપિયા બંધ રહ્યા હતા.
 
ડૉલર સામે રૂપિયો ઊછળ્યો

આર્થિક સર્વેમાં ભારતનો આર્થિક વિકાસદર આગામી વર્ષે વધશે એવી આશાઓ વ્યક્ત થતાં ડૉલર સામે રૂપિયો આજે વધીને બંધ આવ્યો હતો. ગુરુવારે ૭૧.૫૮ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૧.૪૬ની સપાટીએ ખૂલ્યા બાદ એક તબક્કે ૭૧.૫૨ થઈને દિવસના અંતે ૭૧.૩૩ની સપાટીએ કે ૨૫ પૈસા વધીને બંધ આવ્યો હતો.

business news