વૈશ્વિક નરમાઈ વચ્ચે ભારતમાં સોના-ચાંદીમાં ઘટાડો

12 September, 2020 02:54 PM IST  |  Mumbai | Bullion Watch

વૈશ્વિક નરમાઈ વચ્ચે ભારતમાં સોના-ચાંદીમાં ઘટાડો

ગોલ્ડ

અમેરિકામાં ફુગાવો વાર્ષિક ધોરણે વધી રહ્યો છે એવાં ચિહ્‍નો વચ્ચે શુક્રવારે સોનાના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. શૅરબજારમાં ફરી નવી ખરીદીનો સંકેત છે જે સોના માટે નકારાત્મક પરિબળ છે. જોકે સાપ્તાહિક ધોરણે હજી પણ સોનું અને ચાંદી વધેલાં છે. અમેરિકન ડૉલરમાં પણ આંશિક નબળાઈ વચ્ચે સોનું ૧૯૭૫ ડૉલરની સપ્તાહની ઊંચી સપાટીથી ફરી ઘટવાનું શરૂ થયું છે અને એની સાથે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

જુલાઈમાં ગ્રાહક ભાવાંક ૦.૬ ટકા આવ્યા પછી ઑગસ્ટમાં એ ઘટીને ૦.૪ થયો હોવાની જાહેરાત અમેરિકન બ્યુરો ઑફ લેબર સ્ટૅટિસ્ટિકસે કરી હતી. વાર્ષિક ધોરણે ૧ ટકા સામે ઑગસ્ટમાં ફુગાવો ૧.૪ ટકા રહ્યો હતો અને એને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગયા શુક્રવારે સોનાના ભાવ ૧૯૩૪.૩૦ ડૉલર અને ચાંદી ૨૬.૭૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા હતા. અમેરિકામાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સોનું ડિસેમ્બર વાયદો ૦.૫૩ ટકા કે ૧૦.૪૦ ડૉલર ઘટી ૧૯૫૩.૯ અને હાજરમાં ૦.૦૯ ટકા કે ૧.૭૪ ડૉલર ઘટી ૧૯૪૪.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતો. ચાંદી ડિસેમ્બર વાયદો ૧.૦૩ ટકા કે ૨૮ સેન્ટ ઘટી ૨૭.૦૧ અને હાજરમાં ૦.૪૪ ટકા કે ૧૨ સેન્ટ ઘટી ૨૬.૭૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરનું ૬ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગયા શુક્રવાર સુધીમાં બે સાપ્તાહિક ઉછાળા સાથે બંધ આવ્યો હતો. ડૉલરના મૂલ્યમાં વૃદ્ધિની અસરથી સોનું પણ સર્વકાલીન ઊંચી સપાટીથી લપસી પડ્યું હતું.. ડૉલર ઇન્ડેક્સ ગયા શુક્રવારે ૯૨.૭૧૯ હતો જે આજે ૯૩.૨૬૦ ચાલી રહ્યો છે. એ રીતે ડૉલર મજબૂત થયો છે, પણ સપ્તાહની ઊંચી સપાટી ૯૩.૫૩૫થી એમાં ઘટાડો જોવા મળ્યો છે. ડૉલરની નબળાઈ ચાલુ રહે તો સોનાના ભાવને ટેકો મળી શકે છે.

વૈશ્વિક નરમાઈ વચ્ચે ભારતમાં સોના-ચાંદીમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં નરમ હવામાન અને ભારતમાં હજી પણ હાજરમાં સોનાની માગમાં કોઈ મોટો સુધારો થયો નથી ત્યારે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજરમાં સોનું ૨૫૫ ઘટી ૫૩,૨૮૫ અને અમદાવાદમાં ૩૩૫ ઘટી ૫૩,૨૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૪૩૧ ખૂલી, ઉપરમાં ૫૧૫૫૧ અને નીચામાં ૫૧૨૨૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૫૪ ઘટીને ૫૧,૫૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩૩ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૧૮૨૫ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૮ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૨૩૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૪૭ ઘટીને બંધમાં ૫૧,૫૮૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં હાજરમાં મુંબઈમાં ભાવ ૧૩૯૦ ઘટી ૬૭,૦૮૦ અને અમદાવાદમાં ૧૪૦૦ ઘટી ૬૭,૦૫૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૮,૫૦૦ ખૂલી, ઉપરમાં ૬૮,૫૦૦ અને નીચામાં ૬૭,૬૧૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૬૭ ઘટીને ૬૮,૨૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭૬૦ ઘટીને ૬૮,૨૦૦ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૭૭૫ ઘટીને ૬૮,૧૯૩ રૂપિયા બંધ રહ્યા હતા.

દરમ્યાન કીમતી ધાતુઓનો ઇન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૧૩૨ ખૂલી, ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૧૬,૧૩૨ અને નીચામાં ૧૬,૦૩૧ના સ્તરને સ્પર્શી ૧૦૧ પૉઇન્ટની મૂવમેન્ટ સાથે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૧૦૫ પૉઇન્ટ ઘટીને ૧૬,૧૨૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


ભારતમાં સરકારી બૉન્ડના વધેલા યીલ્ડ, વૈશ્વિક રીતે રાજદ્વારી સ્થિતિમાં તંગદિલી વચ્ચે ડૉલર સામે રૂપિયો આજે ઘટીને બંધ આવ્યો હતો. ડૉલર વૈશ્વિક બજારમાં નરમ હતો અને ક્રૂડ ઑઇલના ભાવ ઘટેલા હોવાથી રૂપિયાની મંદી પર બ્રેક લાગી હતી. ગુરુવારે ૪૩.૪૬ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે વધીને ૭૩.૪૦ ઉપર ખૂલ્યો, પણ દિવસમાં ભારત અને ચીન વચ્ચે સરહદી તંગદિલી વિશે કોઈ ચોક્કસ સમજૂતી ન થતાં એ ઘટીને ૭૩.૬૧ થઈ દિવસના અંતે ૭૩.૫૩ બંધ આવ્યો હતો. આજે દિવસમાં રૂપિયો ડૉલર સામે ૭ પૈસા અને સાપ્તાહિક ધોરણે ૩૯ પૈસા ઘટીને બંધ આવ્યો છે. છેલ્લાં ચાર સપ્તાહથી સતત વધી રહેલો રૂપિયો આજે અઠવાડિક ધોરણે ઘટ્યો હતો.

business news