ટ્રમ્પે લાદેલી ઇમર્જન્સીને પગલે USમાં ટેન્શન વધતાં સોનું-ચાંદી વધ્યાં

13 January, 2021 07:21 AM IST  |  Mumbai | Bullion Watch-Mayur Mehta

ટ્રમ્પે લાદેલી ઇમર્જન્સીને પગલે USમાં ટેન્શન વધતાં સોનું-ચાંદી વધ્યાં

ગોલ્ડ

ડોનલ્ડ ટ્રમ્પે સત્તાના આખરી દિવસોમાં જબ્બર પૉલિટિકલ ટેન્શન ઊભું કરતાં સોના-ચાંદીમાં ઘટ્યા ભાવથી નવેસરથી લેવાલી નીકળી હતી અને વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી વધ્યાં હતાં, એને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૫૧ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

ડોનલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટી કરવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો હતો ત્યારે વળતા પ્રહાર સ્વરૂપે ડોનલ્ડ ટ્રમ્પે ૨૪ જાન્યુઆરી સુધી અમેરિકામાં ઇમર્જન્સી ડિક્લેર કરી હતી. નવા પ્રેસિડન્ટ બાઇડનની શપથવિધિ ૨૦ જાન્યુઆરીએ થવાની હોવાથી ઇમર્જન્સી દરમિયાન હવે શપથવિધિ કઈ રીતે થશે? એ વિશે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થતાં પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થઈ હતી, જેને કારણે સોના-ચાંદીમાં નવેસરથી લેવાલી નીકળી હતી. જોકે અમેરિકી ડૉલર અને ટ્રેઝરી બોન્ડના યીલ્ડ ઊંચા હોવાથી સોનામાં સુધારો મર્યાદિત હતો. અમેરિકાની પૉલિટિકલ ક્રાઇસિસ વચ્ચે વર્લ્ડમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને કોરોના વાઇરસના નવા અવતાર સ્ટ્રેનના સંક્રમિત કેસ સતત વધી રહ્યા હોવાથી વૅક્સિનેશન પ્રોગ્રામનો અમલ ઝડપી બનાવવા તરફ હાલ અનેક દેશો તનતોડ મહેનત કરી રહ્યા છે. વર્લ્ડ માર્કેટમાં મંગળવારે સોનું ૦.૨ ટકા અને ચાંદી ૦.૮ ટકા સુધરી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઓપ્ટિમિઝમ ઇન્ડેક્સ ઘટીને ડિસેમ્બરમાં સાત મહિનાની નીચી સપાટીએ ૯૫.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૧૦૧.૪ પૉઇન્ટ હતો. બ્રિટનમાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી સામે વિરોધ વધી રહ્યો છે ત્યારે બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ પણ પાઉન્ડનું મૂલ્ય સતત વધી રહ્યું છે ત્યારે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના મેમ્બરો દ્વારા નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી વિશે પુનઃ વિચાર કરવાની માગણી ઊઠી છે. બિટકૉઇનના ભાવ વધ્યા મથાળેથી ૨૦ ટકા ઘટી ગયા હતા. બિટકૉઇનનો ભાવ એક તબક્કે વધીને ૪૦,૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો એ ઘટીને હાલ ૩૦,૦૦૦ ડૉલર આસપાસ પહોંચી ગયો હતો. બિટકૉઇનના ભાવ સતત તૂટવા લાગતાં ઇન્વેસ્ટરો બિટકૉઇન વેચીને સોના-ચાંદીને ખરીદવા આવી રહ્યા છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

વર્લ્ડમાં સોનાના ભાવ નક્કી કરતાં દેશો અમેરિકા, યુરોપિયન દેશો, જપાન, ચીન અને ભારતનું મૅક્રો ઇકૉનૉમિક પિક્ચર હજી સોનાની તેજીને સપોર્ટ કરી રહ્યું છે, જેની અસર સોનાના ભાવ પર લૉન્ગ ટર્મ પડશે એ નક્કી છે, પણ હાલમાં શૉર્ટ ટર્મ અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ અને ડૉલરની તેજી બન્ને સોનાના ભાવને ઉપર જતા રોકી રહ્યા છે. ટેક્નિકલ ઍનૅલિસ્ટોના મતે સોનામાં ૧૮૩૦ ડૉલરનો સપોર્ટ બહુ જ મહત્ત્વનો છે. આ લેવલે સોનું રોકાયા બાદ નવેસરથી તેજીની આગેકૂચ જોવા મળશે. બિટકૉઇન અને ઇક્વિટી માર્કેટમાં ઘટાડાનો દોર આગામી સમયગાળામાં જેટલો મોટો હશે એટલી ઝડપી તેજી સોનામાં જોવા મળશે.

business news