સોનું-ચાંદીની બજારમાં આર્થિક અહેવાલોના અભાવે સાંકડી વધઘટ સાથે ટ્રેડિંગ

13 May, 2020 07:52 AM IST  |  Mumbai | Bullion Watch

સોનું-ચાંદીની બજારમાં આર્થિક અહેવાલોના અભાવે સાંકડી વધઘટ સાથે ટ્રેડિંગ

ગોલ્ડ

કોરોના વાઇરસની અસરથી બહાર આવી રહેલા વિશ્વ અને લૉકડાઉન ઊઠી રહ્યું છે ત્યારે આર્થિક વિકાસ કેવી રીતે આગળ વધી રહ્યો છે એની રાહમાં સોનાના ભાવમાં મોટી તેજી કે મંદી અટકી પડી છે. સોનાના ભાવ ૧૭૦૦ ડૉલરની આસપાસ અને ચાંદી ૧૫.૬ ડૉલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે.

એક તરફ દક્ષિણ કોરિયા, ચીનમાં નવા કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ જોખમી ચીજોમાં માગ અને પુષ્કળ નાણાપ્રવાહિતા જોવા મળી રહી છે. આ સ્થિતિમાં આર્થિક મોરચે જોખમ ઊભું કરે, નાણાબજારમાં અસ્થિરતા લાવી શકે એવા કોઈ મોટા પરિબળની ગેરહાજરી બજારમાં પુનઃ મૂલ્યાંકન થઈ રહેલું જોવા મળી રહ્યું છે. સોમવારે શૅરબજારની સાથે સોનું પણ ઘટ્યું હતું તો આજે કોરોનાના નવા કેસ આવી રહ્યાના સમાચાર સાથે એમાં આંશિક વધારો પણ જોવા મળી રહ્યો છે.

સોમવારે વૈશ્વિક બજારમાં જુલાઈ ચાંદી વાયદો ૧૦ સેન્ટ ઘટી ૧૫.૬૮ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો. સોનું જૂન વાયદો ૧૫ ડૉલર ઘટી ૧૬૯૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર બંધ રહ્યો હતો. ગઈ કાલે સોનું વાયદો ૦.૪૨ ટકા કે ૭.૨૦ ડૉલર વધી ૧૭૦૫.૨૦ ડૉલર અને હાજરમાં ૦.૩૧ ટકા કે ૫.૨૭ ડૉલર વધી ૧૭૦૩.૨૦ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદી વાયદો ગઈ કાલે ફરી ૦.૩૮ ટકા કે ૬ સેન્ટ વધી ૧૫.૭૪ ડૉલર અને હાજરમાં ૦.૧૬ ટકા કે ૩ સેન્ટ વધી ૧૫.૫૨ ડૉલર પ્રતિ ઔંસ છે.

દરમિયાન, ભારતમાં હાજરમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ (ટૅક્સ સિવાય)માં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૮ વધી ૪૫,૮૮૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૯૫ ઘટી ૪૩,૦૦૫ રૂપિયા બંધ રહી હતી. ખાનગીમાં સોનાના ભાવ ૨૨૨ ઘટી ૪૭,૨૮૧ રૂપિયા અને ચાંદી ૪૦૨ ઘટી ૪૩,૯૯૧ રૂપિયા હતા. ભારતમાં લૉકડાઉનના કારણે હજી પણ હાજરમાં બજારો બંધ છે.

સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૫,૮૭૮ ખૂલી, ઉપરમાં ૪૫,૯૭૦ અને નીચામાં ૪૫,૭૫૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧ વધીને ૪૫,૭૮૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭,૨૧૩ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧ વધીને ૧ ગ્રામદીઠ ૪૬૦૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪ રૂપિયા વધીને બંધમાં ૪૫,૭૯૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૩,૨૫૨ ખૂલી, ઉપરમાં ૪૩,૪૫૩ અને નીચામાં ૪૩,૧૦૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૭ ઘટીને ૪૩,૧૬૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૬૩ ઘટીને ૪૩,૫૩૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૬૨ ઘટીને ૪૩,૬૩૮ રૂપિયા બંધ રહ્યા હતા.

સ્ટિમ્યુલસની આશાએ ડૉલર સામે રૂપિયો ઊછળ્યો

ભારતમાં કોરોના વાઇરસનો ત્રીજો તબક્કો પૂર્ણ થવાના આરે છે અને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લૉકડાઉન હટાવશે અને દેશના અર્થતંત્રને બેઠું કરવા માટે નવા આર્થિક પૅકેજની જાહેરાત કરશે એવી આશાએ ગઈ કાલે રૂપિયો ડૉલર સામે વધ્યો હતો. સોમવારે ક્રૂડ ઑઇલના ઘટેલા ભાવ અને વૈશ્વિક બજારમાં ડૉલર નબળો પડતાં રૂપિયાને તેજી માટે ટેકો મળ્યો હતો. આ ઉપરાંત, ત્રણ દિવસથી શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની ખરીદીના આધારે પણ સેન્ટિમેન્ટ મજબૂત હતો.

સોમવારે ૭૫.૭૩ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૮૯ની સપાટીએ નબળો ખૂલ્યો હતો અને પછી વધુ ઘટી ૭૫.૯૫ થઈ ગયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રજોગ પ્રવચન કરશે અને એમાં દેશની આર્થિક સ્થિતિ વિશે સંકેત આપશે એવી ધારણાએ શૅરબજાર અને રૂપિયો નીચલા મથાળેથી વધ્યા હતા. દિવસના અંતે રૂપિયો બાવીસ પૈસા વધી ૭૫.૫૧ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં છ મહત્ત્વનાં ચલણ સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ આજે ૦.૧૩ ટકા ઘટી ૧૦૦.૧૧ની સપાટીએ હતો જેનાથી પણ થોડો ટેકો મળ્યો હતો.

business news