શૅરમાં વેચવાલી અને ડૉલરની સલામતી વચ્ચે સોના-ચાંદીમાં ફરી ઘટાડો

16 October, 2020 07:54 PM IST  |  Mumbai | Bullion Watch

શૅરમાં વેચવાલી અને ડૉલરની સલામતી વચ્ચે સોના-ચાંદીમાં ફરી ઘટાડો

ગોલ્ડ

બુધવારે ડૉલરમાં ઘટાડા બાદ જોવા મળેલો સોના અને ચાંદીના ભાવમાં સુધારો ફરી અટકી ગયો છે. અમેરિકામાં સ્ટિમ્યુલસ વિશે ટ્રમ્પ-તંત્ર અને વિપક્ષ વચ્ચે કોઈ સમાધાન થાય એવું લાગી રહ્યું નથી. બીજી તરફ ફ્રાન્સ અને જર્મની દ્વારા કોરોના વાઇરસના બીજા તબક્કા માટે આકરાં પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે અને એને કારણે સતત વધી રહેલા શૅરબજારની તેજી પર બ્રેક લાગી છે. વેચવાલી સાથે સલામતી માટે ફરી ડૉલર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને ડૉલરમાં વૃદ્ધિ થતાં સોના-ચાંદીની તેજી પણ અટકી છે.

અમેરિકમાં બેરોજગારી માટે ભથ્થું મેળવવા થયેલી અરજી ગયા સપ્તાહના અંતે અપેક્ષા કરતાં વધી હતી. બજારમાં જૉબલેસ ક્લેમની અરજીઓ ૮.૧૦ લાખ રહે એવી ધારણા વચ્ચે આંકડાઓ ૮.૯૮ લાખના આવ્યા છે. અગાઉના સપ્તાહ કરતાં આ આંકડો ૫૩,૦૦૦નો ઉમેરો દર્શાવે છે.

બુધવારે ડૉલરમાં ઘટાડાને કારણે સોનું ફરી ૧૯૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર કરવામાં સફળ રહ્યું હતું, પણ આજે વૈશ્વિક રીતે શૅરબજારમાં ઘટાડો અને અમેરિકન બજારો પણ નબળાં ખૂલ્યાં હતાં. અમેરિકન ડૉલરનું વિશ્વનાં ૬ અન્ય ચલણ સામે મૂલ્ય દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ આજે ૦.૪૫ ટકા વધી ૯૩.૭૮૭ની સપાટીએ આવ્યો હતો અને સોનું ફરી ૧૯૦૦ ડૉલરની નીચે સરકી ગયું છે.

બુધવારે સોના-ચાંદીના ભાવમાં નીચા મથાળે ખરીદી જોવા મળી હતી. સોનું ૧૭ ડૉલર અને ચાંદી ૨૭ સેન્ટ વધ્યા હતા. આજે દિવસ દરમ્યાન સોનાના ભાવ ૧૯૦૨ અને ૧૮૯૩ ડૉલર વચ્ચે અથડાયા હતા. ચાંદીનો ભાવ પણ ૨૪.૨૬૦થી ૨૩.૭૦૫ ડૉલર વચ્ચે અથડાઈ રહ્યો છે. બન્ને ધાતુઓમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે. અમેરિકામાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સોનું ડિસેમ્બર વાયદો ૦.૪૬ ટકા કે ૮.૮૦ ડૉલર ઘટી ૧૮૯૮.૫૦ અને હાજરમાં ૦.૨૦ ટકા કે ૩.૮૬ ડૉલર ઘટી ૧૮૯૭.૬૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૨.૩૨ ટકા કે ૫૬ સેન્ટ ઘટી ૨૩.૮૩ ડૉલર અને હાજરમાં ૧.૯૯ ટકા કે ૪૮ સેન્ટ ઘટી ૨૩.૭૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

બીજા દિવસે પણ ભારતમાં સોનું-ચાંદી ઘટ્યાં

વૈશ્વિક બજારમાં ઘટાડા સાથે સતત બીજા દિવસે ભારતમાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજર સોનું ૧૪૦ ઘટી ૫૨,૩૫૦ અને અમદાવાદમાં ૧૩૫ ઘટી ૫૨,૩૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પર હતા. ચાંદીના ભાવમાં મુંબઈમાં હાજરમાં ૧૪૮૦ ઘટી ૫૧,૪૬૫ અને અમદાવાદમાં ૧૪૬૫ ઘટી ૬૧,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો હતો.

સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૩૧૪ ખૂલી, ઉપરમાં ૫૦,૫૪૨ અને નીચામાં ૫૦,૨૮૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૨ ઘટીને ૫૦૩૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૯૩ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૫૩૫ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૯૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૫૩ ઘટીને બંધમાં ૫૦,૪૬૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૧૧૪ ખૂલી, ઉપરમાં ૬૧,૩૨૦ અને નીચામાં ૫૯,૮૭૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦૭૨ ઘટીને ૬૦,૫૩૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૦૭૭ ઘટીને ૬૦૫૩૩ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૦૭૧ ઘટીને ૬૦,૫૩૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ત્રીજા ક્વૉર્ટરમાં સિલ્વર ઈટીએફમાં રોકાણ ત્રણગણું વધ્યું

સોનાની જેમ ચાંદીમાં પણ જ્વેલરી કરતાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)ની માગણી વધી હોવાથી ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. ઑગસ્ટના અંતે વૈશ્વિક રીતે સિલ્વરમાં રોકાણ કરતાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં ૧.૦૫૨ અબજ ઔંસની સામે સપ્ટેમ્બરના અંતે ઈટીએફ રોકાણ આંશિક ઘટી ૧.૦૨૬ અબજ ઔંસ થયા બાદ ફરી ૧૨ ઑક્ટોબર સુધીમાં એ વધીને ૧.૦૪૫ અબજ ઔંસ થયું હોવાનું ઇન્ટરનૅશનલ સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના આંકડાઓમાં આજે જાહેર કરવામાં આવ્યું હતું. અહીં નોંધવું જોઈએ કે કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના ત્રીજા ક્વૉર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર)માં નવું ઈટીએફ રોકાણ ૨૯.૭ કરોડ ઔંસનું આવ્યું છે જે ગયા વર્ષના ૧૦.૩ કરોડ ઔંસ કરતાં ત્રણગણું વધારે છે. ઇન્સ્ટિટટ્યૂની યાદીમાં વધુ જણાવ્યું હતું કે ચાંદીના સિક્કાની માગ પ્રથમ ત્રણ ક્વૉર્ટરમાં ૬૫ ટકા વધ્યું છે. ચાંદીનો ઔદ્યોગિક વપરાશ પણ ત્રીજા ક્વૉર્ટરમાં ગયા વર્ષ કરતાં ૧૦ ટકા જેટલો વધ્યો છે જેમાં ફોટોવેલટિક સેલ્સ માટેનો વપરાશ મક્કમ રહ્યો છે, જયારે ઑટો, ઇલેક્ટ્રૉનિક્સમાં માગમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમ્યાન ચાંદીનાં ઘરેણાંની માગ આ વર્ષે ૨૦ ટકા ઘટે જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી નીચી રહે એવી શક્યતા છે.

business news